હળવદના ટિકર રણ ગામે વાડામાં ભીષણ આગ ભભૂકી

- text


પાણીના અભાવે આગ ઓલવી ન શકાતા માલઢોર માટેની 3500 મણ કડબ સહિતનો ઘાસચારો આગમાં ભસ્મીભૂત થયો

હળવદ : હળવદના ટિકર રણ ગામે માલધારીના વાડામાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી અને હાલ બાજુની કેનાલમાં પાણી બંધ હોય પાણીના અભાવે આગ ઓલવી ન શકાતા માલઢોર માટેની 3500 મણ કડબ સહિતનો ઘાસચારો આગમાં ભસ્મીભૂત થયો હતો.

આગના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના ટિકર રણ ગામે રહેતા માલધારી કાળુંભાઈ માવજીભાઈ રબારીના વાડામાં આજે બપોરે 1 વાગ્યે કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આ માલધારી મોટો માલધારી હોય તેમની પાસે 250 ગાયો અને 100 ભેંસો સહિતનો અંદાજે 400 જેટલા માલઢોર હોવાથી તેઓએ આ માલઢોર માટે વાડામાં 3500 મણ કડબ એકઠી કરીને રાખી હોય તેમજ અન્ય 800 મણ જેટલું ભુસુ એકઠું કર્યું હોય તેમાં આગ લાગવાથી આ તમામ ગાયો ભેંસો માટેનો ઘાસચારો બળીને રાખ થઈ ગયો હતો.

વધુમાં આ ગામના જિલ્લા પંચાયતના સદસ્ય ધર્મેન્દ્રભાઈ એરવાડિયાએ જણાવ્યું હતું કે, હાલ કેનાલો બંધ છે. એટલે પાણીની ભારે તંગી હોય ત્યારે આ આગ એટલી ભયાનક હતી કે, ગમે તે રીતે ઓલવી શકાય તેમ ન હતું. કારણ કે, બાજુમાં નીકળતી પેટા કેનાલ બંધ હોય પાણી ન હોવાથી નજર સામે માલઢોર માટેનો ઘાસચારો આગની ભડકે બળતા જોઈ રહ્યા સિવાય છૂટકો જ ન હતો. આ આગમાં નજર સામે જ ઘાસચારો બળતો હોવા છતાં અમે કઈ ન કરીને નિસહાય બની ગયા હતા.

- text

- text