ઝૂલતા પુલ દુર્ઘટના : મોરબી પાલિકા ગમે ત્યારે સુપરસીડ થશે !!

- text


નામદાર ગુજરાત હાઇકોર્ટના સરકારને વેધક સવાલો અને દિશાનિર્દેશને પગલે વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયે પાલિકા બોડી ગમે ત્યારે ઘરભેગી થાય તેવા અણસાર

મોરબી : 135 નિર્દોષ લોકોનો ભોગ લેનારી મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ઓરેવાના કર્તાહર્તા, સમાહર્તા જયસુખ પટેલનું કંઈ થાય કે ન થાય પરંતુ હાલતુર્ત નામદાર ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો રીટ પિટિશન બાદ સરકાર સામે ઉઠેલા વેધક સવાલો અને નગરપાલિકા બોડીને ડિઝોલ્વ એટલે કે સુપરસીડ કરવાના દિશાનિર્દેશોને પગલે વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયે ગમે ત્યારે મોરબી પાલિકાની ચૂંટાયેલી બોડી ઘરભેગી થઇ જશે તેવા અણસારો મળી રહ્યા છે અને ખુદ પાલિકાના ચૂંટાયેલા સભ્યો પણ આ મુદ્દે ચિંતિત બની ચર્ચાઓ કરી રહ્યા છે.

મોરબીમાં 30 ઓક્ટોબરની ગોઝારી સાંજે 135 નિર્દોષ લોકોનો ભોગ લેનારી ઝૂલતા પુલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં માત્ર નવ લોકોની ઘરપકડ કરી પાલિકાના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરી સરકારે સંતોષ માની લીધો હોય તેવી સ્થિતિ વચ્ચે જાણે કઈ જ બન્યું ન હોય તેમ રાજનેતાઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત બન્યા છે અને સીટ એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ પણ અત્યાર સુધીમાં ક્યાં-ક્યાં પગલાં ભરવામાં આવ્યા તે અંગે કોઈ જ વિગતો સરકાર તરફથી જાહેર કરવામાં આવી નથી. આશ્ચર્ય તો એ વાતનું છે કે, મોરબી પાલિકામાં સામાન્ય સભામાં ઠરાવ કર્યા વગર જ ઘરની ધોરાજી ચલાવી વર્ષોથી અજંતા ઓરેવાને ઝૂલતો પુલ ભેટ ધરી દેવામાં આવ્યો છે ત્યારે મોરબીનુ નાનું બાળકથી લઈ વૃદ્ધ સુધીના લોકો જેમને ઓળખે છે તેવા અજંતા ઓરેવાના માલિક જયસુખ પટેલ સુધી પહોંચવાનું તો ઠીક કાનૂની કાર્યવાહીમાં પણ ક્યાંય જયસુખ પટેલનું નામ પણ સરકાર દ્વારા લેવામાં આવ્યું નથી.

- text

બીજી તરફ નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા ઝૂલતા પુલ દુર્ઘટના મામલે દાખલ કરાયેલ સુઓમોટો રીટ પિટિશનમાં આકરી ફટકાર બાદ ચૂંટણી ફરજમાં હોવાના બહાના કાઢનાર ઇન્ચાર્જ ચીફ ઓફિસરે કાઉન્ટર સોગંદનામું રજૂ કરી નગરપાલિકાની જાણ બહાર અને ટેક્નિકલ ઇન્સ્પેક્શન વગર પુલ શરૂ કરવા બદલ દુર્ઘટનાનો દોષનો ટોપલો અજંતા ઓરેવા ઉપર ઢોળ્યો છે ત્યારે ગત સુનાવણીમાં પણ નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા બેદરકાર નગરપાલિકા તંત્રને શા માટે સુપરસીડ નથી કરી તેવા સવાલો સરકાર સમક્ષ ઉઠાવ્યા હોય વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયે ગમે ત્યારે મોરબી પાલિકાને સુપરસીડ કરવામાં આવે તેવા અણસારો મળી રહ્યા છે.

નોંધનીય છે કે, ગત ચૂંટણીમાં મોરબીના પ્રજાજનોએ ખોબલે ને ખોબલે મત આપી નગરપાલિકાની તમામ બેઠકો ભાજપને ભેટ ધરી હતી ત્યારે ઝૂલતા પુલ દુર્ઘટના બાદ રૂટિન તપાસને બદલે સમગ્ર મામલો હાઇકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટ સુધી પહોંચતા હાલમાં નામદાર ગુજરાત હાઈકૉર્ટનું કડક વલણ અને નગરપાલિકાને સુપરસીડ કરવા અંગેના દિશા નિર્દેશો જોતા મોરબી પાલિકાના ચૂંટાયેલા સભ્યો પણ ચૂંટણી પરિણામો બાદ ગમે ત્યારે ઘેર બેસવાનો વારો આવે તેમ હોવાનું ચર્ચી રહ્યા છે.

- text