વિધાનસભા ચૂંટણી : રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે વિવિધ જાહેરનામા બહાર પડાયા

- text


મોરબી : આગામી 1લી ડિસેમ્બરે મોરબી જિલ્લાની બેઠકો માટે ધારાસભ્યની ચૂંટણી માટે મતદાન થવાનું છે. આજ તારીખ પાંચથી ફોર્મ ભરાવાની પ્રકિયા શરૂ થઈ ગઈ છે. ત્યારે મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીના અનુસંધાને રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે જરૂરી જાહેરનામાઓ બહાર પાડવામાં આવ્યા છે. જે નીચે મુજબ છે.


મકાન, દિવાલો કે જાહેરમાર્ગ ઉપર ચૂંટણી સંદર્ભે સુત્રો કે અન્‍ય ચિત્રો પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ

મોરબી : વિધાનસભા સામાન્‍ય ચુંટણી-૨૦૨૨ સંદર્ભે ભારતના ચૂંટણી આયોગ દ્વારા રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે બહાર પાડવામાં આવેલ આચાર સંહિતાના પાલન માટે મોરબી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.કે. મુછાર એ કોઈ પણ રાજકીય પક્ષો અથવા ઉમેદવાર પોતાના કાર્યકરને ધ્વજદંડ ઉભા કરવા, બેનરો લટકાવવા, નોટિસ ચોંટાડવા, સુત્રો કે ફાળવેલ નિશાનોના પ્રતિક વગેરે લખવા માટે મકાન માલિકની લેખિત પરવાનગી વિના જમીન, મકાન, કમ્પાઉન્ડ, દિવાલ વાહનો, રોડ વગેરેનો ઉપયોગ કરવા પર અને જાહેર મિલ્કત ઉપર આવું કૃત્ય કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જે તા. ૧૦/૧૨/૨૦૨૨ સુધી અમલમાં રહેશે, જેનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.


ચૂંટણી પ્રચાર માટે વાહનનો ઉપયોગ કરતા પહેલા વાહન રજીસ્ટર કરાવવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

મોરબી : ચૂંટણી પ્રચારના અભિયાનરૂપે રાજકીય પક્ષોના કાર્યકરો અને ચૂંટણી ઉમેદવાર તરફથી મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. તેમાં મોટા પ્રમાણમાં વાહનોનો ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે. ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટની સંમતિથી બીજા કોઈ વ્યક્તિ, કાર્યકર, ટેકેદાર દ્વારા પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તેવા સંજોગોમાં આવા વાહનોના ઉપયોગ પર દેખરેખ રાખવા અને ઉમેદવારના ચૂંટણી પ્રચાર માટે વપરાતા વાહનોના સંબંધમાં થતો ખર્ચ યોગ્ય રીતે જાહેર થાય તે અનુસંધાને મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એન.કે.મુછાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર કોઈપણ રાજકીય પક્ષ, વ્યક્તિ, સંસ્થા, ચૂંટણી ઉમેદવાર અથવા તો તેઓની સહમતીથી કોઈપણ વ્યક્તિ દ્વારા કોઈપણ ઉમેદવારને કે પક્ષના કામે ચૂંટણીના કામે વાહનોનો સંબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી પાસે રજીસ્ટર કરાવવાના રહેશે. રજીસ્ટર કરાવેલ વાહનની પરમીટ મેળવી વાહનોની વિન્ડ સ્ક્રીન ઉપર અથવા નાના વાહનમાં પણ સહેલાઈથી દેખાઈ આવે તે રીતે ચોંટાડવાની રહેશે. વપરાશમાં લેવાયેલ વાહનનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં ઉમેરવાનો રહેશે. ચૂંટણી અધિકારી પાસે પરમીટ મેળવ્યા સિવાય અને વાહન રજીસ્ટર કરાવ્યા સિવાય કોઈપણ વાહનોનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે કે ચૂંટણીના કામે કરી શકાશે નહી.


