પુલ દુર્ઘટનાને પગલે ફટાકડા નહીં ફોડવા વાંકાનેર ભાજપના ઉમેદવાર જીતુ સોમાણીનો અનુરોધ

- text


જિલ્લા સંગઠનના વિરોધ વચ્ચે વાંકાનેર બેઠક ઉપર જીતુભાઇ સોમાણી ભાજપના સતાવાર ઉમેદવાર જાહેર

વાંકાનેર : કોંગ્રેસનો ગઢ ગણાતી 67 – વાંકાનેર બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ વર્ષ 2017ની ચૂંટણીમાં ફક્ત 1300 મતે હારેલા આખા બોલા નેતા જીતુભાઇ સોમાણીને જિલ્લા સંગઠનની નારાજગી વચ્ચે ફરી મેદાનમાં ઉતાર્યા છે. આજે સત્તાવાર રીતે ટિકિટ મળતા જીતુભાઈએ તમામ કાર્યકર્તાઓને ફટાકડા નહીં ફોડવા અનુરોધ કરી કામે લાગી જવા હાંકલ કરી હતી.

67 – વાંકાનેર બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર ઉમેદવાર જાહેર થયા બાદ જીતુભાઇ સોમાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા તેઓની પસંદગી કરાતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ સહિતનાઓનો આભાર વ્યક્ત કરી કાર્યકરોને એક બની કામે લાગી જવા આહવાન કરવાની સાથે મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાને પગલે ફટાકડા નહીં ફોડવા અનુરોધ કર્યો હતો.

નોંધનીય છે કે, કોંગ્રેસનો ગઢ ગણાતી 67 -વાંકાનેર -કુવાડવા બેઠક ઉપર અગાઉ જીતુભાઇ સોમાણીના ધર્મપત્ની જ્યોત્સનાબેન જીતી ચુક્યા છે અને ગત ચૂંટણીમાં જીતુભાઇ સોમાણી કોંગ્રેસના ઉમેદવાર મહમદ જાવિદ પીરઝાદા સામે ફક્ત 1300 જેટલા મતથી હાર્યા હોવા છતાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારે જહેમત ઉઠાવી ઇતિહાસમાં પ્રથમ વખત વાંકાનેર તાલુકા પંચાયત જીતવાની સાથે વાંકાનેર નગરપાલિકામાં પણ ઝળહળતો વિજય અપાવ્યો હતો.

- text

જો કે સામે પુરે ચાલવાની હિંમત ધરાવતા જીતુભાઇ સોમાણીના નેતૃત્વમાં જીતાયેલી વાંકાનેર નગરપાલિકાને સુપર સીડ કરવાની સાથે તાજેતરમાં જ ભાજપની ગૌરવયાત્રાએ વાંકાનેરમાં અચાનક રૂટ બદલતા ગૌરવયાત્રાને અટકાવી મોરબીના ભાજપના કદાવર નેતા મોહનભાઇ કુંડારીયાને આડેહાથ લીધા હતા ત્યારે પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા તમામ પાસાઓ ચકાસી ફરી એક વખત જીતુભાઇ સોમાણી ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવતા મોરબી ભાજપમાં કદાવર નેતાનું ટિકિટ ફાળવણીમાં વજન ઘટ્યાનું સ્પષ્ટ બન્યું છે.

- text