પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં દર્શન-શાસ્ત્ર દિનની ઉજવણી

- text


 

પ્રમુખસ્વામી મહારાજને ‘સનાતન ધર્મ જ્યોતિ’ નું સન્માન, ભારતની દિલ્લીથી લઈને તિરૂપતિ, સોમનાથથી લઈને આસામની સંસ્કૃત યુનિવર્સિટીઓ દ્વારા મુખ્ય ૩૬ સંસ્કૃત યુનિવર્સિટીઓના કુલપતિઓના હસ્તાક્ષર સાથે અપાયું સન્માન

 

મોરબી: ભગવાન સ્વામિનારાયણે ભારતના દાર્શનિક ઇતિહાસમાં વૈદિક, સનાતન, સ્વતંત્ર અક્ષરપુરુષોત્તમ દર્શનની ભેટ આપીને ષડ્દર્શનની શૃંખલામાં એક નુતન અને મૌલિક પૃષ્ઠ ઉમેર્યું. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણા અને આજ્ઞાથી, ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત આ દર્શનનું શાસ્ત્રીય રીતે પ્રતિપાદન કરતાં મહામહોપાધ્યાય પૂ. ભદ્રેશદાસ સ્વામીએ પ્રસ્થાનત્રયી ભાષ્યોની રચના કરી. આ પ્રસ્થાનત્રયી ભાષ્યોની રચના થયા બાદ, ઉત્તર-દક્ષિણ ભારતમાં અને વિદેશોમાં પણ પ્રખર વિદ્વાનો દ્વારા અક્ષરપુરુષોત્તમ દર્શનના તત્ત્વજ્ઞાનને એક નૂતન અને મૌલિક તત્ત્વજ્ઞાન તરીકે સ્વીકાર અને આવકાર મળી રહ્યો છે.

આજરોજ તારીખ 31 ડિસેમ્બરે પ્રમુખસ્વામી નગરમાં ભગવાનના ધૂન અને કીર્તન સાથે સાંજે ૪:૪૫ વાગ્યે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. BAPSના વિદ્વાન સંત આદર્શજીવન સ્વામીએ ‘પ્રમુખ ચરિતમ’ વિષયક અંતર્ગત પ્રમુખસ્વામી મહારાજના અભૂતપૂર્વ જીવન અને કાર્યને વર્ણવતા કહ્યું, “આ પ્રમુખસ્વામી મહારાજ નગર એ આકર્ષક અને આહલાદક, મૌલિક અને અલૌકિક, પ્રેરક અને પ્રભાવક છે અને પ્રમુખસ્વામી મહારાજની જીવનભાવના દર્શાવે છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગર એ ઇકો ફ્રેન્ડલી નગર છે કારણ કે આશરે ૨૦૦ જાતિના અલગ અલગ ૧૦,૩૫,૧૦૮ ફૂલ છોડ વાવવામાં પ્રમુખસ્વામી મહારાજની પર્યાવરણના જતન & સંવર્ધનની ભાવનાને પ્રદર્શિત કરે છે.

પ્રમુખસ્વામી મહારાજની જીવનશૈલી જળકમળવત્ હતી કારણ કે જેમ કમળ કાદવની વચ્ચે રહે છે પરંતુ તેને અસર નથી થતી તે રીતે પ્રમુખ સ્વામી મહારાજ આ સંસારથી નિર્લિપ્ત અને નિર્વિકારી રહેતા. પ્રમુખસ્વામીની જીવન શૈલીનું દર્શન રાજકમલ નામના કમળપત્રમાં જોવા મળે છે અને આ પ્રમુખસ્વામી મહારાજ નગરના નાનામાં નાના છોડને પણ મર્મ સાથે રોપવામાં આવ્યો છે.”

