“જયસુખ પટેલને એકને જ કેમ જવાબદાર ગણાવાય છે..?” : સોશિયલ મીડિયામાં ફરતા થયા મેસેજ

- text


 

ઓરેવાના માલિક સામે એક તરફ લોકોમાં ભભૂકતા રોષની વચ્ચે જયસુખ પટેલને એકને જ કેમ ટાર્ગેટ બનાવવાના આવે છે તેવા મેસેજ સોશિયલ મીડિયામાં થયા વાયરલ

મોરબી : મોરબીમાં 135 લોકોના જીવ લેનારી ઝૂલતા પુલ દુર્ઘટનાના આરોપી એવા જયસુખ પટેલ પોલીસની પકડમાં આવી ગયા છે. અત્યાર સુધીમાં આ ઘટનામાં મૃતકો માટે સાંત્વના એક શબ્દ ન બોલવા બદલ એક તરફ તેમના પ્રત્યે લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. તો બીજી તરફ સોશિયલ મીડિયામાં એક વર્ગ તેની તરફેણમાં આવી આ કેસમાં કેમ જયસુખભાઇ પટેલને એક ને જ જવાબદાર ગણીને ટાર્ગેટ કરવા બાબતને અયોગ્ય ગણાવી આ માટે જવાબદાર સરકારી તંત્ર અને અધિકારીઓની જવાબદારી સામે પણ સવાલો ઉઠાવી રહ્યા છે.

મોરબીમાં ગત 30 ઓક્ટોબરના રોજ ઝૂલતો પુલ એકાએક તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં 135 લોકોના મોત નિપજ્યા હતા. અનેક પરિવારોના સભ્યોના મોત થતા આ દુર્ઘટનાએ લોકોના મનમાં વરવી છાપ બનાવી છે. દુર્ઘટના બાદ પુલના સંચાલનની જવાબદારી જેના પર હતી તે ઓરેવા કંપની સાથે જોડાયેલા 9 લોકોની ધરપકડ કરી તેની સામે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. આ સાથે ઓરેવાના માલિક જયસુખ પટેલને પણ આરોપી જાહેર કરવામાં આવતા તેઓ ગઈકાલે કોર્ટ સમક્ષ સરેન્ડર થઈ ગયા હતા. બાદમાં પોલીસે તેની વિધિવત ધરપકડ કરી છે.

આ દુર્ઘટનાને પગલે લોકોમાં જયસુખ પટેલ વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરી આ ઘટના બાદ જયસુખ પટેલ કે તેમની કંપની દ્વારા અત્યાર સુધીમાં4 મૃતકો માટે સાંત્વનાનો એક શબ્દ પણ ઉચ્ચારવામાં આવ્યો નથી. જેના કારણે મૃતકોના પરિવારજનો આ સમગ્ર ઘટના માટે જયસુખ પટેલને જવાબદાર ગણી તેમને કડકમાં કડક સજાની માંગણી સાથે રોષ ઠાલવી રહ્યા છે. તો બીજી તરફ એક વર્ગ જયસુખ પટેલના સમર્થનમાં પણ છે. તે અંગે સોશિયલ મીડિયામાં જયસુખ પટેલ એક જ આ દુર્ઘટના માટે જવાબદાર ગણવાની બાબતને અયોગ્ય ગણાવી રહ્યા છે. અને જયસુખ પટેલ તેમજ તેમના પિતા ઓ.આર.પટેલ દ્વારા મોરબીમાં કરેલા સેવા કાર્યોને યાદ કરી તેમના સમર્થનમાં આવીને માત્ર જયસુખ પટેલને આ કેસમાં ટાર્ગેટ કરવાની જગ્યાએ આ કેસમાં જવાબદાર એવા સરકારી તંત્ર, અને અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.

સોશિયલ મીડિયામાં જયસુખ પટેલના સમર્થનમાં નીચે મુજબનો મેસેજ વાયરલ થઈ રહેલ છે..


ઓધવજીભાઈ રાઘવજીભાઈ પટેલ એટલે કે ઓ.આર. પટેલ કે જેમને મોરબી ના ભામાષા તરીકે ઓળખવા મા આવે છે તેમના પરીવાર ની વિચારધારા હંમેશાના માટે સેવા ની રહી છે.