ઉમેદવારી ફોર્મ રજૂ કરતી સમયે ૫(પાંચ) કરતાં વધુ વ્યક્તિઓના કચેરી ખાતે પ્રવેશ પર પ્રતિબંધ

મોરબી : વિધાનસભાની સામાન્‍ય ચૂંટણી – ૨૦૨૨ અંતર્ગત મોરબી જિલ્લામાં મતદાન આગામી તા.૦૧-૧૨-૨૦૨૨ ના રોજ યોજાનાર છે. આ ચૂંટણી માટે ઉમેદવારોએ ઉમેદવારી પત્ર રજૂ કરવા સમયે તેમના ટેકેદારો અથવા દરખાસ્ત કરનાર અને અન્ય ચાર વ્યક્તિઓ સહિત કુલ પાંચ વ્યક્તિઓને જ વાહનો સાથે ચૂંટણી અધિકારી/ મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં પ્રવેશ મળી શકશે. પાંચ કરતા વધુ વ્યક્તિઓના પ્રવેશ કરવા પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.કે.મુછાર દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ ઉમેદવારી પત્ર રજૂ કરવા આવતા સમયે ચૂંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરી આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં વધુમાં વધુ ત્રણ વાહનો એક સાથે પ્રવેશી શકશે. તેમજ ઉમેદવારી પ્રમાણપત્ર લેવા આવે ત્યારે પણ આ સુચનોનો અમલ કરવાનો રહેશે. ઉપરાંત વાહનોનો ખર્ચ પણ ઉમેદવારના ખર્ચમાં ઉધારવાનો રહેશે. આ આદેશોનો અમલ. ૧૦ ડિસેમ્બર સુધી કરવાનો રહેશે. જે મોરબીના શહેર, તાલુકા અને જિલ્લાના સમગ્ર વિસ્તારમાં લાગુ થશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે. તેમ મોરબી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.કે.મુછાર દ્વારા જાહેર કરેલા હુકમમાં જણાવાયું છે.


મુદ્રક અને પ્રકાશકના નામ-સરનામા વિનાના ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીંતપત્રો છાપી કે પ્રસિધ્ધ કરી શકાશે નહીં

મોરબી : મોરબી જિલ્લાની વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ -૨૦૨૨ને ધ્યાને લઇ મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એન.કે.મુછારએ એક હુકમ દ્વારા કોઇ પણ વ્યકિત કે સંસ્થાને મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામા ન હોય તેવા ચૂંટણીને લગતા ચોપનીયા કે ભીંતપત્રો છાપી કે પ્રસિધ્ધ કરી શકશે નહી. અથવા તો છપાવી કે પ્રસિધ્ધ કરાવી શકશે નહીં તેમ જણાવ્યુ છે. આ હુકમમાં વધુમાં જણાવ્યા પ્રમાણે વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓના પ્રચાર માટે ચોપાનીયા, ભીંતપત્રો, હેન્ડ બીલ, વગેરેનું ઉમેદવારો કે રાજકીય પક્ષો તરફથી છાપકામ કરાવી પ્રસિધ્ધ કરવામાં આવે છે. અને લોકોમાં વહેંચવામાં આવે છે. આવા દસ્તાવેજોમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, કોમ કે ભાષાને આગળ ધરીને મતદારોને અપીલ કરવી અથવા વિરોધી ઉમેદવારના ચારિત્ર ખંડન જેવી કોઇ ગેરકાનુની વાંધાજનક બાબત કે લખાણનો સમાવેશ થતો હોય તો સબંધિત વ્યકિત સામે આવશ્યક શિક્ષાત્મક કે નિયંત્રક પગલા લઇ શકાય તે માટે ચૂંટણીને લગતા ચોપાનીયા-ભીંતપત્રો વગેરેના મુદ્રણ અને પ્રકાશન પરના નિયંત્રણની ચૂસ્ત અમલવારી કરવી જરૂરી છે. કોઇપણ વ્યકિત કે સંસ્થા ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીંતપત્રો છાપી શકશે નહી કે છપાવવાની વ્યવસ્થા કરી શકશે નહી સિવાય કે, તેની સહીવાળા અને તેને અંગત રીતે ઓળખતી હોય તેવી બે વ્યકિતઓએ શાખ કરેલ પ્રકાશકની ઓળખ અંગેના એકરારની બે નકલ તેણે મુદ્રકને આપી હોય અને લખાણ છપાયા પછી મુદ્રકે ત્રણ દિવસમાં લખાણની એક નકલ સાથે એકરારપત્રની એક નકલ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીની કચેરીને તથા સબંધિત ચૂંટણી અધિકારીશ્રીની કચેરીને મોકલી હોય. છાપેલા ચૂંટણી અંગેના કોઇ ચોપાનીયા કે ભીંતપત્રો કે આવી અન્ય સામગ્રી પર મુદ્રક પંક્તિમાં મુદ્રક અને પ્રકાશકના પુરા નામ, સરનામા અને ફોન, મોબાઇલ નંબર દર્શાવવાના રહેશે તથા મુદ્રકે પ્રકાશક પાસેથી મેળવેલ એકરારપત્ર જોડાણ-ક અને જોડાણ-ખ ના નિયત નમુનામાં છાપકામ કર્યાના ત્રણ દિવસની અંદર જિલ્લા મેજીસ્ટ્રેટ કચેરી તથા સબંધિત ચૂંટણી અધિકારીશ્રીને રજૂ કરવાની રહેશે.

