પુત્રની ફી ભરવા વ્યાજે પૈસા લેનાર ખેડૂતને બે વ્યાજખોરોનો ત્રાસ

- text


ચામડાતોડ વ્યાજ ભરવા અલ્ટો વેંચી તો પણ વ્યાજ ન ભરાયું, બીજા વ્યાજખોરે ટ્રેકટર પડાવી લીધું

મોરબી : માળીયા તાલુકાના સુલતાનપુર ગામના ખેડૂતે પોતાના પુત્રની ધોરણ 11 અને 12ની ફી ભરવા તેમજ બિયારણ માટે પાંચ ટકા વ્યાજે લીધેલા નાણાં અનેક ગણા ચૂકવવા છતાં નાગડાવાસ અને મોરબીના બે વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી અલ્ટો કાર વેચાવી નાખી ટ્રેકટર પડાવી લેતા અંતે બન્ને વ્યાજંકવાદીઓ વિરુદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા તાલુકાના સુલતાનપુર (વિશાલનગર) રહેતા અને ખેતી કરતા ભુપતભાઇ ભગવાનજીભાઇ દશાડીયાએ માળીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે દોઢેક વર્ષ પહેલા તેમના પુત્રની ધોરણ 11 – 12 સાયન્સની ફી ભરવા તેમજ બિયારણ માટે નાણાંની જરૂરિયાત ઉભી થતા તેમના મોરબી રહેતા ભાઈ મારફતે નાગડાવાસ ગામના અમુભાઇ પ્રભાતભાઇ રાઠોડ પાસેથી રૂપિયા 2,50,000 મહિને પાંચ ટકા લેખે અને મોરબીના દેવીસીંહ પ્રતાપસિંહ ગઢવી પાસેથી રૂ. 1,50,000 મહિને ત્રણ ટકા વ્યાજે લીધા હતા.

- text

બાદમાં ધિરધાર લાયસન્સ વગર નાણા આપનાર અમુભાઇ પ્રભાતભાઇ રાઠોડે પોતાને તાત્કાલિક પૈસાની જરૂર હોય નાણાં પરત આપવા દબાણ કરતા ભૂપતભાઈએ અલ્ટો કાર વેચી નાણાં આપ્યા હતા જ્યારે દેવીસિંહ ગઢવીએ પહેલા ત્રણ ટકા વ્યાજે નાણા આપ્યા બાદ હવે પાંચ ટકા વ્યાજ આપવું પડશે કહી ટ્રેકટર પડાવી લઈ ટ્રેકટરના કાગળિયા પણ લઈ જઈ બાદમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ગાળો આપી ધમકી આપતા અંતે ભૂપતભાઈએ બન્ને વ્યાજખોર વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને વ્યાજખોર વિરુદ્ધ આઇપીસી કલમ-૩૮૪,૪૦૩,૫૦૪તથા ગુજરાત નાણાધીરધાર અધિનિયમ-૨૦૧૧ કલમ-૪૦,૪૨(ડી) મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text