BAPSના મહામહોપાધ્યાય ભદ્રેશદાસસ્વામીએ ‘શાસ્ત્રોના વિરલ પ્રેરણામૂર્તિ: પ્રમુખસ્વામી મહારાજ’ વિષયક પ્રવચન દ્વારા પ્રમુખસ્વામી મહારાજ દ્વારા પ્રેરિત શાસ્ત્ર રચનાના વિરલ કાર્યને અંજલિ આપતાં કહ્યું,
“આજે ભારતભરની તમામ સંસ્કૃત પાઠશાળામાંથી આવેલા વિદ્ધાન કુલપતિઓનું આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સ્વાગત છે. ભારતની ભૂમિએ ભગવદગીતાની ભૂમિ છે અને બ્રહ્મસૂત્રની ભૂમિ છે જ્યાં શ્રદ્ધા અને તર્કનું અદ્ભુત સંતુલન જોવા મળે છે. ભગવાન સ્વામિનારાયણે સમાજને અક્ષર પુરુષોત્તમ દર્શનનું અમૃત પીવડાવ્યું છે. ભગવાન સ્વામિનારાયણે ઉદ્દબોધેલ વચનામૃતને યોગ શાસ્ત્રની દૃષ્ટિએ જોઈએ તો યોગ લાગે છે, સાંખ્ય શાસ્ત્રની દૃષ્ટિએ જોઈએ સાંખ્ય લાગે છે તેવો અજોડ ગ્રંથ છે વચનામૃત.”

આજના કાર્યક્રમમાં અનેકવિધ મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ટ્રાઈના ચેરમેન પી. ડી. વાઘેલાજીએ જણાવ્યું, “મારા માટે સૌભાગ્યની વાત છે કે ૧૯૯૩માં મહેસાણામાં પ્રથમ વખત પ્રમુખસ્વામી મહારાજના દર્શન થયા અને ત્યારબાદ તેમની મારા પર ખૂબ જ કરુણા અને આશીર્વાદ રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજ કરુણાસભર પુરુષ હતા અને સાથે સાથે કુશળ પ્રબંધક હતા. પ્રમુખસ્વામી મહારાજ મને કહેતા કે જે કાર્ય કરો તે સર્વશ્રેષ્ઠ અને નિર્ભય બનીને કરો, મનને જીતવાની કોશિશ કરો અને સત્યની સાથે રહો.”

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલાએ જણાવ્યું, “ગાંધી સરદાર અને પ્રમુખસ્વામી મહારાજની ભૂમિમાં આજે ભારતભરનાં સંસ્કૃત વિદ્યાલયોનાં વિદ્વાનો પ્રમુખસ્વામી મહારાજ નગરના દર્શને આવ્યા છે એ આપણાં માટે ગૌરવ ની વાત છે. પ્રમુખસ્વામી મહારાજમાં મન કર્મ અને વચનની એકાત્મતા જોવા મળતી હતી.”

ભારતના સુપરકોમ્પ્યુટરના જનક અને નાલંદા યુનિવર્સિટીના કુલપતિ પદ્મભૂષણ વિજય ભાટકરે જણાવ્યું,
“આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવીને એક અદ્ભુત અનુભૂતિ થઈ છે.પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ હોય તો અશકય પણ શક્ય બને છે. આપણાં સૌનો જન્મ એક મહાન સંસ્કૃતિ અને મહાન દેશમાં થયો છે અને એ સંસ્કૃતિનું દર્શન આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં થાય છે અને હું દ્રઢપણે માનું છું કે ભારત ફરી એકવાર સાચા અર્થમાં વિશ્વગુરુ બનશે. સંત પરમ હિતકારી જોઈને અદભૂત અનુભૂતિ થઈ. ”

