મૂળ હળવદની ડોકટર યુવતી અમિતાભ બચ્ચન સાથે આજે શુક્રવારે KBC રમશે

- text


આજે રાત્રે એપિસોડ પ્રસારિત થશે

સદીના મહાનાયક સાથે મળીને કેબીસીમાં રમવું એ મારા જીવનની સૌથી મોટી ગૌરવની ક્ષણ છે : ડો. દ્રષ્ટિ

મોરબી : મૂળ મોરબી જિલ્લાના હળવદ તાલુકાની વતની અને હાલ જામનગરમાં રહેતી ડોકટર યુવતી સોની ટીવી પરના લોકપ્રિય શો કોન બનેગા કરોડપતિના શોની હોટ સીટ પર પહોંચી હતી. આ યુવતી સદીના મહાનયક અમિતાભ બચ્ચન સાથે હોટ સીટ ઉપર બેસીને કોન બનેગા કરોડપતિમાં રમીને રકમ પણ જીતી હતી અને આ રકમ તેણીએ તેના માતાપિતાને અર્પણ કરવાનું જણાવી સદીના મહાનાયક સાથે મળીને કેબીસીમાં રમવું એ મારા જીવનની સૌથી મોટી ગૌરવની ક્ષણ હોવાનું ઉમેર્યું હતું.

મૂળ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામની વતની અને હાલ જામનગરમાં ડેન્ટિસ તરીકે વ્યવસાય કરતી ડો. દ્રષ્ટિ ભરતભાઈ દલસાણીયાએ કેબીસીમાં પહોંચવું અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે કેબીસી ખેલવાના પોતાના અનુભવ શેર કરતા જણાવે છે કે, વર્ષોથી તે કેબીસીમાં પહોંચવા માટે ભારે મથામણના અંતે થોડા સમય પહેલા કેબીસીની હોટ ઉપર બેસીને અમિતાભ સાથે રમવાનું સ્વપ્ન સાકાર થયું હતું. સદીના મહાનાયક બિગ બી સાથે મળવું એ ખુદ મારા માટે એક સ્વપ્નથી કમ ન હતું. પણ વર્ષોના રજિસ્ટ્રેશન બાદ હું હમણાં કેબીસીમાં સિલેક્ટ થઈ અને કોન બનેગા કરોડપતિના શોમાં હોટ સીટ પર પહોંચી ગઈ ત્યાં સુધીની વાત મને સ્વપ્ન જ લાગતી હતી. પણ આ હકીકત હતી અને બિગ બી સાથે રૂબરૂ મળવું એ મારા જીવનની સૌથી મોટી ગૌરવની ક્ષણ હતી. ફાસ્ટ ફિગર રાઉન્ડ જીતીનું હું બિગ બી સાથે હોટ સીટ પર પહોંચતા જ એ મારી ખુશીની કોઈ સીમા રહી નથી.

- text

વધુમાં ડો. દ્રષ્ટિ ઉમેરે છે કે, હું હોટ સીટ ઉપર પહોંચી અને અમિતાભ સાથે મળીને હું એટલી ભાવુક થઈ ગઈ હતી કે, કોઈ સ્વપ્ન લોકમાં વિહરતી હોવ એવો અહેસાસ થયો હતો. પછી સ્વસ્થ થઈને હું અમિતાભ બચ્ચન સાથે હોટ સીટ પર આ ગેમ રમી હતી અને રકમ પણ જીતી હતી. આ એપિસોડનું તા.1ના રોજ શુટીંગ થઈ ગયું છે. એનો આજે રાત્રે કેબીસીમાં એપિસોડ પ્રસારિત થશે. જેમાં હું કેટલી રકમ જીતી અને અને મારી અને બિગ બી સાથેની વાતચીત જોવા મળશે. અમિતાભ બચ્ચને કયાના વતની અને ડોકટર બનવાના સ્વપ્ન અને મહિલાઓને આગળ વધવાના પ્રયાસો તેમજ દેશમાં મહિલાઓનું યોગદાન વગેરે વિશે પૃચ્છા કરી હતી. બિગ બી સાથે રૂબરૂ મળીને તેમની સાથે વાતચીત કરવાનો લ્હાવો મળ્યો એનાથી હું ખૂબ જ ગૌરવ અનુભવું છે. અમિતાભ પણ મારા બેસ્ટ એક્ટર રહ્યા છે ત્યારે તેમની સાથે મળવું અને વાતચીત કરવી એ સુખદ અનુભવ જિંદગીભર અવિસ્મરણીય રહેશે. કેબીસીમાં જે રકમ હું જીતી છું. એ મારા માતા પિતાને અર્પણ કરવાની વાત પણ રજૂ કરી હતી. આ ઉપરાંત સમગ્ર દલસાણીયા પરિવાર ગૌરવની લાગણી પ્રગટ કરી સમગ્ર મોરબી જિલ્લાના લોકોને આજે રાત્રે કેબીસીનો આ એપિસોડ જોવાનું ચૂકશો નહિ તેમ પણ દ્રષ્ટિએ જણાવ્યું હતું.

- text