મોરબીના ક્રિકેટર સાથે પ્રેક્ટિસ મેચ દરમિયાન કુદરત રમત કરી ગઈ

- text


હળવદમાં ગ્રામસેવક તરીકે ફરજ બજાવતા અશોકભાઈ કણઝારિયાને લજાઈ ખાતે પ્રેક્ટિસ મેચ દરમિયાન હાર્ટએટેક આવતા કરુણ મૃત્યુ : દુઃખદ બનાવને પગલે આંતર જિલ્લા ક્રિકેટ ટુર્નામેન્ટની તારીખમાં ફેરફાર

મોરબી : રાજ્યના પંચાયત વિભાગ દ્વારા યોજવામાં આવેલી 31મી સ્વ.બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટ આડે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતની ક્રિકેટ ટીમ પણ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી હોય લજાઈ ખાતે સઘન પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે. જો કે, પ્રેક્ટિસ દરમિયાન મોરબી જિલ્લાના ઉગતી પ્રતિભા એવા ગ્રામસેવક સાથે કુદરત રમત કરી ગઈ હતી અને પ્રેક્ટિસ મેચ દરમિયાન જ હાર્ટએટેક આવતા તેમનું મૃત્યુ નિપજતા રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા આ દુઃખદ બનાવને પગલે ટુર્નામેન્ટના આયોજનને પાછળ ઠેલ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત સરકારના પંચાયત વિભાગ દ્વારા આગામી તા.26 માર્ચથી 31 માર્ચ દરમિયાન 31મી બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરતા મોરબી જિલ્લા પંચાયતની ટીમ દ્વારા લજાઈ નજીક આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રેક્ટિસ મેચ રમવામાં આવી રહ્યો હતો જ્યાં મોરબી જિલ્લા પંચાયત ક્રિકેટ ટીમનાં આશાસ્પદ ખેલાડી અને હળવદ ગ્રામસેવક તરીકે ફરજ બજાવતા અશોકભાઈ કણઝારીયા પણ સઘન પ્રેક્ટિસ કરી રહ્યા હતા ત્યારે કુદરતે તેમની સાથે મજાક કરી હોય તેવી સ્થિતિમાં અશોકભાઈને હાર્ટએટેક આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

- text

બીજી તરફ ક્રિકેટ ટુર્નામેન્ટ આડે ગણતરીના દિવસો જ બાકી હોય ત્યારે આ દુઃખદ ઘટના બનતા રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા તમામ જિલ્લા પંચાયતોને લેખિત પત્ર પાઠવી અશોકભાઈની અણધારી મૃત્યુની ઘટનાની જેમ જ રાજ્યમાં આવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા હોય તાકીદની અસરથી તા.26 માર્ચથી 31 માર્ચ દરમિયાન યોજાનાર 31મી સ્વ. બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટને હાલતુર્ત મોકૂફ રાખી આગામી તા.10થી 15 એપ્રિલ દરમિયાન આ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવનાર હોવાનું જાહેર કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, મૃતક અશોકભાઈ ભલજીભાઈ કણઝારીયા મુળ હળવદ તાલુકાના મયાપુર ગામના વતની હતા અને હાલમાં સ્વામિનારાયણનગર હળવદ ખાતે રહી માથક ગામે ગ્રામસેવક તરીકે ફરજ બજાવતા હતા. અશોકભાઈ કણઝારીયા પરિવારમાં બે ભાઈ અને બે બહેનો હોવાનું અને અશોકભાઈને સંતાનમાં એક ચાર વર્ષનો દિકરો હોવાનું જાણવા મળ્યું છે.આ દુઃખદ ઘટનાને પગલે મોરબી જિલ્લા પંચાયતના કર્મચારીઓમાં શોકની લાગણી પ્રસરી છે.

- text