ઝૂલતા પુલ જેવા પુલની જાળવણી માટે શહેરી વિકાસ વિભાગ પાસે કોઈ પોલિસી જ ન હોવાનો ખુલાસો

- text


 

ઝૂલતા પુલ દુર્ઘટના મુદ્દે હાઇકોર્ટમાં આવતીકાલે વધુ સુનાવણી

મોરબી : 135 નિર્દોષ લોકોનો ભોગ લેનાર મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં સુઓમોટો રીટ પીટીશનની આજે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન ચોંકાવનારી બાબત સામે આવી છે જેમાં નગરપાલિકા અને મહાનગર પાલિકા હસ્તકના પુલની જાળવણી માટે અને નિયમિત ચકાસણી માટે કોઈ પોલીસી જ ન હોવાનું એડવોકેટ જનરલે સ્વીકારી એક અઠવાડિયાની અંદર જ આ માટેની ખાસ પોલીસી અમલી બનાવવામાં આવનાર હોવાની જાણકારી નામદાર કોર્ટને આપી હતી.

30 ઓક્ટોબરના રોજ મોરબીમાં સર્જાયેલ ઝૂલતો પુલ તૂટી પડવાની ગમખ્વાર દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોના મૃત્યુ મામલે નામદાર હાઇકોર્ટ દ્વારા સુઓમોટો રિટ પીટીશન દાખલ કરયા બાદ આજરોજ હાથ ધરવામાં આવેલ સુનાવણી દરમિયાન નામદાર હાઇકોર્ટમાં નવા ચીફ જસ્ટિસ સોનિયાબેન ગોકાણી પ્રથમ વખત જ આ કેસની સુનાવણી કરી રહ્યા હોય આજે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી દ્વારા કેસની તમામ વિગતોની પ્રાથમિક જાણકારી આપી ઝૂલતા પુલ દુર્ઘટના બાદ રાજ્યભરના જોખમી પુલની સ્થિતિ અને દુર્ઘટના બાદ તપાસણી કર્યાની વિગતો રજૂ કરી હતી.

- text

સુનાવણી દરમિયાન રાજ્યના માર્ગ અને મકાન વિભાગના તમામ પુલોની વર્ષમાં બે વખત ચોમાસા પહેલા અને ચોમાસા બાદ નિયમિત ચકાસણી કરવામાં આવતી હોવાની નામદાર કોર્ટને માહિતી આપી હતી. જો કે શહેરી વિકાસ વિભાગ હેઠળ આવતી નગરપાલિકા અને મહાનગર પાલિકામાં આવી કોઈ પોલીસી અમલમાં છે કે કેમ ?તેવો સવાલ નામદાર ચીફ જસ્ટિસે ઉઠાવતા એડવોકેટ જનરલે મોરબી દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકા અને મહાનગર પાલિકા માટે કોમન પોલીસી અમલવારી કરવા જઈ રહી હોવાનું અને એકાદ અઠવાડિયામા જ આ પોલીસી લાગુ કરવામાં આવનાર હોવાનું તેમને નામદાર કોર્ટને જણાવતા નામદાર કોર્ટ દ્વારા સોગંદનામું રજૂ કરવા સૂચના આપી હતી.

ઉલ્લેખનીય છે કે નામદાર કોર્ટમાં સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલ દ્વારા સ્વીકારાયું હતું કે ઝૂલતા પુલ પ્રકરણમાં ઓરેવા અને નગરપાલિકાએ પુલની ટેક્નિકલ કોઈ ચકાસણી કરાવી ન હોવાનું સ્વીકાર્યું હતું. જો કે, આજે નામદાર કોર્ટનો સમય પૂર્ણ થતાં ઝૂલતા પુલ દુર્ઘટના સુઓમોટો કેસની વધુ સુનાવણી આવતીકાલે હાથ ધરવા મુકરર કર્યું હતું.

- text