રાજકીય ચર્ચા : મોરબીમાં કાંતિલાલ, વાંકાનેરમાં જીતુલાલ ફાઇનલ થતા મોહનલાલનું વર્ચસ્વ ઘટયું !!

મોરબી જિલ્લાની બેઠકો પર કાંતિલાલ જૂથનું પલડું ભારે રહ્યાની ચર્ચા

મોરબી : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે ભાજપે સત્તાવાર પોતાના ઉમેદવારની યાદી જાહેર કરી છે. આ યાદી મુજબ મોરબી જિલ્લાની મહત્વની ગણાતી મોરબી બેઠક પર પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, વાંકાનેર બેઠક પર બેબાક નેતા ગણાતા જીતુ સોમાણી અને ટંકારા બેઠક પર મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજી દેથરીયાના નામોની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત મોરબીને અડીને આવેલીહળવદ બેઠક પર પણ મોરબીના સિરામીક ઉદ્યોગપતિ પ્રકાશ વરમોરાને ભાજપે ટિકિટ આપી છે. જ્યારે મોરબી જિલ્લામાં ભાજપના બે જૂથ મોહનભાઈ અને કાંતિભાઈના જૂથ સક્રિય હોવાનું મનાય છે. ત્યારે મોરબીની બેઠકો પર ઉમેદવારોના નામોની જાહેરાતની સાથે એક ચર્ચાએ ભારે જોર પકડ્યું છે કે મોરબીમાં કાંતિલાલ અને વાંકાનેરમાં જીતુલાલ ફાઇનલ થતા મોહનલાલનું વર્ચસ્વ ઘટયું છે !!

મોરબી જિલ્લામાં ભાજપના સર્વેસર્વા ગણાતા સાંસદ મોહન કુંડારિયા અને કાંતિલાલ અમૃતિયાના બે જૂથ વચ્ચે અંદરખાને ભારે કોલ્ડ વોર ચાલી રહી છે તે બાબત જગ જાહેર છે. આ ઉપરાંત મોહન કુંડારિયા અને વાંકાનેરના ભાજપના આગેવાન જીતુ સોમાણી વચ્ચે પણ ખુલ્લો ગજગ્રાહ અનેક વાર જાહેર સપાટી પર આવી ગયો છે. જીતુ સોમાણીએ તો અનેક વાર ખુલ્લીને મોહનભાઈ પર તેમની રાજકીય કારકિર્દી ખતમ કરવાના કાવતરાના આરોપો પણ કર્યા છે. આ વચ્ચે એવું મનાતું હતું કે મોરબી જિલ્લામાં જેના મરજી વગર ભાજપ સંગઠનમાં કોઈ નિર્ણયો ન લેવાય તેવા મોહનભાઈના વર્ચસ્વના કારણે ટિકિટ ફાળવણીમાં ખાસ કરીને મોરબી અને વાંકાનેર બેઠક પર તેમના જૂથના ઉમેદવારોને જ ટિકિટ મળે તેવી ચર્ચાઓ થતી હતી. અને ચૂંટણી જાહેર થયા અગાઉ ભાજપના મુખ્ય કાર્યક્રમો કે રાષ્ટ્રીય નેતાના આગમન સમયે કાંતિલાલ અને જીતુભાઈને સ્ટેજથી દુર રાખવામાં આવતા હતા. આ વાત પણ જગ જાહેર છે. પરંતુ ભાજપના રાષ્ટ્રીય સંગઠને મોરબી બેઠક પર મોહનભાઈ જૂથના ગણાતા રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાની જગ્યાએ કાંતિલાલ અમૃતિયાને અને વાંકાનેર બેઠક પર કેશરીદેવસિંહની જગ્યાએ મોહનભાઈના વિરોધી ગણાતા જીતુ સોમાણીને ભાજપના ઉમેદવાર જાહેર કરાતા મોરબી જિલ્લાના ભાજપના કાર્યકરોમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે શું મોહનભાઈનું વર્ચસ્વ હવે ઘટી ગયું છે !!

ભાજપના આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ જ્યારે ભાજપના પાર્લામેન્ટ્રી બોર્ડ સમક્ષ દાવેદારોની યાદી સ્થાનિક સંગઠને રજૂ કરી ત્યારે વાંકાનેર બેઠકમાં જીતુ સોમાણીનું નામ જ યાદીમાં ન રાખવા બાબતે તેમજ ઝૂલતા પુલ દુર્ઘટના બાદ મોદીની મોરબી મુલાકાત પેહલા હોસ્પિટલના રંગરોગાન બાબતની ઘટનાની ગંભીર નોંધ લઈ ભાજપના રાષ્ટ્રીય મોવડી આગેવાનોએ મોરબીના સ્થાનિક ભાજપના નેતાઓની ભારે ઝાટકણી કાઢી હતી. તેવામાં મોરબી જિલ્લામાં ભાજપનાં બે જૂથ વચ્ચે ચાલતી વર્ચસ્વની લડાઈ વચ્ચે મોરબી અને વાંકાનેર બેઠક પર ભાજપના રાષ્ટ્રીય નેતાઓ મોરબી જિલ્લાની બેઠકો પર જાહેર કરેલા ઉમેદવારોના નામથી એક સ્પષ્ટ સંદેશ પણ આપવામાં આવ્યો છે કે ભાજપમાં આંતરિક વિરોધ અને જૂથવાદ નહિ. પણ સતત કાર્યશીલ અને લોકોની વચ્ચે રેહતા ભાજપના આગેવાનોની નોંધ રાખી તેમને મહત્વ આપવામાં આવે છે.