મહર્ષિ પાણિની સંસ્કૃત અને વૈદિક યુનિવર્સિટી, ઉજ્જૈનના ડોક્ટર વિજયકુમારે જણાવ્યું, “આ પ્રમુખસ્વામી મહારાજ નગરના દર્શન કરીને હું ભાવુક થઈ ગયો કારણ કે અહીં એકસાથે મોટી સંખ્યામાં પ્રેરણાદાયી અને મનોહર પ્રસંગો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. પ્રમુખસ્વામી મહારાજની કરુણાને જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા અને અહીં બાળકો સંસ્કૃતમાં નગરની માહિતી આપી રહ્યા હતા તે લોકોને જોઈને હું દ્રઢપણે માનું છું કે ભારત સાચા અર્થમાં વિશ્વગુરુ બનશે. આધુનિકતા અને ટેકનોલોજીનો આધ્યાત્મિકતા સાથેનો સુભગ સમન્વય એ પ્રમુખસ્વામી મહારાજ નગરની વિશેષતા છે. અહી ૮૦,૦૦૦ સ્વયં સેવકો સક્રિય છે અને કાલે નગરદર્શનમાં મારા ચશ્મા ખોવાઈ ગયા હતા રાતે. પરંતુ માત્ર ૨ કલાકમાં જ મારા ચશ્મા શોધીને મારા હાથમાં આપી દીધા માટે એ જ દર્શાવે છે કે આ પ્રમુખસ્વામી મહારાજ નગરનું પ્રબંધન કેટલું દિવ્ય અને ભવ્ય છે. મહા મહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીએ પ્રસ્થાનત્રયી પર ભાષ્ય લખ્યા તે વૈદિક હિન્દુ સનાતન સંસ્કૃતિ અને ભારત માટે ગૌરવની વાત છે. આજે ભારતના તમામ સંસ્કૃત વિદ્યાલયોના કુલપતિઓએ પ્રમુખસ્વામી મહારાજ ને “સનાતન ધર્મ જ્યોતિ” નામનો વિશેષ પુરસ્કાર આપવાનો નિર્ણય લીધો છે.”

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ઉપ-કુલપતિ લલિત કુમાર પટેલે જણાવ્યું, “આજે પ્રમુખસ્વામી મહારાજ નગરનો મંચ એ માત્ર ધર્મ મંચ નથી રહ્યો પરંતુ સંસ્કૃતના વિદ્વાનો અને વૈજ્ઞાનિકોથી પરિપૂર્ણ મંચ પણ છે. જેમ સ્વામિનારાયણ મંદિરો ભારતીય સંસ્કૃતિનો પરિચય આપે છે એમ આજે પ્રમુખસ્વામી મહારાજ નગરનો મંચ ભારતીયત્વનો પરિચય આપે છે. વૈદિક પરંપરામાં અક્ષર પુરુષોત્તમ દર્શનનું શું યોગદાન છે તે ભદ્રેશદાસ સ્વામીજીએ સુપેરે સમજાવ્યું છે અને આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ભારતીય સંસ્કૃતિનું સુંદર દર્શન કરાવે છે. પ્રમુખસ્વામી મહારાજે આપત્તિઓમાં તેમના ભક્તોને નાતજાતના ભેદભાવ વગર સમાજ સેવા કરવાનો સંદેશો આપ્યો છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગર દર્શન અકલ્પનીય,અદ્ભુત,દિવ્ય,ભવ્ય અને કલ્પનાતીત છે.”

કાશી વિદ્વત પરિષદના મહા મંત્રી પ્રોફેસર રામનારાયણ દ્વિવેદીએ જણાવ્યું, “આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવીને અદ્ભુત અને અવર્ણનિય આનંદની અનુભૂતિ થઈ છે. પ્રમુખસ્વામી મહારાજે આજે પણ સૂક્ષ્મ સ્વરૂપે આપણી વચ્ચે રહ્યા છીએ અને તેમની હાજરી અને આશીર્વાદથી જ આ પ્રમુખસ્વામી મહારાજ નગર અને શતાબ્દી મહોત્સવનું આયોજન શક્ય બન્યુ છે.અક્ષર પુરુષોત્તમ દર્શન દ્વારા સનાતન ધર્મ સંસ્કૃતિનું રક્ષણ થશે માટે તમામ સંસ્કૃત વિદ્યાલયોએ આ દર્શનને અભ્યાસક્રમમાં સામેલ કરવો જોઈએ.”

