16 હજાર કરોડ ! સિરામિક ઇન્ડસ્ટ્રીઝે એક્સપોર્ટમાં ભુક્કા કાઢ્યા  

- text


વર્ષ 2022-23માં વિપરીત સંજોગો અને ગેસના ભાવવધારા સહિતની મુશ્કેલીઓ વચ્ચે પણ અધધધ નિકાસ કરી : સૌથી વધુ અમેરિકા અને ગલ્ફ કંટ્રીમાં સિરામિક પ્રોડક્ટની નિકાસ 

મોરબી : કોરોના મહામારી, ગેસના ભાવમાં વધારો, રો-મટિરિયલના ભાવમાં વધારો, પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, ટ્રાન્સપોર્ટેશનની અસુવિધા, કન્ટેનર ભાડા તેમજ શિપ ચાર્જીસમાં વધારો… આવા અનેક કારણો છતાં વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબીના સિરામિક ઉદ્યોગે વર્ષ 2022-23માં અંદાજે એક હજાર કરોડના વધારા સાથે 16 હજાર કરોડની સિરામિક પ્રોડક્ટ્સની નિકાસ કરી કેન્દ્ર સરકારને વિદેશી હૂંડિયામણ કમાઈ આપવામાં સિંહ ફાળો આપ્યો છે. સરકારના સત્તાવાર આંકડા મુજબ મોરબીના સિરામિક ઉદ્યોગે વર્ષ 2022-23માં સૌથી વધુ નિકાસ જગત જમાદાર એવા અમેરિકામાં કરી છે, એકલા અમેરિકામાં જ મોરબીના ઉદ્યોગ સાહસિકોએ 1193.8 કરોડનો બિઝનેશ કર્યો છે.

સમગ્ર વિશ્વમાં બીજા નંબરનું સ્થાન ધરાવતા મોરબીના સિરામિક ઉદ્યોગે વર્ષ 2022-23માં અનેક ઉતાર અને ચઢાવ જોયા હોવા છતાં વિદેશી હૂંડિયામણ કમાઈ આપવામાં પોતાની શાખ જાળવી રાખવાની સાથે ગત વર્ષની તુલનાએ રૂપિયા 1000 કરોડનો વધુ બિઝનેશ કરી 15,999 કરોડનો વિદેશ વ્યાપાર કર્યો છે, ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ મોરબીના સિરામિક નિકાસકારો દ્વારા વર્ષ 2022-23માં વિશ્વના 182 દેશો સાથે વ્યાપાર કરીને આ મહત્વપૂર્ણ નિકાસની સિદ્ધિ હાંસલ કરી છે.

- text

ખાસ કરીને મોરબીના ઉદ્યોગ સાહસિકોએ વર્ષ 2022-23માં જગત જમાદાર કહેવાતા અમેરીકા સાથે સૌથી વધુ એટલે કે 1193.8 કરોડનો વ્યાપાર કર્યો છે જયારે બીજા ક્રમે યુનાઇટેડ આરબ અમીરાત સાથે 955.6 કરોડનો વ્યાપાર કર્યો છે, આ ઉપરાંત સાઉદી અરેબિયામાં 938.8 કરોડ, ઇરાકમાં 863.8 કરોડ, કુવૈતમાં 731.1 કરોડ, ઓમાન સાથે 560.8 કરોડ, થાઈલેન્ડ સાથે 560.2 કરોડ, મેક્સિકો સાથે 558.1 કરોડ, જોર્ડન સાથે 547.5 કરોડ, ઈઝરાઈલ સાથે 537.7 કરોડ, યુનાઇટેડ કિંગ્ડમ સાથે 528.3 કરોડ, રશિયા સાથે 515.3 કરોડ, સીરામીક હબ ગણાતા ઇટલી સાથે 270.5 કરોડ સહિત વિશ્વના 182 દેશો સાથે 15999 કરોડની નિકાસ કરી હોવાના આંકડા સામે આવ્યા છે.

ઉલ્લેખનીય છે, કે વીતેલા વર્ષ 2022 અને 23માં મોરબીના સીરામીક ઉદ્યોગે લોકલ ટ્રાન્સપોર્ટેશન તેમજ કન્ટેનરના સૌથી ઉંચા ભાડા ચૂકવી નેચરલ ગેસના ભાવમાં પણ બમણા જેટલો ભાવ વધારો ચૂકવી અંદાજે 16000 કરોડના વિદેશ વ્યાપારની સિદ્ધિ હાંસલ કરી છે ત્યારે જો હજુ પણ સરકાર દ્વારા મોરબીમાં સ્થાનિક કક્ષાએ કાર્ગો હેન્ડલિંગ સહિતની સુવિધા વિકસાવી સસ્તાદરે કન્ટેનર ઉપલબ્ધ કરાવી વિદેશ વ્યાપારનું માળખું વધુ મજબૂત બનાવે તો આવનાર દિવસોમાં મોરબીનો સિરામિક ઉદ્યોગ સ્થાનિક માર્કેટની મંદીને નજર અંદાજ કરી હજુ પણ નિકાસને વધુ વેગવાન બનાવી શકવાની ક્ષમતા ધરાવતું હોવાનું નિકાસકાર વર્તુળો જણાવી રહ્યા છે.

- text