આફત વચ્ચે આનંદોત્સવ : વાવાઝોડા દરમિયાન ટંકારામાં 10 સગર્ભા માતાઓની સફળ પ્રસુતિ 

- text


સામુહિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફે ખડેપગે રહી સગર્ભા માતાઓની તમામ પ્રકારની તકેદારી રાખી

ટંકારા : ટંકારા તાલુકામાં વાવાઝોડાની આફત વચ્ચે પણ જાણે આનંદોત્સવ છવાઈ ગયો હોય તેવી ઘટના સર્જાઈ હતી. વિકટ પરિસ્થિતિ વચ્ચે આરોગ્ય કેન્દ્રનો આશરો લેનાર 10 સગર્ભાઓની સફળ પ્રસુતિ થતા તેમના પરિવારોમા ખુશીની લહેર છવાઈ ગઈ છે.

ટંકારા તાલુકામાં વાવાઝોડા પૂર્વે મામલતદાર કેતન સખીયાના આગવા ડિઝાસ્ટર પ્લાન સાથે તમામ આગમચેતીના પગલાં લેવામાં આવ્યા હતા. જેમાં તાલુકાની 13 સગર્ભા બહેનો કે જેમનો પ્રસૂતિનો સમય ખૂબ નજીક હતો. તેમને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આશ્રય આપવામાં આવ્યો હતો.

જ્યા કેન્દ્રના અધિક્ષક દીપ ચિખલિયા અને બાળ રોગ નિષ્ણાંત ડો. વિનાબેનના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા આ તમામ સગર્ભાઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે પ્રકારે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. વાવાઝોડાની સ્થિતિ વચ્ચે બે દિવસમાં આ 13 બહેનોમાંથી 10 બહેનોની સફળ પ્રસુતિ થઈ હતી. આમ વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ 10 પરિવારોમાં આનંદની લાગણી છવાઈ છે.

- text

- text