પૂર્ણપ્રજ્ઞા વિદ્યાપીઠના હરિદાસ ભટજીએ જણાવ્યું, “આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં જેટલા હરિભક્તો અને સ્વયં સેવકો સેવા આપી રહ્યા છે તે તમામ લોકો પ્રમુખસ્વામી મહારાજ ના એક એક મંદિર છે. મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામી પર પ્રમુખસ્વામી મહારાજનો અનુગ્રહ અને અખંડ આશીર્વાદ રહેલા છે અને તેમના આશીર્વાદથી પૂર્વના તમામ મતોને આદર આપીને અને ખંડન કર્યા વગર અક્ષર પુરુષોત્તમ દર્શનની રચના કરી છે.”

- text

જે રામકૃષ્ણજીએ જણાવ્યું, “ગુરુકૃપાથી કેવું કાર્ય થઈ શકે તેનું ઉદાહરણ મહામહોપાધ્યાય સાધુ ભદ્રેશદાસ સ્વામી. પતંજલિ મહારાજની જેવી શૈલી હતી તેવી શૈલી મહામહોપાધ્યાય સાધુ ભદ્રેશદાસ સ્વામીમાં જોવા મળે છે.”સર્વે ભવન્તુ સુખિનઃ” એ ભાવના સાથે પ્રમુખસ્વામી મહારાજ સમગ્ર જીવન જીવ્યા છે.”

મહામહોપાધ્યાય હરિકૃષ્ણ સતપતિજીએ જણાવ્યું, “જો મને પૂછવામાં આવે કે વિશ્વની આઠમી અજાયબી કઈ હોઈ શકે તો હું કહીશ કે “પ્રમુખસ્વામી મહારાજ નગર”. આજે આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ચાર ધામ સાક્ષાત્ દ્રશ્યમાન થઈ રહ્યા છે. ઓરિસ્સામાં કુદરતી આપત્તિ વખતે પ્રમુખસ્વામી મહારાજ અને તેમના સ્વયંસેવકોએ છેક ગુજરાતથી ઓરિસ્સા આવીને રાહતકાર્યો કર્યા એના માટે અને પ્રમુખસ્વામી મહારાજના ઋણી છીએ. આજે હું મારી જિંદગીમાં જે કંઈ પણ બન્યો છું તેની પાછળ પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ છે. પ્રમુખસ્વામી મહારાજનું જીવન શાસ્ત્રોમાં કહેલા ઉપદેશો અનુસાર હતું.”

મહંતસ્વામી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું, “શ્રીજીમહારાજે શાસ્ત્રમાત્રનો સાર આપતા કહ્યું છે કે ‘અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી’ અક્ષરબ્રહ્મ ગુરુ સાથે જોડવાથી જ અક્ષરરૂપ થવાય છે. શાસ્ત્રીજી મહારાજે મધ્ય ખંડમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ પધરાવ્યા, આ શાસ્ત્રમાત્રનો સાર છે જેને યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજે અનેક લોકોના જીવનમાં દૃઢ કરાવ્યો.”

રાધારામ મંદિર, વૃંદવનના આચાર્ય શ્રીવત્સ ગોસ્વામીએ જણાવ્યું, “આ મહોત્સવમાં માનવ ચેતનાનો જનસાગર વહી રહ્યો છે. આપણે ૨૧મી શતાબ્દીને પ્રમુખ શતાબ્દીના રૂપે ઉજવાય તેવા મહાપુરુષ હતા.”

પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ૩૧ ડિસેમ્બર, શનિવારે યોજાયેલા એકેડેમિક કોન્ફરન્સના અંશો
The Contribution Of Aksar-Purusottama Darshana In Vedic Tradition
અક્ષર પુરુષોત્તમ દર્શનનું વૈદિક પરંપરામાં પ્રદાન

ભાષ્ય પરંપરાને પુનર્જીવિત કરી ભારતીય વેદાંત દર્શનનમાં ઐતિહાસિક અને વિરાટ પ્રદાન કરનાર પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં ‘અક્ષર પુરુષોત્તમ દર્શનનું વૈદિક પરંપરામાં પ્રદાન’ વિષયક વિશિષ્ટ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું .

કોન્ફરસનું આયોજન BAPS સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, દિલ્લી, સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી, દિલ્લી, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ અને આર્ષ સંશોધન કેન્દ્ર(AARSH), ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં શ્રી અક્ષર-પુરુષોત્તમ દર્શનને વ્યાપક રીતે ઊંડાણથી સમજવાનો અને આ દર્શનના દાર્શનિક, સામાજિક, સાંસ્કૃતિક, ઐતિહાસિક અને સાહિત્યિક પાસાંઓની છણાવટ કરવામાં આવી હતી. વિદ્વાનો દ્વારા શ્રી અક્ષર-પુરુષોત્તમ દર્શનના વિશિષ્ટ સિદ્ધાંતો, અન્ય દર્શનો સાથે તેની તુલના અને ધાર્મિક વિધિ-વિધાનો, પરંપરા, ઉપદેશ અને મૂલ્યો દ્વારા આ દર્શન કેવી રીતે વ્યવહારમાં પ્રસ્થાપિત છે તેના પર રિસર્ચ પેપર રજૂ કરવામાં આવ્યા હતા.

સ્વાગત પ્રવચનમાં મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીએ આજના સંમેલનમાં ૨૦ થી વધુ સંસ્કૃત યુનિવર્સિટીઓના પ્રિન્સિપાલ, ૯૦ જેટલાં પ્રોફેસરો અને ૧ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું, “પ્રાચીન ભારતીય તત્વજ્ઞાનના વિષયોમાં આ વિદ્વાનો પારંગત છે. અક્ષરપુરુષોત્તમ દર્શન વિષયક સંગોષ્ઠીમાં આપ પધાર્યા, આપ સૌનું ભાવભીનું સ્વાગત કરું છું.”

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ઉપ-કુલપતિ ડૉ. લલિત પટેલે જણાવ્યું, “ભદ્રેશદાસ સ્વામી દ્વારા રચવામાં આવેલા અક્ષરપુરુષોત્તમ દર્શન વિશ્વભરમાં ઉત્તમોત્તમ વિદ્વાનોની નજરમાંથી પસાર થઈ સ્વીકૃતિ પામી ચૂક્યું છે. વિદ્વાન એ છે જેના વાણી, વિચાર અને વર્તનમાં કોઈ ભેદબુદ્ધિ ન હોય. પ્રમુખસ્વામી મહારાજ સમતાધારી અને વૈવિધ્ય પ્રત્યે ઔદાર્યપૂર્ણ હતા. હું તેમના ચરણોમાં પ્રાર્થના કરું છું કે તેમના જેવા ગુણો મારામાં આવે.“

પૂર્વ IAS અધિકારી અને સંસ્કૃતના પ્રખર વિદ્વાન ભાગ્યેશ ઝાએ જણાવ્યું, “સંસ્કૃત ભાષાને પુનર્જીવન આપનાર પ્રમુખસ્વામી મહારાજને અંજલિ આપવા માટે આ શતાબ્દી ઉત્સવ સર્વથા ઉચિત છે. પ્રશ્નોના સમાધાન માટે પશ્ચિમ જગતે ભગવદ ગીતા જેવા ગ્રંથ તરફ દૃષ્ટિ રાખવી પડશે. સંસ્કૃત ભાષા પાસે વિશ્વના તમામ લોકોનું પ્રતિનિધિત્વ કરી શકવાની, સર્વનો અવાજ બનવાની ક્ષમતા છે.”અક્ષરધામ હુમલા સમયે પ્રમુખસ્વામી મહારાજના વલણને યાદ કરી તેમણે જણાવ્યું, “વિશ્વમાં સંસ્કૃત ભાષાના પ્રવર્તન માટે પ્રમુખસ્વામી મહારાજ ઉત્તમ પુરુષ હતા જેમણે પ્રેમ અને ક્ષમાનો સંદેશ આપ્યો.“

