મોરબી જિલ્લાની વિવિધ શાળા કોલેજમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ

- text


મોરબી : મોરબી શહેર જિલ્લાની વિવિધ શાળા કોલેજ અને સંસ્થાઓમાં આજે તા.21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.


મોરબીની પી.જી.પટેલ કોલેજમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો

મોરબી : મોરબીની પી.જી.પટેલ કોલેજમાં આજે 21 જૂનના દિવસે મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષ સ્થાને નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી.

આ તકે કોલેજના ટ્રસ્ટી મનસુખભાઈ આદ્રોજા, મેનેજીંગ ટ્રસ્ટી જતીનભાઈ આદ્રોજા, આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટ દ્વારા કલેકટર જી.ટી.પંડ્યાનું પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપરોક્ત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય થી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ ઉજવણીમાં કોલેજના વિધાર્થીઓ અને સ્ટાફ ગણ સાથે મોરબીના અગ્રણી મહિલા તબીબ ડો. ભાવનાબેન જાની અને યોગ ટ્રેનર ડો.અલ્પા ભટ્ટ પણ જોડાયા હતા.

કોલેજના આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પી.જી.પટેલ કોલેજના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજાની પ્રેરણાથી શરુ થયેલી 7 વર્ષ જૂની પરંપરા મુજબ ૩ SRB યોગ કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યાએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું અને નવી શિક્ષણ નીતિ – 2020ના વિદ્યાર્થીઓને થનાર ફાયદા વિષે વિદ્યાર્થીઓને રસપ્રદ રીતે અવગત કર્યા હતા. કાર્યક્રમના અંતે કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી જતીનભાઈ આદ્રોજાએ આભાર વિધિ કરી હતી.


મોરબીની રેઈન્બો વર્લ્ડ પ્રી સ્કૂલમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.

કન્યા છાત્રાલય રોડ પર આવેલ રેઈન્બો પ્રી સ્કૂલમાં યોગ દિવસ નિમિત્તે નર્સરી, એલ.કે.જી. તેમજ યુ.કે.જી.ના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ યોગ અને સૂર્ય નમસ્કાર કરી યોગ દિવસની ઉજવણી કરી હતી.


મોરબીની માધાપરવાડી શાળામાં વિશ્વ યોગદિન નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

મોરબી : મોરબીમાં નવમા આંતર રાષ્ટ્રીય યોગ દિન નિમિતે સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિની ધરોહર એવા યોગ દિનની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મોરબી જિલ્લામાં PMSHRI યોજના માટે પસંદ થયેલી માધાપરવાડી કન્યા શાળામાં વિશ્વ યોગ દિનની ઉજવણીના ભાગરૂપે સવારમાં બાલવાટિકા થી ધો. 5ની વિદ્યાર્થિનીઓએ યોગ પ્રાણાયામ અને બપોરની પાળીમાં ધો.6 થી 8 ની વિદ્યાર્થિનીઓ માટે નિબંધ સ્પર્ધા,વકતૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા પ્લેકાર્ડ બનાવવા વગેરે સ્પર્ધા યોજવામાં આવી હતી.

આ સ્પર્ધામાં ધો.6 થી 8 ની 150 જેટલી બળાઓએ હોંશભેર ભાગ લઈ પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવવાનો પ્રયત્ન કર્યો હતો. સમગ્ર સ્પર્ધા સફળ બનાવવામાં દિનેશભાઈ હિરજીભાઈ સાવરિયા, જયેશભાઈ અગ્રાવત, ચાંદનીબેન સાંણજા, નિલમબેન ચૌહાણ વગેરે શિક્ષકોએ ખુબજ જહેમત ઉઠાવી હતી. યોગ દિવસની વિવિધતા સભર ઉજવણી કરવા બદલ શાળાના પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલા અને એસ.એમ.સી.ના અધ્યક્ષ કાળુભાઈ વી.પરમારે શાળા પરિવારને અભિનંદન અને ધન્યવાદ પાઠવ્યા હતા.


