ઝૂલતા પુલ કેસમાં જયસુખ પટેલ જેલ હવાલે

- text


કોર્ટમાં શરણાગતિ કરનાર જયસુખ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં સોંપતા લોકોના રોષ વચ્ચે પોલીસે કોર્ડન કરીને જેલહવાલે કર્યા

મોરબી : મોરબી ઝૂલતાપૂલ કેસમાં આજે કોર્ટમાં શરણાગતિ કરનાર ઓરવાના માલિક જયસુખ પટેલને નામદાર કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડી હવાલે સોંપતા અંતે પોલીસે લોકોના રોષ વચ્ચે તેમને કોર્ડન કરીને જેલહવાલે કર્યો હતો. જો કે જયસુખ પટેલ શરણાગતિ કર્યાની જાણ થતાં મૃતકોના પરિવારો કોર્ટે પહોંચીને ભારે આક્રોશ વ્યક્ત કરી છાજીયા લઈ જયસુખ પટેલને નગર દરવાજા ચોકમાં ફાંસીએ ચડાવવા માંગ કરી હતી. પોલીસે લોકોના ટોળા જોતા જયસુખ પટેલને કોર્ડન કરીને જેલ હવાલે કરવા લઈ જતા પીડિતોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો.

ઝૂલતાપૂલ દુર્ઘટનાના ત્રણ માસ પછી કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ થતાની સાથે જ આગોતરા જામીન અરજી કરનાર મુખ્ય આરોપી એવા ઓરવાના એમડી જયસુખ પટેલ આજે અચાનક જ મોરબી કોર્ટ સમક્ષ હાજર થયા હતા અને કોર્ટમાં શરણાગતિ કરી હતી. આ બનાવની જાણ થતાં ઝૂલતપુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનો કોર્ટની બહાર ઉમટી પડ્યા હતા અને કોર્ટ બહાર જ પીડિતોએ જયસુખ પટેલ સામે ઉગ્ર આક્રોસ ઠાલવ્યો હતો. જોકે પોલીસે પીડિતોને સમજાવવા પ્રયાસ કરતા કંધોતર ગુમાવનાર મહિલાએ અમને છાજીયા લેવા ડો તેવું કહી પોલીસને પણ પીગળાવી હતી તો એક પીડિતે તો નામદાર મોરબી કોર્ટને જયસુખ પટેલને નગર દરવાજા ચોકમાં ફાંસીએ લટકાવી દેવા માંગ કરી હતી.

મૃતકોના પરિવારજનોએ કહ્યું હતું કે, પુલનું જયસુખ પટેલે એકદમ નબળું કામ કર્યું હતું એટલે તેમને સંતાનો અને સ્વજનો ગુમાવવા પડ્યા હતા. ઝૂલતપુલ નીચે એટલી બધી ગંદકી હોય તેમાં ઘણા બાળકો યુવાનો ગૂગળાઈ અને ડૂબી જઈને ભુડી રીતે મોતને ભેટ્યા હતા આથી જ્યંસુખ પટેલને પુલની નીચે નદીમાં કેટલી ગંદકી છે અને કેવી હાલતમાં એ લોકો મૃત્યુ પામ્યા એની ખબર પડે તે માટે જયસુખ પટેલને ઝૂલતાપૂલની નીચે ધક્કો મારીને પાડી દો તેવો આક્રોશ વ્યકત કર્યો હતો. જ્યારે બીજા મૃતકના પરિવારજનોએ રડતા રડતા ઉગ્ર આક્રોશ સાથે જયસુખ પટેલને જાહેરમાં ફાંસી આપવાની માંગ કરી હતી.

દરમિયાન કોર્ટ કાર્યવાહી દરમિયાન જયસુખ પટેલને જ્યુડિશિયલ કસ્ટડી સોંપવા હુકમ કરવામાં આવતા કોર્ટની બહાર ઉભેલી પોલીસ તેને કોર્ડન કરીને લઈ ગઈ હતી. જેમાં લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને લોકોના રોષ વચ્ચે ટોળાને આઘા કરીને પોલીસ જયસુખ પટેલને કોર્ટમાંથી સીધા જ જેલહવાલે કરવા રવાના થઈ હતી. આ દરમિયાન પીડિતોએ ભારે આક્રોશ ઠાલવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ જયસુખ પટેલે કોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજીની કાલે સુનાવણી છે. ત્યારે કોર્ટે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે કોર્ટમાં જ્યંસુખ પટેલને પોલીસ બંદોબસ્ત વચ્ચે હાજર રહેવા જણાવ્યું હોવાનું જાણવા મળે છે.

- text

- text