પહેલાની ચૂંટણી બહુ ઓછા ખર્ચા અને હવે લખખૂટ ખર્ચા થાય છે : મોરબીના વડીલોનું ઓબ્ઝર્વેશન

- text


વડીલો કહે છે પહેલાની ચૂંટણીમાં ઉમેદવારની નિષ્ઠા અને પ્રતિષ્ઠાને જોરે લડાતી, હવે નીતિમત્તા નહિ પૈસા અને લોભ-લાલચથી ચૂંટણી લડાઈ એ લોકશાહીની તંદુરસ્તા સામે ખતરો હોવાનું જણાવ્યું

મોરબી : મોરબી જિલ્લાની ત્રણ બેઠકોની આગામી 1 લી ડિસેમ્બરે યોજાનાર ચૂંટણી મામલે જૈફ વયના વડીલોએ પોતાના સમયની ચૂંટણી અને અત્યારની ચૂંટણીમાં જમીન આસમાનનો ફરક હોવાનું જણાવી આઝાદી પછીની ચૂંટણીઓ નિષ્ઠા અને પ્રતિષ્ઠાના આધારે લડાતી અને ખર્ચા બહુ મર્યાદિત હોય અને હવે તો ચૂંટણીમાં લખલૂટ ખર્ચા થાય અને પૈસા તેમજ લોભ લાલચથી ચૂંટણી લડાતી હોય તે બાબત લોકશાહીની તંદુરસ્તી સામે ખતરા સમાન ગણાવી હતી.

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ લીલા લહેર નમના વડીલોના ખાસ બેઠક સ્થાનમાં નિયમિત સત્સંગ, ભજન, કીર્તન ગપસપ તેમજ વાંચન કરીને જીવનની ઢળતી સંધ્યા પસાર કરતા મોટી ઉંમરના વડીલોએ અત્યારની ચૂંટણીને લોકોશાહીના અસ્તિવ માટે જોખમી ગણાવી હતી અને તેમના સમયની એટલે આઝાદી પછીની ચૂંટણીઓ માત્ર નીતિમત્તાના આધારે લડાતી હોય હવે બે દાયકાથી પરિવર્તન આવ્યું હોય એમાં ઘણા દુષણ ઘર કરી ગયા છે. આ અંગે વડીલ અમરશીભાઈ કાસુન્દ્રાએ જણાવ્યું હતું કે પહેલાના જમાનામાં ચૂંટણીઓમાં પ્રચાર માધ્યમો બહુ જ ઓછા હતા. માત્ર ઘોડાગાડી કે એકાદ બે નેતાઓ, ઉમેદવાર એક ગાડી લઈને આવીને ગામે ગામે પ્રચાર કરતા પણ હવે આધુનિક ટેકનોલોજીના સમયમાં સોશ્યલ મીડિયાનો પ્રચારમાં ખૂબ જ ઉપયોગ થાય છે. સભાઓ અને ડોર ટું ડોર પ્રચારમાં પણ ખાસ્સું પરિવર્તન આવ્યું છે. એટલે પ્રચાર અને ચૂંટણીઓમાં પહેલા કરતા ધરખમ ફેરફાર થયો છે.

નારણભાઈ જેઠાભાઈ ભાડજા નામના વડીલે જણાવ્યું હતું કે, અગાઉની ચૂંટણીમાં બહુ જ ઓછા ખર્ચા થતા, ચૂંટણીમાં ખર્ચા બહુ મર્યાદિત હતા અને એનો દરેક હિસાબ ઉમેદવાર ચૂંટણી પંચ સમક્ષ રજુ કરતા પણ હવે છેલ્લા બે દાયકાથી ચૂંટણીમાં લખલૂટ ખર્ચા થાય છે, મતદારોના રીઝવવા પૈસાની ઝોળી ખુલ્લી મૂકીને પૈસાના જોરે જ ચૂંટણી લડાઈ છે. અત્યારે નીતિમત્તા જેવું કશું રહ્યું નથી. હવેની ચૂંટણીમાં ઠેર-ઠેર ચૂંટણી કાર્યાલય ખોલી નાખ્યા છે. જેમાં તાવા પાર્ટી, ભજીયા પાર્ટી અને નાસ્તા તેમજ બધી જમવા સહિતની સુવિધાઓ આપવામાં આવે છે. પહેલાની ચૂંટણીમાં આવું કશું જ ન હતું. એક બે મુખ્ય કાર્યાલય જ ખુલતા અને તેમાં કોઈ આવી સુવિધાઓ ન હતી.

- text

જ્યારે હરજીવનભાઈ ભગવાનજીભાઈ વરસડાએ જણાવ્યું હતું કે, પહેલાની ચૂંટણીમાં ઉમેદવારનું પદ મોભો અને ખાસ કરીને નિષ્ઠા – પ્રતિષ્ઠાના આધારે જ ચૂંટણી લડાતી પણ હવે ઉમેદવારની પ્રતિષ્ઠા કે પક્ષ લોકો પણ જોતા નથી. ઉમેદવારનું પૈસાનું જોર અને એની શક્તિના માપદંડથી જ ઉમેદવારની પસંદગી થાય છે. અગાઉની ચૂંટણીમાં જે નેતાઓ બોલતા કે વચન આપતા તે ચૂંટણી પછી પાળીને બતાવતા હતા. હવેની ચૂંટણીમાં એકબીજા ઉપર કાદવ કીચડ ઉછાળીને હરીફ ઉમેદવારને નિચો દેખાડવા હલકી કક્ષાની મેલી રમત રમાઈ છે. અત્યારની ચૂંટણીમાં પ્રતિષ્ઠા સાવ કોરણે મુકાઈ ગઈ છે અને હવેની ચૂંટણી શામ, દામ, દંડ અને ભેદની નીતિના આધારે જ ચૂંટણી લડાઈ છે તે લોકોશાહી માટે ખતરારૂપ છે.

જ્યારે વિરજીભાઈ નામના વડીલે જણાવ્યું હતું કે ઉમેદવારની સાથે લોકોમાં પણ પરિવર્તન આવ્યું છે. અત્યારની ચૂંટણીઓને લોભ,લાલચ અને પ્રલોભનનું ગ્રહણ લાગી ગયું છે. લોકો ઉમેદવાર તેમના વિસ્તારમાં વિકાસ કરશે કે નહીં એ જોતાં જ નથી અને લાલચમાં આવી જઈને ગાડરિયા પ્રવાહની જેમ જ મતદાન કરે છે. ચૂંટણીમાં જે વચનો અપાઈ છે તે ક્યારેય પુરા થવાના નથી એ લોકો જાણતા હોવાથી છતાં લાલચ અને મોહ કે પછી આંધળા થઈને ખોટા ઉમેદવારને પદ સોપી દે છે. પરિણામે વિકાસ થતો જ નથી. જો કે ઘણા જાગૃત મતદારો હોય છે તે નિષ્ઠાના આધારે જ મતદાન કરે છે પણ મોટા ગાડરિયા પ્રવાહને કારણે તેમનું કશું જ ચાલતું નથી. ખોટા ઉમેદવાર આવી જાય એટલે જીવ બળે છે. ખરેખર જ્ઞાતિ, પૈસા, શક્તિને બદલે ઉમેદવાર લોકોના હિતમાં કેમ કામ કરશે તેને આધારે જ લોકો જાગૃત થઈને મતદાન કરશે ત્યારે જ લોકશાહીની સાચી પવીત્રતા જળવાઈ રહેશે.

- text