મોરબી સખી વન સ્ટોપ સેન્ટર ખાતે યોગ દિવસની ઉજવણી

મોરબી : આજે 21 જૂન નારોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે મોરબી જિલ્લાના બાળવિકાસ અધિકારી તથા દહેજ પ્રતિબંધક સંરક્ષણ અઘિકારીના માર્ગદર્શન હેઠળ ચાલતા મોરબી સખી વન સ્ટોપ સેન્ટર ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત ઉપસ્થિત તમામને યોગ વિશેની સમજણ આપવામાં આવી હતી. ઉપરાંત યોગ અને આસનના ફાયદા વિશે પણ ઉપસ્થિતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રના સામાજિક કાર્યકર, પોલીસ સ્ટેશન બેઈઝ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર, મહિલા અભ્યમ હેલ્પલાઇનના કાઉન્સેલર અને કોન્સ્ટેબલ પણ સહભાગી બન્યા હતા.


નેક્સિયન ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા યોગ દિવસની ઉજવણી કરાઈ

મોરબી : નેક્સીયન ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા આજે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર વિશ્વમાં યોગ અને ધ્યાનની જાગૃતિના ભાગરૂપે આજે 21 જૂને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. યોગાભ્યાસમાં શ્વસન, મુદ્રાઓ અને ધ્યાન યોગ જેવી શારીરિક વ્યાયામનો સમાવેશ થાય છે જે લોકોના જીવનમાં સંતુલન અને આધ્યાત્મિક વૃદ્ધિ સાથે તણાવ, હતાશા અને ભય તેમજ બિમારીઓને ઘટાડવામાં મદદ કરે છે.

કંપનીના કર્મચારીઓના માનસિક અને આધ્યાત્મિક વિકાસને ધ્યાનમાં રાખીને મોરબીમાં સિરામિક ઉદ્યોગમાં અગ્રણી અને ઇટાલિયન ડિઝાઇનર ટાઇલ્સની વિશ્વ વિખ્યાત બ્રાન્ડ માટે જાણીતી નેક્સિયન ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પણ યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કંપનીના કર્મચારીઓને ઈશા ફાઉન્ડેશનના સ્વયંસેવકો દ્વારા સદગુરુ દ્વારા રચાયેલ ધ્યાન યોગની પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી. આ પ્રસંગે કંપનીના સીઓઓ, ડાયરેક્ટર સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.


મોરબીની રફાળેશ્વર આદર્શ નિવાસી શાળામાં વિશ્વ યોગ દિવસ ઉજવાયો

મોરબી : રફાળેશ્વર આદર્શ નિવાસી શાળા (વિ.જા.)માં આજે તારીખ 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં લાલપર આરોગ્ય કેન્દ્રના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ મોરબીના સુપરવાઈઝર દિલીપભાઈ વ્યાસ દ્વારા વિવિધ પ્રકારના આસન, વિવિધ પ્રાણાયામ, ગ્રીવા ચાલન, કમરની ક્રિયા, તાડાસન, મકરાસન, વિવિધ પ્રકારના આસન કરવામાં આવ્યા હતા. વિધાર્થીઓને વિશ્વ યોગ દિવસ વિશે સરસ માહિતી આપી હતી. કાર્યક્રમનું સંચાલન શારીરિક શિક્ષક દિપક શંખલપુર દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં શાળાના 6 શિક્ષક અને 160 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

- text


વાંકાનેરની ભોજપરા પ્રા. શાળામાં વિશ્વ યોગા દિવસ ઉજવાયો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભોજપરા ગામની પ્રાથમિક શાળામાં વિશ્વ યોગા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ યોગા દિવસ નિમિત્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાડધરાના આરોગ્ય કર્મચારી નિલેષભાઈ સરાસવાડીયા, સંજયભાઈ મકવાણા, કાંતિભાઈ વાઘેલા, માનસીબેન પાઠક, શહેનાજબેન માથકીયા, વી.એસ. માથકીયા, સમીમબેન ખોરજીયા, ડો. અજય ચાવડા તથા પ્રાથમિક શાળા ભોજપરાના આચાર્ય સલીમભાઈ લોલાડીયા, પંકજભાઈ ગોહેલ, પ્રાથમિક શાળાનો તમામ સ્ટાફ, ભોજપરા ગામના આગેવાન લતીફભાઈ કડીવારએ વિદ્યાર્થીઓ સાથે યોગા કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી.


