માળીયા હાઇવે ઉપર નાકાબંધી દરમિયાન પોલીસ ઉપર સ્કોર્પિયો ચડાવી દેવા પ્રયાસ

- text


સામખીયારી સુધી ફિલ્મી ચેઇસ બાદ પોલીસની ગાડીને ટક્કર મારનાર ચાલક ઝડપાયો

મોરબી : માળીયા કચ્છ હાઇવે ઉપર નાકાબંધી દરમિયાન એક સ્કોર્પિયો ચાલકે પોલીસ બેરીકેટ તોડી નાસી જવા પ્રયાસ કર્યા બાદ સુરજબારી પુલ સુધી પીછો કરનાર માળીયા પોલીસની પીસીઆર વાન ઉપર સ્કોર્પિયો ચડાવી દેવા પ્રયાસ કરવામા આવતા માળીયા પોલીસે ફરજ રુકાવટ અંગે ગુન્હો દાખલ કરી રાજસ્થાની શખ્સની ધરપકડ કરી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીમાં ગઈકાલે લેબર કોન્ટ્રાકટર યુવાનનું સ્કોર્પિયો ગાડીમાં અપહરણ થયાને પગલે કરવામાં આવેલી નાકાબંધી દરમિયાન માળીયા કચ્છ હાઇવે ઉપર ઓનેસ્ટ ચેક પોસ્ટ પાસે એક સ્કોર્પિયો પસાર થતા આ ગાડીને પોલીસે ઉભી રાખવા પ્રયાસ કરતા સ્કોર્પિયો ચાલક બેરીકેટ તોડી નાસી ગયો હતો.

- text

જો કે આ ઘટના બનતા તુરત જ માળીયા પોલીસે કચ્છ પોલીસને સતર્ક કરી નાકાબંધી કરાવતા સામખીયારી ચેકપોસ્ટ પાસે કચ્છ પોલીસે ઘેરા બંધી કરી હતી જેને પગલે જીજે – 38 – બી – 7080 નંબરની સ્કોર્પિયોના ચાલકે યુ ટર્ન મારી માળીયા પોલીસની પીસીઆર વાન સાથે અથડાવી ફરજ ઉપરની પોલીસને ઇજાઓ કરવા પ્રયાસ કરી નાસવા જતા પોલીસે સ્કોર્પિયો ચાલક જીતેન્દ્રદાન જુગતદાન ગઢવી રહે. ફતેહગઢ, રાજસ્થાન વાળાને ઝડપી લીધો હતો.

બનાવ અંગે માળીયા પોલીસ મથકમાં ફરજ બજાવતા યુવરાજભાઈ વિરમભાઈ ટાંક દ્વારા સ્કોર્પિયો ચાલક વિરુદ્ધ ફરજમાં રુકાવટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધાવવામાં આવતા પોલીસે નાકાબંધી તોડનાર શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.

- text