પોપટની જુબાનીએ મહિલાના હત્યારાને આજીવન કેદની સજા અપાવી

- text


ઉત્તરપ્રદેશના આગ્રામાં બનેલા બનાવમાં પોલીસે ચાર્જશીટમાં પણ પાલતુ પોપટનો ઉલ્લેખ કર્યો હતો

મોરબી : પોપટની યાદશક્તિ ખૂબ જ તેજ હોય છે. જો પોપટને એક વાર કોઈ વાત કહેવામાં આવે તો તે ભૂલતો નથી. એ પછી માણસનું નામ હોય કે તેનો ચહેરો હોય, તાજમહેલથી જાણીતા શહેર એવા ઉત્તરપ્રદેશના આગ્રામાં પોપટની જુબાનીએ મહિલાના હત્યારાને આજીવન કેદની સજા ફટકારી છે.

આઇએમ ગુજરાત નામની ન્યુઝ વેબસાઈટના અહેવાલ મુજબ 20 જાન્યુઆરી, 2014માં ઉત્તરપ્રદેશના આગ્રામાં રહેતા વિજય શર્મા પોતાનાં દીકરા અને દીકરી સાથે ફિરોઝાબાદમાં લગ્નમાં સામેલ થવા માટે ગયા હતા.તે દરમિયાન તેમના પત્ની નીલમ અને પિતા આનંદ શર્મા ઘેર હતા. લગ્નમાંથી પરત ફર્યા બાદ પત્ની નીલમની હત્યા થઈ હતી અને લૂંટ પણ થઈ હતી. મહિલાની હત્યા ધારદાર હથિયારથી કરવામાં આવી હતી. 25 ફેબ્રુઆરીના રોજ પોલીસે આરોપી આશૂ ઉર્ફે આશુતોષ ગોસ્વામીની ધરપકડ કરી હતી. હત્યારાનો પુરાવો પાળેલા પોપટ દ્વારા મળ્યો હતો. પોલીસે પોતાની ચાર્જશીટમાં પોપટનો પણ ઉલ્લેખ કર્યો હતો.

મહિલાની હત્યા બાદ મહિલાનો પાળેલો પોપટ હીરા ગુમશુમ રહેતો હતો. હીરા મહિલાની સાથે વર્ષોથી રહેતો હોવાથી તેને તેની સાથે ખૂબ જ લગાવ થઈ ગયો હતો. જ્યારે ઘરના લોકોનું ધ્યાન પોપટ તરફ ગયુ તો તેમને શંકા ગઈ હતી. પછી તેઓએ પોપટ હીરા સાથે વાતચીત કરી હતી. પતિ વિજયે કહ્યું કે, નીલમની હત્યા તારી સામે થઈ ગઈ અને તું ચૂપ રહ્યો? વધુમાં પરિવારને જેમના ઉપર શંકા હતી તેવા એક પછી એક નામ પોપટને કહ્યું હતું. મહિલાના ભાણીયા આશુનું નામ જ્યારે પોપટ સામે લેવામાં આવ્યું તો તે જોરજોરથી બૂમો પાડવા લાગ્યો હતો. એ પછી વિજય શર્માએ તેની જાણકારી પોલીસને આપી હતી. પોલીસે જ્યારે આશુની અટકાયત કરી અને પછી કડક પૂછપરછ કરી તો તે પડી ભાંગ્યો હતો અને પોતાનો ગુનો કબૂલી લીધો હતો. આરોપીએ કબૂલાત કરી કે તેણે પોતાના દોસ્ત સાથે મળીને આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો.

- text

મૃતક નીલમની દીકરી નિવેદીતાએ જણાવ્યું હતું કે, પોપટ તેની માતા નીલમ શર્મા સાથે વાતો કરતો હતો. તેમની સાથે જ જમતો હતો. આશુ તેમની ફોઈનોદીકરો હતો. એટલા માટે તે ઘરે આવતો જતો રહેતો હતો. આશુને ઘરમાં પડેલાં દાગીના અને રોકડ રકમ અંગે જાણ હતી એટલા માટે તેણે લૂંટની યોજના બનાવી હતી અને ચાકુથી નીલમ પર 14 અને પાળતુ ડોગી પર 9 ઘા કર્યા હતા. પાળેલો પોપટ પણ એ સમયે ઘરમાં હાજર હતો. તેણે સમગ્ર ઘટના જોઈ હતી. જો કે, છ મહિના બાદ પોપટનું પણ મોત થઈ ગયુ હતુ. કોર્ટે ગુરુવારે આરોપીઓને આજીવન કેદની સજા અને 72 હજારનો દંડ ફટકાર્યો હતો.

- text