વિદ્યાર્થીનીઓની સલામતી માટે પોલીસ એક્શન પ્લાન ગોઠવે : શાળા-ટ્યુશન સંચાલકો

- text


છેડતીના બનાવો અટકાવવા માટે પોલીસની શાળા સંચાલકો અને ટ્યુશન કલાસીસ સંચાલકો સાથે મીટીંગ યોજાઈ

મોરબી : મોરબીમાં વિદ્યાર્થીનીઓની સતામણી અટકાવવા મામલે મોરબી એ ડિવિઝન પોલીસ મથકે એસપી રાહુલ ત્રિપાઠીની અધ્યક્ષતામાં આજે પોલીસની શાળા-કોલેજ સંચાલકો અને ટ્યુશન કલાસીસ સંચાલકો સાથે મીટીંગ યોજાઈ હતી. જેમાં 80 જેટલા શાળા કોલેજ અને ટ્યુશન કલાસીસના સંચાલકો ઉપસ્થિત રહીને વિદ્યાર્થીનીઓની સલામતી માટે પોલીસ પદ્ધતિસરનો એક્શન પ્લાન બનાવે તેવી રજુઆત કરી હતી. આ સંચાલકોએ અમુક વિદ્યાર્થીઓ શાળા કોલેજે જવાને બદલે અન્ય જગ્યાએ આંટાફેરા કરીને વિદ્યાર્થીનીઓની પજવણી કરતા હોય એવા સ્થળે પોલીસ ચેકિંગ કરીને કાર્યવાહી કરે તેવું જણાવ્યું હતું.

શાળા કોલેજ અને ટ્યુશન કલાસીસના સંચાલકોએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીનીઓની સલામતી માટે પોલીસની સી ટીમ દરરોજ શાળા-કોલેજ અને ટ્યુશન ક્લાસમાં ચક્કર લગાવે, ગ્રામ્ય વિસ્તારો કે દૂરથી ભણવા આવતી દીકરીઓ અભ્યાસ માટે રિક્ષામાં બેસતી હોય પણ રીક્ષા આખી ભરેલી હોય જેથી તેમની સલામતી જોખમાતી હોય ઘણી વખત આવી છેડતીને કારણે વિદ્યાર્થીનીઓ આગળનો અભ્યાસ છોડી દેતી હોય અને આવી વિદ્યાર્થીનીઓ કોઈને કહી શકતી ન હોય માબાપ પણ સલામતી ખાતર ભણવા મોકલતા ન હોય આથી વધુ પેસેન્જરો ભરતા રીક્ષા ચાલકો સામે કાર્યવાહી કરવી જોઈએ. નવા બસ સ્ટેન્ડ આસપાસ અવારા તત્વોનો અડ્ડો જામતો હોય ત્યાં પોલીસ ચેકિંગ કરે, શાળા કોલેજ છુંટવા સમયે ટ્રાફિકજામ થતો હોય તેમજ શાળા કોલેજ આસપાસ પાન ગલ્લા ઉપર તેમજ સરદાર બાગ આસપાસ અવારા તત્વો બેઠા હોય ત્યાં પણ કાર્યવાહી કરવામાં આવે તેમજ ગર્લ્સ હાઈસ્કૂલ પાસે દારૂના દુષણનો પ્રશ્ન ઉઠ્યો હતો. જેમાં પોલીસ રોજ ઘણો દારૂ પકડે છે તો દારૂ ઓછો કેમ થતો નથી. આ દારૂ આવે છે ક્યાંથી તેવો સવાલ ઉઠાવ્યો હતો.આવા દારૂના દુષણને કારણે મહેફિલો જામતી હોય ભણવા આવતી સામાન્ય વર્ગની દીકરીઓને ભારે પજવણી થાય છે.

સામે ડીવાયએસપીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીનીઓની સુરક્ષા માટે પોલીસ યોગ્ય વ્યવસ્થા ગોઠવશે. સાથે-સાથે સંચાલકો પણ વિદ્યાર્થીનીઓની કોઈ તકલીફ ન પડે અને વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ એકસાથે ભેગા ન થાય તેની તકેદારી રાખે અને પોલીસની જરૂર પડે ત્યારે 100 નબર પર ડાયલ કરવો અને ઉમર ન હોવા છતાં લાયસન્સ વગર વાહનો ચલાવતા વિદ્યાર્થીઓને શાળા કોલેજ તરફથી સૂચના આપવામાં આવે,વિદ્યાર્થીઓ મોબાઈલ અને વાહન ન લઈ આવે તેનું ધ્યાન રાખવાની તાકીદ કરી હતી.શાળાના દરવાજા પાસે અને બહાર સીસીટીવી લગાવવા, અપડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે શાળામાં એન્ટ્રી નક્કી કરવી તેવું પણ જણાવ્યું હતું.

- text

એસપી રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, જે દીકરીઓ ભણવા આવે છે તેને કોઈ તકલીફ ન પડે તે માટે પોલીસ હર હમેશ કાર્યરત રહેશે. કોઈ વિદ્યાર્થીનીઓની સાથે સતામણી થઈ હોય તો નિઃસંકોચે પોલીસ સમક્ષ આવે તેનું નામ ગુપ્ત રાખશે અને તેઓએ કોઈપણ બનાવ વિશે ફક્ત માહિતી આપવાની અપીલ કરી છે, ફક્ત મેસેજ મળતા જ પોલીસ કાર્યવાહી કરશે. સી ટીમ મહિલા અને વૃદ્ધો માટે હોય જે યોગ્ય કામ કરે જ છે. મોરબી પોલીસ માટે પ્રજાજનોની સલામતી જ પ્રથમ છે.વિદ્યાર્થીનીઓની સલામતી માટે અન્ય ડ્રાઈવની જેમ ઝુંબેશ શરૂ કરાશે. શાળા કોલેજ અને ટ્યુશન કલાસીસ બહાર પોલીસના હેલ્પલાઇન નંબર લગાડવામાં આવશે. કોઈપણ બનાવમાં વિદ્યાર્થીનીઓની ડરે નહિ એ માટેનું વાતાવરણ ઉભું કરી જરૂર પડે તો વાલીઓને સમજાવવા જણાવી ઘણા બધા કિસ્સામાં દીકરીઓ ડરી જતી હોય જેને કારણે અવારા તત્વોને પ્રોત્સાહન મળતું હોય વિદ્યાર્થીનીઓની આગળ આવે તે જરૂરી છે અને શાળા કોલેજ આસપાસ જ્યાં જ્યાં અવારા તત્વોનો જમાવડો હોય ત્યાં પોલીસ જરૂર કાર્યવાહી કરશે. સી ટીમનું શેડ્યુલ બનાવી તમામ શાળા કોલેજમાં પેટ્રોલીંગ કરે તેવું આયોજન કરાશે. આ તકે શાળા સંચાલકોએ સરદાર બાગ પાસેની શાક માર્કેટને અન્યત્ર ખસેડવાની માંગ કરી હતી.

- text