ઉનાળાના પ્રારંભે જ હળવદના રણછોડગઢમાં પાણીની મોકાણ

- text


દસ દિવસે એકાદ વખત પાણી વિતરણથી એક બેડા પાણી માટે દર – દર ભટકતી મહિલાઓ

પાઇપલાઇનમાં કોઈ વચ્ચેથી લીકેજ કરીને અન્ય હેતુ માટે પાણી ઉપાડી જતા હોવાની ગામ લોકોને શંકા

હળવદ : હળવદના રણછોડગઢ ગામે ઉનાળાના પ્રારંભે પાણીની મોકાણ સર્જાઈ છે.નર્મદાનું દસ દિવસે એકાદ વખત પાણી આવતું હોવાથી એક બેડા પાણી માટે મહિલાઓને દર દર ભટકવું પડે છે અને પાણી માટે ગામ લોકોને ભારે હાડમારી વેઠવી પડે છે.પાઇપલાઇનમાં કોઈ વચ્ચેથી લીકેજ કરીને અન્ય હેતુ માટે પાણી ઉપાડી જતા હોવાનો ગામલોકોએ શંકા વ્યક્ત કરી છે.જેથી તે દિશામાં તપાસ કરવી પણ જરૂરી છે.

હળવદ તાલુકાના રણછોડગઢ ગામે અંદાજે 2800 લોકોની વસ્તી છે. રણછોડગઢ ગામની 2800 વસ્તીને ભલગામડાં પાસે આવેલ પાણી પુરવઠા વિભાગના સંપમાંથી નર્મદાનું પાણી પૂરું પાડવામાં આવે છે.પરંતુ આ ગામલોકોને નર્મદાનું પાણી ખૂબ અનિયમિત રીતે મળે છે.જેમાં ગામના સરપંચ,તાલુકા પંચાયતના સદસ્ય મહેશભાઈ કોપેણીયા સહિતનાઓ દ્વારા નર્મદાનું પાણી નિયમિત રીતે પૂરું પડવાની રજુઆત કરવામાં આવી હોવા છતાંય છેક દસ દિવસે નર્મદાનું પાણી આપવામાં આવે છે.

આ પાણી ગામની એક બજારને પણ પૂરું પડતું નથી.દસ દસ દિવસે આવતું પાણી પણ અપૂરતું મળતું હોવાથી મહિલાઓને એક બેડા પાણી માટે જ્યાં ત્યાં વલખા મારવા પડે છે. ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય ત્યારે જ પાણીના સાસા સર્જાતાં લોકોને પાણી માટે વાડી વિસ્તાર સહિત દૂર દૂર ભટકવું પડે છે.

ઉનાળાની કાળઝાળ ગરમી અને માથે પાણીની રામાયણ હોવાથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. જ્યારે ગામના સરપંચ સહિતના અગ્રણીઓએ અનેક વખત પાણી પુરવઠાના અધિકારીઓને રજુઆત કરી હોવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી. જો કે ઉનાળાના પ્રારંભે જ આવી પાણીની કારમી તંગી હોય ત્યારે ઉનાળો પરાકાષ્ઠાએ પહોંચશે ત્યારે કેવી દારુણ પરિસ્થિતિ થશે તેવી કલ્પનાથી ગામલોકો ધ્રુજી ઉઠ્યા છે. પાણી પુરવઠાના અધિકારીઓના પાપે ગામલોકોને નાછૂટકે પાણીની ભારે હાડમારી ભોગવવી પડે છે.

- text

તો બીજી તરફ ગ્રામજનો એવી પણ શંકા વ્યક્ત કરી રહ્યા છે કે પાઇપલાઇનમાં કોઈ વચ્ચેથી લીકેજ કરીને અન્ય હેતુ માટે પાણી ઉપાડી જતાં હોય જેથી આ અંગે યોગ્ય તપાસ કરી નિયમિત પાણી મળે તેવી વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી છે. જોકે ગ્રામ પંચાયતમાં પાણીનો બોર છે પરંતુ તેમાં પીવા લાયક પાણી રહ્યું ન હોવાનું ગ્રામજનો જણાવે છે.

- text