રાજકીય સફર : મોરબી બેઠક પર કાંતિલાલ સાતમી વાર ચૂંટણી લડશે

- text


આ બેઠક પર સૌથી વધુ સતત પાંચ વખત જીતવાનો કાંતિલાલનો રેકોર્ડ

1999માં પ્રકાશ રવેશિયા મર્ડર કેસમાં સંડોવણી બાદ 2007માં નિર્દોષ છૂટી બહુમતીથી જીત્યા

મોરબી : મોરબી બેઠક પર ભારે રસાકસી અને સસ્પેન્સ બાદ છેલ્લી ઘડીએ રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાનું પતું કાપી કાંતિલાલ અમૃતિયાને મેદાનમાં ઉતાર્યા. આ આ બાહુબલી નેતાની 24 વર્ષની રાજકીય સફર ભારે ઉતાર ચઢાવ વાળી રહી છે. સૌથી વધુ મોરબી બેઠકના ઇતિહાસમાં તેઓએ પાંચ વખત જીતવાનો રેકોર્ડ ધરાવે છે. બીજીતરફ કાંતિલાલની વર્ષ 1999 પ્રકાશ રવેશિયા મર્ડર કેસમાં સંડોવણી અને જેલવાસ થયા બાદ વર્ષ 2007ની ચૂંટણીમાં તેઓ નિર્દોષ છૂટ્યા અને બહુમતીથી જીત્યા હતા. તેમજ 1995 થી પાંચ ટર્મ બાદની છઠી વિજય કૂચને 2017માં પાટીદાર આંદોલને અટકાવી હતી. આ વખતે તેઓ મોરબી બેઠક પર ભાજપ વતી સાતમી વાર ચૂંટણી લડશે.

લોકનેતા અને બેબાક નેતાની છાપ ધરાવતા કાંતિલાલ અમૃતિયાની ધારાસભ્ય તરીકેની રાજકીય સફર વર્ષ 1995માં શરૂ થઈ હતી. આ પહેલા તેઓ 12 વર્ષની ઉંમરે તેમના વતન જેતપરમાં સંઘની શાખા શરૂ કરેલી અને વર્ષ 1979 પુર હોનરાત વખતે આરએસએસના સેવક તરીકે હાલના વડાપ્રધાન મોદી સાથે પણ રાહત અને બચાવ કાર્ય કરેલું અને 20 વર્ષની વયે તેઓ વર્ષ 1983માં મોરબી તાલુકા યુવા ભાજપ મોરચાના પ્રમુખ બન્યા બાદ 1985માં મોરબી તાલૂકા પંચાયતના સભ્ય બન્યા હતા.

આઝાદી બાદ આ બેઠક કોંગ્રેસ અને અન્ય પક્ષો પાસે હોય વર્ષ 1985માં પ્રથમ વખતે મોરબી બેઠકને ભાજપે કબ્જે કરી હતી ત્યારે તેમના મામા અમૃતભાઈ આધારા ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાય આવ્યા હતા. પછી 1995ની ચૂંટણીમાં કાંતિલાલ ઉપર ભાજપે પસંદગી ઉતારી હતી. 1995ની ચૂંટણીમાં વિજેતા થયા બાદ સતત પાંચ ટર્મ સુધી મોરબી બેઠક ઉપર વર્ષ 2017 સુધી કાંતિલાલ વિજય થયા.

- text

કાંતિલાલે વર્ષ 1995, 1998, 2002, 2007, 2012ની ચૂંટણીમાં પાંચ વખત જીતીને રેકોર્ડ સર્જી દીધો હતો. જો કે વચ્ચે 1999ની સલમા તેમની રાજકીય કારકિર્દીને ગ્રહણ લાગ્યું હતું. તે સમયે ભાજપના મોરબી નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ પ્રકાશ રવેશિયાનું મર્ડર થતા તેમાં આ ધારાસભ્યની સંડોવણી ખુલી હતી અને તેમની ધરપકડ બાદ નીચલી કોર્ટમાં દોષિત થતા તેમને અમદાવાદ સાબરમતી જેલમાં કારાવાસ પણ ભોગવવો પડ્યો હતો ત્યારે તેમની રાજકીય નાવ ડૂબતી હોવાનું સામે આવ્યું હતું. પણ 2007ની ચૂંટણી પહેલા હાઇકોર્ટે આ કેસમાં તેમને નિર્દોષ જાહેર કર્યા હતા. એટલે ચૂંટણીમાં તેમનો એવો જાદુ ચાલ્યો કે સૌથી વધુ જંગી લીડથી તેઓ 2007ની ચૂંટણીમાં વિજતા થયા હતા. પણ વર્ષ 2017માં પાટીદાર આંદોલન વખતે પોતાના સમાજનો રોષનો ભોગ બનવું પડ્યું હતું. પાટીદાર આંદોલન દરમિયાન તેમની ઓફિસમાં તોડફોડ થઈ હતી. પાટીદાર સમાજની ભારે નારાજગીને કારણે વર્ષ 2017માં તેમની વિજયકુચ અટકી ગઈ હતી.ભાજપ મોરબીનો ગઢ હોય છતાં પાટીદાર આંદોલન દરમિયાન 2017ની ચૂંટણીમાં તેઓ 3400 મતે હાર્યા અને ભાજપને 1995 પછી પ્રથમ વખત મોરબી બેઠક ગુમાવવી પડી, પછી કોંગ્રેસના ધારાસભ્ય મેરજા ભાજપમાં જોડતા વર્ષ 2020માં આવી પડેલી પેટા ચૂંટણીમાં તેમનું પતું કપાઈ ગયું હતું અને ત્યાર બાદ સમીકરણો બદલાતા મેરજા ભાજપનો ચહેરો બનીને ધારાસભ્યની સાથે મંત્રી પણ બન્યા હતા. પણ અત્યારે છેલ્લી ઘડીએ કાંતિલાલના સેવાકાર્ય અને મોરબીમાં તેમના તરફી મોજું જોઈને ભાજપે ફરીવાર ટીકીટ આપી છે. એક તબબકે ગત ચૂંટણીમાં તેમનું પતું કપાતા રાજકીય કારકિર્દી ખતમ થઈ જશે એવું લાગતું હતું. પણ 60 વર્ષીય કાંતિલાલના મોટા સમર્થક સમુદાયની માંગને લઈને જો મરેજાને ટિકીટ આપશે તો મોરબી સીટ ગુમાવવી પડશે એવા ડરે ભાજપના હાઇકમાન્ડે છેલ્લી ઘડીએ મેરજાનું પતું કાપી નાખતા હવે ફરી કાંતિલાલની રાજકીય કારકિર્દીની ગાડી પાટે ચડી છે.

કાંતિલાલ અમૃતિયાને મળેલા મત
વર્ષ મત સરસાઈ

1995 – 50757 – 9011 જીત
1998- 47361 – 21875 જીત
2002- 53443 – 1590 જીત
2007- 75313 – 22521 જીત
2012 – 77386 – 2760 જીત
2017 – 85977 – (-3419) હાર

- text