વિનય સાયન્સ સ્કૂલમાં ઉજવાયો યોગ દિવસ

મોરબી : પીપળીયા ચાર રસ્તા ખાતે આવેલી વિનય સાયન્સ સ્કૂલમાં આજે 21 જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિનય સાયન્સ સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર વિપુલભાઈ સરડવા તથા કિરીટભાઈ કાનગડ તેમજ સર્વે શિક્ષકમિત્રોએ હાજર રહી યોગ દિવસ ઉજવ્યો હતો.


સાર્થક વિદ્યામંદિરમાં યોગ સપ્તાહ ઉજવાયો

મોરબી : સાર્થક વિદ્યામંદિરમાં યોગ દિવસ અને યોગ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. બાળકોએ ઉત્સાહભેર યોગ કરીને યોગ્ય સપ્તાહ ઉજવ્યો હતો. આ ઉપરાંત ‘યોગ’ શબ્દ લેખનમાં બાળકો વ્યવસ્થિત ગોઠવાયા હતા અને શબ્દ લેખન કર્યું હતું.


મોરબીની ઘુંટુ પ્લોટ પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ

મોરબી : ઘુંટુ પ્લોટ પ્રાથમિક શાળામાં આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શરીર સ્વસ્થ રહે અને સ્વાસ્થ્ય સારું રહે તે હેતુથી ઘુંટુ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ અને સમગ્ર સ્ટાફ દ્વારા યોગ દિવસ ઉજવાયો હતો. સૌએ સાથે મળીને યોગ કર્યા હતા.


માળીયા (મી.) : સરવડની કે.પી. હોથી વિદ્યાલયમાં તાલુકા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરાઈ

માળીયા (મી.) : આજે તારીખ 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે તાલુકાના સરવડ ગામની કે.પી. હોથી ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયમાં તાલુકા કક્ષાના યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં માળીયા તાલુકા મામલતદાર પંડ્યા સાહેબ, નાયબ મામલતદાર મારવણીયા સાહેબ, માળીયા ટીડીઓ, રેલવે, આરોગ્ય, પોલીસ અને મહેસુલ વિભાગના અધિકારીઓ, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ મણીભાઈ, સરવડ ગ્રામ પંચાયતના સરપંચ, યજમાન શાળા કે. પી. હોથી ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયનો સમગ્ર સ્ટાફ, વિદ્યાર્થીઓ, સરવડની પ્રાથમિક શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ વગેરે હાજર રહ્યા હતા. સૌએ ખૂબ જ સુંદર રીતે યોગાસન, ધ્યાન, પ્રાણાયામની ક્રિયાઓ કરી હતી. મહેશભાઈ ચૌહાણ તથા વિપુલભાઈ સ્વામીએ યોગ વિશેની સમજણ આસનો અને કસરત વગેરેની આપી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ખૂબ જ કુશળતાપૂર્વક કર્યું હતું.


મોરબીના વિરપરની નાલંદા વિદ્યાલયમાં વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

મોરબી : મોરબીના વિરપર ખાતેની નાલંદા એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટમાં આજ રોજ વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

વિરપરની નાલંદા વિદ્યાલયમાં યોજાયેલા આ વિશ્વ યોગ દિવસની કાર્યક્રમમાં પૂર્વ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ હાજરી આપી હતી. બ્રિજેશભાઈ મેરજાએ પોતાના સંબોધનમાં યોગથી થતાં લાભની વાત કરી હતી. આ યોગ દિવસની ઉજવણીમાં ટ્રસ્ટીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

- text