મોરબી- માળિયા બેઠક માટે કોંગ્રેસે જયંતિ પટેલને આપી ટીકીટ

- text


 

વર્ષો જુના પીઢ નેતાને ફરી આ વિધાનસભા બેઠકની ચૂંટણીમાં કરાયા રિપીટ

મોરબી : કોંગ્રેસે આજે સાંજે ફરી 6 બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં મોરબી- માળિયા બેઠક માટે કોંગ્રેસે જયંતિ પટેલને ટીકીટ આપવાનું જાહેર કર્યું છે. જેથી હવે ભાજપના કાંતિલાલ અમૃતિયા સામે જયંતિભાઈની સીધી ટક્કર આ ચૂંટણીમાં જોવા મળશે.

જયંતીલાલ જેરાજભાઈ પટેલ મૂળ મોરબીના બરવાળાના છે. તેઓની ઉંમર 66 વર્ષ છે. તેઓએ બી.કોમ, એમ.કોમ અને એલએલબીનો અભ્યાસ કર્યો છે. તેઓ ખેતી અને ધંધા સાથે જોડાયેલ છે. કારકિર્દીના શરૂઆતના દિવસોમાં તેઓ મોરબી કોમર્સ કોલેજમાં વિદ્યાર્થી સંઘના જીએસ તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ તેઓ મોરબી તાલુકા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા.

બાદમાં 1987 અને 1988 મોરબી તાલુકા પંચાયતની કારોબારી મંડળના અધ્યક્ષ તરીકે બે વર્ષ સુધી સેવા આપી હતી. 1986માં મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ માટે કોંગ્રેસ પક્ષની ટીકીટ પણ મેળવી હતી. બાદમાં મોરબી ટાઉન કોંગ્રેસના મહામંત્રી તરીકે પાંચ વર્ષ સુધી સેવા આપી. મોરબી-માળિયામાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે 1990, 1995, 2002 અને 2020માં વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. આ ઉપરાંત તેઓએ રાજકોટ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી તરીકે સેવા આપી છે. 2020માં તેઓ પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર બન્યા હતા. ત્યારે બરાબરની લડત આપી રાજ્યમાં સૌથી ઓછા મતે તેઓની હાર થઈ હતી. મે-2021 થી તેઓ મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે હાલમાં મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ તરીકે પણ સેવા આપી રહ્યા છે.

- text

આ ઉપરાંત તેઓ હાલ પટેલ સોશિયલ ગ્રૂપના ઉપપ્રમુખ, પટેલ વિદ્યાર્થી ભુવન- પટેલ બોર્ડિંગમાં ઉપપ્રમુખ અને ટ્રસ્ટી, બરવાળા હાઈસ્કૂલમાં પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ, શ્રીમતી. જે.એ. પટેલ મહિલા કોલેજ, આર.ઓ. પટેલ મહિલા કોલેજ, સરદાર વલ્લભભાઈ પટેલ ગર્લ્સ હાઈસ્કૂલ અને ડી.જે. પટેલ ગર્લ્સ હાઈસ્કૂલ મોરબી (આ સંસ્થાઓમાં 6000 વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ રહ્યા છે) ત્યાં પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે અને હાલ ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. ઉપરાંત તેઓ મોરબી રૂફિંગ ટાઈલ્સ મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પ્રમુખ તરીકે સેવા આપી છે. ઉમિયા માતાજી મંદિર – સિદસર ખાતે કારોબારી સમિતિના સભ્ય તરીકે સેવા આપી છે.

- text