ચૂંટણીમાં ભાજપને અંદરખાને પાડી દેવા મહેનત કરનારા બાગીઓનું લિસ્ટ કમલમમાં

- text


મોરબી જિલ્લામાંથી કાર્યકારી અધ્યક્ષે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર તેમજ નિષ્ક્રિય રહેનારાઓની યાદી મોકલી

મોરબી : વિધાનસભા ચૂંટણી સમયે મોરબી જિલ્લાની ત્રણ બેઠકો ઉપરાંત મોરબી જિલ્લાને લાગુ હળવદ – ધ્રાંગધ્રા બેઠક ઉપર ભાજપને ભાજપના જ કેટલાક નારાજ લોકો નડતર રૂપ બન્યા હોવાનું જગજાહેર છે ત્યારે હવે ચૂંટણીકાર્યમાંથી હળવા બની સંગઠન દ્વારા ભાજપને અંદરખાને પાડી દેવા મહેનત કરનારા બાગીઓ ઉપરાંત ચૂંટણી સમયે નિષ્ક્રિય રહેનારા લોકોનું લિસ્ટ કમલમ પહોંચતું કરાયું હોવાનું મોરબી જિલ્લા ભાજપના કાર્યકારી અધ્યક્ષ રણછોડભાઈ દલવાડીએ જણાવ્યું હતું.

વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મોરબી સહીત સમગ્ર રાજ્યમાં અભૂતપૂર્વ જીત મળી છે, જો કે શિસ્તબદ્ધ ગણાતા ભાજપ પક્ષમાં ચૂંટણી સમયે કેટલાક નારાજ કાર્યકરો અને અગ્રણીઓ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી પક્ષની પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડવા પ્રયાસ કરતા આ બાબતની પ્રદેશ તેમજ રાષ્ટ્રીય નેતાગીરીએ ગંભીર નોંધ લીધી હતી અને ચૂંટણી સમયે જ કેટલાક સામે પગલાં લેવામાં આવ્યા હતા. જો કે મોરબી જિલ્લાની ત્રણ અને હળવદ ધ્રાંગધ્રા બેઠકમાં પણ આવી જ બાગી પ્રવૃત્તિ થઇ હોવાનો સ્વીકાર કરી જિલ્લા ભાજપના કાર્યકારી અધ્યક્ષ રણછોડભાઈ દલવાડીએ આ મામલે પ્રદેશને રિપોર્ટ કર્યો હોવાનું જણાવ્યું હતું.

- text

વધુમાં રણછોડભાઈ દલવાડીએ ઉમેર્યું હતું કે, પાર્ટીના કાર્યકરોની મહેનતને પરિણામે જ જિલ્લાની મોરબી-માળીયા, પડધરી -ટંકારા, વાંકનેર -કુવાડવા અને હળવદ – ધ્રાંગધ્રા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીને અભૂતપૂર્વ લીડ સાથે જીત મળી છે ત્યારે શિસ્તને વરેલા ભાજપ સંગઠનમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ જરા પણ નહીં ચલાવી લેવામાં આવે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે ચૂંટણી સમયે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર તેમજ નિષ્ક્રિય બની જનારા કાર્યકર, આગેવાનોની યાદી તૈયાર કરી પ્રદેશને મોકલી આપવામાં આવી છે અને પ્રદેશકક્ષાએથી આ મામલે હવે નીતિ વિષયક નિર્ણય લેવામાં આવશે.

- text