શેઠની શિખામણ…. સુધી, ગૃહમંત્રીએ ગંદકી ન કરવા કહ્યું એના બીજા દિવસે બસ સ્ટેન્ડમાં પાનના પિચકારા 

- text


પાન-મવાના બંધાણીઓની જ્યાં ત્યાં થૂંકવાની કુટેવ ન છુટતા ગૃહમંત્રીનો સ્વચ્છતા જાળવવાનો બોધપાઠ એળે ગયો

મોરબી : મોરબીમાં કરોડોના ખર્ચે નવું અને અદ્યતન બનાવેલા નવા બસ સ્ટેન્ડનું ગઈકાલે જ લોકપર્ણ કરીને ગૃહમંત્રીએ આ બસ સ્ટેન્ડમાં સ્વચ્છતા જાળવવાની લોકોને શીખ આપી હતી. પણ શેઠની શિખામણ ઝાપા સુધી એક કહેવત અનુસાર ગૃહમંત્રી ઉપદેશ આપીને ગયા એના બીજા દિવસે પાન માવાના બંધાણીઓએ હંમેશની જેમ પોતાની કુટેવ મુજબ આ નવા બસ સ્ટેન્ડની દીવાલ પર પાન-માવાની પિચકારી મારીને જાહેર મિલકતને ગંદી બનાવવાનું શરૂ કરી દીધું છે.

મોરબીના નવા બસ સ્ટેન્ડનું ગઈકાલે ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે જાહેર જનતાના લાભાર્થે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. સાથેસાથે તેઓએ લોકોને શીખ આપતા કહ્યું હતું કે, આ આપણી સહિયારી મિલકત છે. આપણી મિલકતને કોઈ ગંદી બનાવે તો આપણે થોડા સાંખી લઈએ. માટે દરેક લોકોને નવા બસ સ્ટેન્ડમાં સ્વચ્છતા જાળવવા અને અહીંયા ગંદકી ન કરવાની ટકોર કરી હતી. પણ અમુક લોકો એવા હોય છે જે હમ નહિ સુધરેગેની માફક બેફિકર બનીને જાહેર મિલકતને લાંછન લગાડે છે. તેમાંય ખાસ કરીને પાન-માવા શોખીનો જ્યાં ત્યાં પાનની પિચકારી મારવાનું ચૂકતા જ નથી એને મન આવી મિલકતો એમની પિચકારીના રંગરોગાન કરવા માટે હોય છે એવું માનીને બિન્ધાસ્તપણે પિચકારી મારતા હોય છે. નવા બસસ્ટેન્ડની ઘટનામાં પણ ગૃહમંત્રી શીખ આપીને ગયા પછી બીજા દિવસે આ નવા બનેલા બસ સ્ટેન્ડને પાન માવાના બંધાણીઓએ પિચકારી મારીને ગંદુ બનાવવાનું ઉદઘાટન કરી નાખ્યું છે. પાન-મવાના બંધાણીઓની જ્યાં ત્યાં થુકવાની કુટેવ ન છુટતા ગૃહમંત્રીનો સ્વચ્છતા જાળવવાનો બોધપાઠ એળે ગયો છે.

- text

જાગૃત નાગરિકે નવા બસ સ્ટેન્ડમાં મારેલી પાનની પિચકારીની તસ્વીર શેર કરતા કહ્યું હતું કે, દરેક લોકો પોતાની મિલકતનું જીવથી પણ વધુ જતન કરે છે પણ જાહેર મિલકતની જાળવણી કરવાની બાજુએ રહી પણ એને ગંદુ બનાવવાની એક તક નથી છોડતા, હકીકતમાં લોકો એવું માનવા તૈયાર કેમ નથી થતા કે આ જાહેર મિલકત આપણી છે અને આપણે એને સ્વચ્છ રાખવી જોઈએ. કોણ જાણે ‘આપણે શું લેવા દેવા’ ની જૂની માનસિકતામાંથી આપણે ક્યારે બહાર નિકળશું ?

- text