મોરબીમાં મહિલા શૌચાલય દોઢ વર્ષથી બંધ !

- text


સામાજિક કાર્યકરોએ બંધ હાલતમાં રહેલા મહિલા શૌચાલયને ફરી ચાલુ કરવા કલેકટર અને મુખ્યમંત્રીને રજુઆત કરી

મોરબી : મોરબીના નહેરુ ગેઇટ ચોક ખાતે આવેલ એક માત્ર મહિલા શૌચાલય દોઢ વર્ષથી બંધ હાલતમાં હોય મહિલાઓને ભારે હાલાકી ભોગવવી પડતી હોવાથી સામાજિક કાર્યકરોએ બંધ હાલતમાં રહેલા મહિલા શૌચાલયને ફરી ચાલુ કરવા કલેકટર અને મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, અશોકભાઈ ખરચરિયા અને મુસાભાઈ બ્લોચે નગરપાલિકાના ચીફ ઓફિસર, કલેકટર, ધારાસભ્ય અને મુખ્યમંત્રી સુધી લેખિતમાં રજુઆત કરતા જણાવ્યું હતું કે, મોરબીના હદય સમાન અને મુખ્ય બજાર વિસ્તાર નહેરુ ગેઇટ ચોકમાં લાખોના ખર્ચે લેડીઝ ટોયલેટ બનાવવામાં આવ્યું છે, જો કે, આ શૌચાલય તૈયાર થઈ ગયું હોવા છતાં ચાલુ કરાયું નથી. વર્ષોથી મહિલા શૌચાલય બંધ હાલતમાં છે અને મહિલા શૌચાલય હાલ ધૂળ ખાઈ છે. તેમજ મહિલા શોચાલય ઉપયોગ વગર ખંઢેર હાલતમાં છે. શોચાલયની પૂરતી સફાઈ થતી નથી. પાણીની મોટર પણ ચોરાય ગઈ છે.

- text

ચોંકાવનારી વાત તો એ છે કે, શૌચાલયના બારણાં પણ તૂટી ગયા છે અને લાઈટો પણ ચોરાઈ ગઈ છે અને હાલમાં મહિલાઓ માટેનું આ શૌચાલય અવારા તત્વોનો અડ્ડો બની ગયું છે. નહેરુ ગેઇટ બજાર વિસ્તાર હોય તેમજ બાજુમાં શાક માર્કેટ અને કટલેરી સહિતની બજારો હોવાથી દરરોજ અહીંયા ખરીદી માટે હજારો મહિલાઓ આવે છે. ત્યારે શૌચાલય બંધ હોય મહિલાઓને ભારે મુશ્કેલી પડે છે. એક તરફ વડાપ્રધાન મોદી ઘરે-ઘરે અને જાહેરમાં શૌચાલય બનાવવાનું ખાસ અભિયાન ચલાવે છે ત્યારે મોરબીમાં બીજી તરફ તંત્રની ઘોર ઉપેક્ષાથી હજારો મહિલાઓ શૌચાલયનો ઉપયોગ કરી શકતી ન હોય જાગૃત નાગરિકો દ્વારા મહિલા શૌચાલય સત્વરે ચાલુ કરવા માંગ ઉઠાવી છે.

- text