મોરબી જિલ્લામાં લોકશાહીના મહાપર્વનો પ્રારંભ : સવારમાં જ મતદાન કરવાનો ઉત્સાહ દેખાયો

- text


મોરબી, ટંકારા અને વાંકાનેરના 889 મતદાન મથકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ : પોલીસ અને સુરક્ષા દળોનો ચુસ્ત બંદોબસ્ત 

મોરબી : મોરબી જિલ્લાની ત્રણેય બેઠકો ઉપર અધિકારીઓ દ્વારા મોકપોલ બાદ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સવારે 7 વાગ્યે મતદાન શરૂ થયું છે. મતદાનનો આ મહાપર્વ ઉજવવામાં મોટી સંખ્યામાં મતદારોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો છે. દરેક બુથ ઉપર સવારે 7 સુધીમાં યુવાનો, વૃદ્ધો અને મહિલાઓ મતદાન કરવા પહોંચી ગયા છે. ઘણા લોકોએ સવારે વહેલા ઉઠીને પહેલા મતદાનની પવિત્ર ફરજ અદા કર્યા બાદ જ રૂટિન દિનચર્યામાં કામે લાગ્યા છે.

આજે મંગળવારના રોજ મોરબી જિલ્લામાં સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઇ છે. જે સાંજે 6 વાગ્યા સુધી ચાલવાની છે. મોરબી જિલ્લામાં કૂલ 8,30,701 મતદારો છે. જેમાંથી 4,29,073 પુરુષ મતદારો અને 4,01,618 મહિલા મતદારો છે. 65-મોરબી વિધાનસભા વિસ્તારમાં કૂલ 295 મતદાન મથકો, 66-ટંકારા વિધાનસભા વિસ્તારમાં કૂલ 291 મતદાન મથકો અને 67-વાંકાનેર વિધાનસભા વિસ્તારમાં કૂલ 303 એમ જિલ્લામાં કૂલ 889 મતદાન મથકો ઉપર મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

આ સાથે સુરક્ષા વ્યવસ્થા માટે પૂરતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. મોરબી જિલ્લાના તમામ બુથ પર કૂલ 3557 લોકો ફરજ બજાવી રહ્યા છે.આ ઉપરાંત 466 રિઝર્વ સ્ટાફ રાખવામાં આવ્યો છે. 2400 જેટલા સુરક્ષા કર્મીઓનો બંદોબસ્ત છે. CRPFની 65 હાફ સેક્શન હથિયારી બુથ પર સુરક્ષામાં તૈનાત છે. જિલ્લાભરમાં કૂલ 83 માઈક્રો ઓબ્ઝર્વર બુથના સ્થળ પર હાજર રહ્યા છે.

- text

આજે લોકોશાહીનું મહાપર્વ ઉજવવાની ઘડી આવી પહોંચી હોય આદર્શ નાગરિકની ફરજ બજાવવા માટે મતદાન શરૂ થાય એ પહેલાં ઘણા લોકો મતદાન મથકે કતારો લગાવી હતી. આજે ઘણા લોકોએ સવારે વહેલા ઉઠી પૂજા પાઠ કર્યા બાદ નાસ્તો કે અન્ય રૂટિન કાર્ય કર્યા વગર મતદાનની પવિત્ર ફરજ અદા કરવા મતદાન મથકે પહોંચી ગયા છે. આમ લોકશાહીના પર્વની ઉજવણીમાં એકંદરે લોકોમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

- text