એકાદા દાયકાથી ખાલી સ્ત્રી સશક્તિકરણની વાતો કરનારાઓ ને ક્યા ખબર છે કે એ જમાનામા કે જ્યારે દીકરીના લગ્નના ખર્ચમા પિતાની જીંદગી આખીની કમાણી ઓછી પડતી હતી ત્યારે ઓધવજી બાપા એ અજંતા ક્લોક નો પાયો નાખ્યો ત્યારથી દરેક સમાજની દીકરીઓ ને આત્મનિર્ભર બનતા શીખવ્યુ એટલુજ નહી નોકરી દરમીયાન જો દીકરીના લગ્ન થાય તો કરીયાવર પણ આપવામા આવતો હતો અને એ પરંપરા હજુ યથાવત છે

- text

ઓ.આર.પટેલ કન્યા વિદ્યાલય મા તમામ સમાજની દીકરીઓ ને વર્ષોથી મફત શિક્ષણ આપવામા આવે છે એ પણ ઓધવજી બાપાની જ દેન છે.આવી તો કેટલીય સામાજીક પ્રવૃતી મા આ પરીવાર નો સિંહ ફાળો રહ્યો છે

બસ એજ રીતે આ પરીવારે મોરબીની ધરોહર ગણાતા જુલતા પુલની રખરખાવતની જવાબદરી લઈ લીધી જાળવણી મા જેટલો ખર્ચ થયો છે એ રકમ નુ વ્યાજ પણ ના છુટે તો કેમ તેમને આ કામ લીધુ કારણ કે તેમનો ઉદે્શ કમાણી નો નઈ પણ ધરોહર જાળવવા નો હતો.

ત્યારે લોકો એ કેમ ભુલી જાય છે કે આ બધી સેવાકીય પ્રવૃતી પાછળના એક મહીના ના ખર્ચનો સરવાળો કદાચ આપણી આખી જીદંગી ની આવક કરતા વધારે થાતો હશે

અત્યારે જે રીતે આ પરીવાર સામે લોકો આગંળી ચીંધી રહયા એ રીતે કેમ કોઈ એ આવારા તત્વો સામે અવાજ નથી ઉઠાવી રહ્યા કે જેમને આટલા લોકોના જીવ ની ચિંતા કર્યા વિના પાગલની જેમ પુલ હચમચાવી રહ્યા હતા, એ નગર પાલીકા સામે કેમ અવાજ નથી ઉઠાવી રહ્યા કે જેમના ચીફ ઓફીસરે કોઈ પણ જાતની ચકાસણી વીના NOC આપી દીધુ

આવી બનતી ઘટના પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય નહી કે કોઇ એક વ્યક્તિને જવાબદાર ઠેરવવામા આવે. જે રીતે એક જ વ્યક્તિને સોફ્ટ ટાર્ગેટ કરવામા આવી રહ્યો છે એ કોઇ પણ રીતે યોગ્ય નથી જો આમજ ચાલશે તો આની નુકશાની મોરબી ની જનતા એજ ચુકવવી પડશે કારણ કે ભવિષ્યમા કોઇ પણ સધ્ધર વ્યક્તી આવા ડર થી સેવાકીય પ્રવૃતી મા આગળ નહી આવે એ નક્કી છે.

મોરબીમા અત્યાર સુધીમા કોઈ પણ સમાજસેવી કે ખાલી કહેવાતા સમાજના મોભી એવા એક પણ વ્યક્તી એ જયસુખભાઈ પટેલ કે તેમના પરીવાર ને ખુલ્લી ને સમર્થન નથી આપ્યુ કેમ એ એક મોટો પ્રશ્ન છે.

હું આ એક જ વ્યક્તિ ની ઉપર કરવામા આવતી કાર્યવાહી નો સખ્ત શબ્દો મા વિરોધ નોંધાવુ છું.

લિ.
મોરબી નો એક જાગૃત નાગરીક કે જેને આ દુર્ઘટના થી દુઃખ થયુ છે
આ દુર્ઘટનામા મૃત્યુ પામેલા તમામ લાકોને મારી ભાવપુર્વક શ્રધ્ધાજંલી

નોંધ : આ પ્રકારના મેસેજ હાલમાં વોટ્સએપ અને ફેસબુકમાં પોસ્ટ થયા છે.


- text