બોલો કોને કેટલું નુકશાન ? સિરામિક એસોસિએશને વિગતો મંગાવી

- text


પ્રાથમિક અંદાજમાં દસથી પંદર ફેકટરીના આઠ, દસ પતરાં ઉડયાના અહેવાલ : વાવાઝોડાએ દિશા બદલતા મોરબીનો સિરામિક ઉદ્યોગ નુકશાનથી બચી ગયો

મોરબી : વાવાઝોડા બીપરજોયે છેલ્લી ઘડીએ દિશા બદલતા મોરબીના સિરામિક સહિતના મહાકાય ઉદ્યોગો વ્યાપક નુક્શાનીથી બચી ગયા છે, જો કે તીવ્ર પવનમાં મોરબી આજુબાજુની અંદાજે દસથી બારેક ફેકટરીના આઠ, દસ પતરા ઉડયાના અહેવાલ મળી રહ્યા છે. હાલ સિરામિક એસોસિએશન દ્વારા તમામ ફેકટરી સંચાલકો પાસેથી નુક્શાનીની વિગતો મંગાવી છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલ વાવાઝોડું મોરબી જિલ્લાના સિરામિક સહિતના ઉદ્યોગો માટે અત્યંત જોખમી બન્યું હતું પરંતુ વાવાઝોડાએ છેલ્લી ઘડીએ દિશા બદલતા મોરબી જિલ્લાના અતિ તીવ્ર ગતિથી પવન ન ફૂંકાતા વ્યાપક નુકશાનથી તમામ ઉદ્યોગો બચી ગયા છે. જો કે, ગઈકાલ સાંજથી ફૂંકાઈ રહેલ તેજ પવનમાં મોરબીના એકાદ બે કારખાનામાં થોડું વધારે માત્રામાં નુકશાન પહોંચ્યું છે પરંતુ એકંદરે વ્યાપક નુક્શાનીથી ઉદ્યોગ બચી ગયો છે.

મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા, હરેશભાઇ બોપલીયા અને વિનોદભાઈ ભાડજાએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, ઈશ્વર કૃપાથી મોરબીના ઉદ્યોગો મોટી નુક્શાનીથી બચી ગયા છે, એસોસિએશન દ્વારા તમામ ઉદ્યોગકારો પાસેથી નુક્શાનીની વિગતો મંગાવી છે પરંતુ હાલમાં માત્ર દસથી બાર જેટલા એકમોમાં આઠ-દસ, આઠ-દસ પતરા ઉડયા હોવાનું તેઓએ જણાવ્યું હતું.

- text

ઉલ્લેખનીય છે કે, મોરબીમાં 750થી વધુ સિરામિક એકમો આવેલા છે ઉપરાંત એટલા જ મોટા પ્રમાણમાં પોલીપેક, પેપરમિલ સહિતની મોટી મહાકાય ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે અને મોટાભાગના આવા ઉદ્યોગોના શેડ અને ગોડાઉન પતરાના બનેલા હોવા ઉપરાંત ઉંચાઈ વધુ હોય વાવાઝોડાના તેજ પવન ફૂંકાવાની દહેશતને પગલે વાવાઝોડાના ત્રણ દિવસ પહેલા જ ઉદ્યોગોએ સલામતી માટે ઉદ્યોગ બંધ કરી દીધા હતા અને સદનસીબે કુદરતે પણ યારી આપતા તમામ ઉદ્યોગો હાલ વ્યાપક નુક્શાનીથી બચી શક્યા છે.

- text