હળવદમા હોમગાર્ડ જવાનોની સતર્કતાથી બાંગ્લાદેશી શખ્સ ઝડપાયો

- text


હિન્દી કે અંગ્રેજી ભાષા ન જાણતા શખ્સની પૂછતાછ માટે બે દુભાષીયાની મદદ લેવાઈ

હળવદ : હળવદમા મધ્યરાત્રીએ આંટાફેરા કરતા શંકાસ્પદ ઇસમને બે હોમગાર્ડ જવાનોએ ઝડપી લઈ પોલીસ મથકને સોંપતા આ શખ્સ બાંગ્લાદેશી હોવાનો ખુલાસો થયો છે. જો કે ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી ભાષા નહિ જાણતા આ ઇસમની પૂછપરછ માટે હળવદ પોલીસને બાંગ્લા ભાષા જાણતા બે દુભાષીયાની મદદ લેવી પડી હતી અને પૂછપરછના અંતે આ શખ્સ વિરુદ્ધ ફોરેનર્સ એકટ મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.22 જાન્યુઆરીના રોજ હળવદ શહેરમાં નાઈટ ડ્યુટીમાં રહેલા બે હોમગાર્ડ જવાનોએ શંકાસ્પદ હિલચાલ કરતા ઇસમને ઝડપી લઈ પોલીસને જાણ કરી આ શખ્સને પોલીસ મથકે લઈ ગયા હતા. હિન્દી, ગુજરાતી ભાષા સમજી ન શકતો આ ઇસમ કોઇ જવાબ આપતો ન હોય અને જે બોલતો હોય તે સ્થાનિક પોલીસ પણ સમજતી ન હોવાથી મોરબીથી બે બાંગ્લા ભાષાના જાણકારને બોલાવી આ યુવાનની પૂછપરછ કરતા આ શખ્સ બાંગ્લાદેશી હોવાનું ખુલ્યું હતું.

- text

બીજી તરફ હળવદ પોલીસે દુભાષીયા મારફતે કરેલી પૂછપરછમાં આ યુવાનનું નામ તૂહજલ ઉર્ફે ડેવિડરવિ મુસ્લિમહુસેન ઉ.26, રહે.સદરઘાટ પાસે, માજીરાઘાટ, ડાયમંડ મીઠાના કારખાનામાં બાંગ્લાદેશ અને હાલ ક્રિશ્ચયન ધર્મ પાડતો હોવાનું જણાવ્યું હતું.

વધુમાં પોલીસ પૂછપરછ દરમિયાન આ ઇસમ બાંગ્લાદેશના ઢાંકાથી ટ્રેનમાં રાજાશાહી રેલવે સ્ટેશન પહોંચી ત્યાંથી નદીમાં બોટ મારફતે ભારતીય સરહદ સુધી પહોંચી રાત્રીના સરહદ પાર કરી કલકતા સુધી અને ત્યાંથી ટ્રેન મારફતે અલગ અલગ જગ્યાએ રખડીને રાત્રીના સમયે હળવદ પહોંચ્યો હોવાનું કબુલ્યું હતું. આ ઇસમના કબ્જામાંથી પોલીસે એક સીમકાર્ડ, 500 રૂપિયા રોકડા તેમજ એક ભુવનેશ્વરની રેલવે ટિકિટ કબ્જે કરી ફોરેનર્સ એકટ 1946 અન્વયે કાર્યવાહી કરી હતી.

- text