મોરબીની નાની વાવડી શાળાના શિક્ષકનું ગીજુભાઈ બધેકા રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડથી સન્માન 

- text


મોરબી : શિક્ષણક્ષેત્રે અનન્ય પ્રદાન કરનાર શિક્ષકોનું ગિજુભાઈ બધેકા રાષ્ટ્રીય શિક્ષક સન્માન એવોર્ડથી સન્માન થાય છે ત્યારે મોરબીના નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળાના ઇનોવેટીવ શિક્ષક અશોકકુમાર મહાદેવભાઈ કાંજીયાની આ એવોર્ડ પસંદગી કરવામાં આવતા શિક્ષકોમાં હરખની હેલી ઉઠી છે.

સ્કૂલ એકેડેમી કેરાલા અને ટીમ મંથન ગુજરાત દ્વારા દર વર્ષે સમગ્ર ભારતમાંથી શિક્ષણક્ષેત્રે નાવીન્યપૂર્ણ કામ કરતા, ઇનોવેટીવ તેમજ અનેક વિવિધ પ્રકારની અભ્યાસિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરતા અને બાળકોના વિકાસ માટે સતત કાર્યરત શિક્ષકોની પસંદગી કરી “ગિજુભાઈ બધેકા રાષ્ટ્રીય શિક્ષક સન્માન” એવોર્ડ એનાયત કરવામાં આવે છે. વર્ષ – 2022/23 માટે આ એવોર્ડ સન્માન કાર્યક્રમ ગોગાઢાણી પ્રાથમિક શાળા (બનાસકાંઠા-ગુજરાત) ખાતે આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં સમગ્ર ભારતમાંથી 110 જેટલા શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લામાંથી નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળાના ઇનોવેટીવ શિક્ષક અશોકકુમાર મહાદેવભાઈ કાંજીયાની આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી.

મોરબી તાલુકાના ખાખરાળાના વતની અને હાલ નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અશોકકુમાર મહાદેવભાઈ કાંજીયા કે જેઓ છેલ્લા 18 વર્ષથી શિક્ષણક્ષેત્રે કાર્યરત છે. જેમણે કોરોના સમયે બાળકો ઓનલાઇન શિક્ષણની સાથે સાથે જાતે જ સ્વમૂલ્યાંકન કરી શકે એ માટે ધોરણ – 3 થી 8 ના અભ્યાસક્રમ આધારિત નિયમિત રીતે ઓનલાઇન ટેસ્ટ બનાવેલ હતી, જે મોરબી જિલ્લા ઉપરાંત ગુજરાતનાં 24 જિલ્લાના બાળકો ટેસ્ટ આપી પોતાનું સ્વમૂલ્યાંકન કરતા હતા. આ ઉપરાંત દર વર્ષે ગણિત વિજ્ઞાન પ્રદર્શન, એજ્યુકેશન ઇનોવેશનમાં ભાગીદારી, બાળમેળા, વિષયવસ્તુ નિર્માણ, પ્રવૃત્તિમય શિક્ષણ, સાંસ્કૃતિક કાર્યક્રમ, રમતગમત, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી, GIET આયોજીત ગ્રીષ્મોત્સવ અને ચિત્રસ્પર્ધા વગેરે શૈક્ષણિક કાર્યમાં વિશેષ સમય ફાળવી બાળકોને ઉત્સાહપૂર્વક તૈયારી કરાવેલ. તેમજ બાળકોમાં જીવન મૂલ્યોનો વિકાસ થાય એ માટે મૂલ્યલક્ષી શિક્ષણને સવિશેષ મહત્વ આપવામાં આવે છે. આ ઉપરાંત શિક્ષણની સાથે સાથે હંમેશા સેવાકીય કાર્યોમાં પણ જોડાયેલ રહે છે. શિક્ષણ ક્ષેત્રે તેઓ આ અગાઉ પણ જુદા જુદા ઘણા એવોર્ડ અને સન્માન મેળવી ચુક્યા છે. અશોકકુમાર કાંજીયાએ રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ મેળવી પોતાની શાળા, ગામ અને મોરબી જિલ્લાનું શિક્ષણક્ષેત્રે ગૌરવ વધાર્યું છે.

- text

- text