પૂર્ણપ્રજ્ઞા વિદ્યાપીઠ, બેંગલોરના પૂર્વ પ્રિન્સિપાલ અને ભદ્રેશદાસ સ્વામીના પૂર્વ અધ્યાપક એવા ડૉ. હરિદાસ ભટે જણાવ્યું, “આ અક્ષર પુરુષોત્તમ દર્શનની વિશેષતા એ છે કે ભાષ્યના નિર્માતા ભદ્રેશદાસ સ્વામીએ પોતાના નહીં, પરંતુ ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતોને નિરૂપ્યા છે.”

BAPS આર્ષ સંશોધન કેન્દ્રના ડો. શ્રુતિપ્રકાશ સ્વામીએ જણાવ્યું, “સંસ્કૃત ભાષાએ યુરોપની દાર્શનિક પરંપરાઓ પર પણ પ્રભાવ પાથર્યો છે. સંસ્કૃત ભાષા વિશ્વના દાર્શનિક પ્રવાહો સાથે સંકળાયેલી છે અને તે અનુસંધાનમાં પ્રમુખસ્વામી મહારાજે ભદ્રેશ દાસસ્વામીને ભાષ્ય લખવાની આજ્ઞા કરી. અક્ષર-પુરુષોત્તમ દર્શન ભગવાન સ્વામિનારાયણ દ્વારા બે શતાબ્દીઓ પૂર્વે પ્રબોધિત જ્ઞાનનો સંગ્રહ છે. આ મૃત તત્વજ્ઞાન નથી. BAPS સ્વામિનારાયણ સંસ્થાના સર્વતોમુખી કાર્ય દ્વારા અક્ષર પુરુષોત્તમ દર્શન આજે પૂર્ણ રૂપમાં જીવંત છે.”

BAPS ના પૂ.આત્મતૃપ્ત સ્વામીએ જણાવ્યું, “મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી અને ભદ્રેશદાસ સ્વામીના પ્રયત્નોથી આ વર્ષે જ 7 BAPS સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવી છે (લંડન, રૉબિન્સવિલ, ટોરન્ટો, સિડની, નૈરોબી, જોહાનિસબર્ગ)”

BAPSના ડૉ. અક્ષરાનંદ સ્વામીએ ‘BAPS સ્વામિનારાયણ રિસર્ચ જર્નલ’નો પરિચય કરાવ્યો.મહર્ષિ પાણિની સંસ્કૃત એન્ડ વેદિક યુનિવર્સિટીના ઉપ-કુલપતિ વિજયકુમાર મેનને જણાવ્યું, “BAPS સંસ્થા દ્વારા પ્રમુખસ્વામી મહારાજ જે મૂલ્યોને જીવ્યા અને પ્રતિષ્ઠિત કર્યા તેનું સંવર્ધન થઈ રહ્યું છે.”

હરિકૃષ્ણ સતપથીએ જણાવ્યું, “ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખસ્વામી મહારાજ જેવી વિભૂતિઓ સમગ્ર વિશ્વ માટે અવતરે છે. તે કોઈ એક પરંપરા સુધી સીમિત નથી. આઠમી અજાયબી સમા પ્રમુખસ્વામી મહારાજ નગરણે જોઈને નવી પેઢી માટેની સઘળી ચિંતાઓ નાશ પામી જાય તેવું આ સ્થાન છે. ભદ્રેશદાસ સ્વામીના ભાષ્ય અને ૧૧૦૦ મંદિરોને ભગવાન સ્વામિનારાયણ પરમ સચ્ચિદાનંદ બ્રહ્મ છે તેની પ્રતીતિ આવે છે.”

- text