મોરબીના જેતપરમાં 38.24 લાખની રેતીની ખનીજ ચોરી મામલે ફોજદારી ફરિયાદ નોંધાઇ

- text


ઘોડાધ્રોઇ નદીમાં ગેરકાયદે ખનન મામલે ખનીજ માફિયાએ દંડ ન ભરતા અંતે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાઈ

મોરબી : ગત માર્ચ માસમાં મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા મોરબી તાલુકાના જેતપર ગામે ઘોડાધ્રોઇ નદીમાં ગેરકાયદે રેતી ચોરી મામલે દરોડા પાડી એસ્કેવટર મશીન કબ્જે કરી મશીન માલિક વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવા છતાં દંડની રકમ ભરપાઈ ન કરતા અંતે આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં 38.24 લાખથી વધુની ખનીજ ચોરી મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે ઘોડાધ્રોઇ નદીમાં ગેરકાયદે રેતી ચોરી થઈ રહી હોવાની બાતમીને આધારે મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવતા ખનીજ ચોરો નાસી ગયા હતા જો કે, ખાણ ખનીજ વિભાગે દરોડા સ્થળેથી એસ્કેવટર મશીન કબ્જે કરી મોરબી તાલુકા પોલીસ મથકમાં જમા કરાવતા એસ્કેવેટર મશીન માલિક આરોપી જયેશ પોપટભાઈ પાનસુરીયા રહે.અમરગઢ , તા.જી.રાજકોટ વાળો ખાણખનિજ વિભાગની કચેરીમાં હાજર થઈ આ મશીનની માલિકી કબૂલી દંડનીય કાર્યવાહી માટે સોગંદનામું રજૂ કર્યું હતું.

- text

જો કે, લાંબો સમય વીતવા છતાં એસ્કેવેટર મશીન માલિક આરોપી જયેશ પોપટભાઈ પાનસુરીયાએ ખાણ ખનીજ વિભાગની નોટિસનો જવાબ ન આપી દંડ ન ભરતા અંતે માઇન્સ સુપરવાઇજર એમ.આર.ગોજીયાએ જયેશ પોપટભાઈ પાનસુરીયા રહે.અમરગઢ, રાજકોટ વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં 11,300 મેટ્રિક ટન સાદી રેતીની ખનીજ ચોરી કરવા બદલ તેમજ પર્યાવરણને નુકશાન પહોંચાડવા બદલ રૂપિયા 38.24 લાખની ખનીજ ચોરી મામલે આઇપીસી કલમ 379 તેમજ માઇન્સ એન્ડ મિનરલ્સ એકટ સહિતની કલમો મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- text