દાનવીર દાસબાપાએ 99મા જન્મદિવસે શાળાને રૂ.99,999ની સાઉન્ડ સિસ્ટમ ભેટ આપી

- text


હળવદના મયુરનગર ગામના વડીલે અનોખી રીતે જન્મદિવસ ઉજવ્યો

હળવદ : હળવદ તાલુકાના મયુરનગર ગામે રહેતા અને દાસબાપા તરીકે ઓળખાતા દાનવીર જોબનપુત્રા ત્રિભોવનદાસ ત્રિકમજીભાઈએ પોતાના 99મા જન્મદિવસ નિમિત્તે મયુરનગર પે સેન્ટર શાળામાં 99,999 રૂપિયાની કિંમતની અદ્યતન સાઉન્ડ સિસ્ટમ શાળાને ભેટ આપી છે.

ત્રિભોવનદાસ ત્રિકમજીભાઈ જોબનપુત્રા વિદ્યાર્થીઓના શિક્ષણના ઉત્કર્ષ માટે હંમેશાં પોતાની સદ્લક્ષ્મી વાપરતા રહ્યા છે. જેઓ દર વર્ષે ધોરણ-1 થી 12 ના તેજસ્વી તારલાઓને શૈક્ષણિક કીટ અને ભોજન સમારંભ પેટે અંદાજિત બે થી અઢીલાખ રૂપિયા જેવી માતબર રકમ આપી બાળકોને પ્રોત્સાહિત કરતા રહ્યા છે.

આ વર્ષે પણ દાસબાપાના 99 વર્ષના શુભારંભે મયુરનગર પે સેન્ટર શાળાને 99,999 રૂપિયાના સાઉન્ડ સિસ્ટમની ભેટ આપી પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. આ ઉપરાંત અગાઉ પણ મયુરનગર પે સેન્ટર શાળાના બાળકોના ડિજીટલ શિક્ષણ માટે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટબોર્ડ અને પ્રોજેક્ટરની કીટ રૂપિયા- 1,11,111ની ભેટ અર્પણ કરી હતી.

- text

આ પ્રસંગે દાસબાપાએ જણાવ્યું હતું કે, બાળકોના શિક્ષણ તેમજ શાળાના ભૌતિક વિકાસ માટે જ્યારે પણ શાળામાં આર્થિક સહયોગની જરૂર પડે ત્યારે જણાવતા રહેજો. આવા, ઉમદા ભાવનાવાળા દાસબાપા તથા જોબનપુત્રા પરિવારનો SMC મયુરનગર તથા મયુરનગર પે સેન્ટર શાળા પરિવારે હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરી દાદાને જન્મ દિવસની શુભેચ્છઓ પાઠવી હતી.

- text