- text


ચૂંટણી પ્રચાર માટે ઇલેકટ્રોનિક મીડિયામાં જાહેરાત આપવા અંગે જાહેરનામું

મોરબી : મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એન.કે.મુછારએ મોરબી જિલ્લાની વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ ને ધ્યાને લઇ ટેલીવીઝન ચેનલ અને કેબલ નેટવર્ક પર જાહેરાત આપવા નોંધાયેલ રાજકીય પક્ષ અને ચૂંટણી લડતા ઉમેદવારને તેમની જાહેરાત ટેલીકાસ્ટના સુચિત આરંભની તારીખથી મોડામાં મોડા ત્રણ દિવસ અગાઉ અરજી કરવા જણાવ્યું છે. આ અંગે પ્રસિધ્ધ થયેલ જાહેરનામા પ્રમાણે પ્રવર્તમાન ચૂંટણી દરમિયાન પ્રચાર તથા જાહેરાતો રાજકીય પક્ષો, ઉમેદવારો, સંસ્થાઓ તરફથી તેમજ ઉમેદવારના ટેકેદારો તરફથી ઇલેકટ્રોનિક મીડિયાના માધ્યમથી પ્રસારણ સ્થાનિક કંટ્રોલરૂમથી તથા ટીવી ચેનલના રાજય, આંતર રાજય કે આંતરરાષ્ટ્રીય તેમજ AM અને FM રેડીયો નેટવર્કથી કરવામાં આવે છે. હાલમાં આ નેટવર્કના નિયંત્રણ માટે કેબલ ટેલીવીઝન (વિનિયમન) અધિનિયમ-૧૯૯૫ તથા કેબલ ટેલીવીઝન (વિનિયમો) નિયમો-૧૯૯૪ અમલમાં છે. જે મુજબ જાહેરાત નિયત કરેલ આચાર સહિંતાને અનુરૂપ હોય તે સિવાય કોઇપણ વ્યકિત કોઇ જાહેરાત પ્રસારીત કે પુનઃ પ્રસારીત કરી શકે નહીં. ભારતના ચૂંટણી પંચે ચૂંટણીઓ નિષ્પક્ષ, તટસ્થ, શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તથા કોઇ પક્ષ કે સંસ્થા કે ઉમેદવારની તરફેણ કે વિરૂધ્ધમાં કે ચૂંટણી પંચે જાહેર કરેલ આદર્શ આચાર સંહિતાની જોગવાઇઓ વિરૂધ્ધ કોઇપણ ચૂંટણી વિષયક જાહેરાત ઇલેકટ્રોનીકના માધ્યમથી કરવામાં ન આવે તે માટે સંવિધાનની કલમ-૧૪૨ હેઠળની સતાનો ઉપયોગ કરીને નામદાર સુપ્રીમ કોર્ટે આદેશાત્મક જોગવાઇ કરેલ છે. જે અન્વયે નોંધાયેલ રાજકીય પક્ષ અને ચૂંટણી લડતા ઉમેદવારે તેમની જાહેરાત ટેલીકાસ્ટના સુચિત આરંભની તારીખથી મોડામાં મોડા ત્રણ દિવસ અગાઉ અને બીજી કોઇ વ્યકિત અથવા બિન નોંધાયેલ રાજકીય પક્ષો, સંસ્થા વગેરેએ આવી જાહેરાત ટેલીકાસ્ટના સુચિત આરંભની તારીખથી મોડામાં મોડા સાત દિવસ અગાઉ અરજી કરવાની રહેશે. ઇલેકટ્રોનિક ફોર્મમાં સુચિત જાહેરાતની બે નકલ તેમજ તેની યોગ્ય રીતે પ્રમાણીત કરેલ બે નકલ અરજી સાથે જોડવાની રહેશે. આવી જાહેરાત, જીંગલ્સ, ઇન્સર્શન્સ, બાઇટસ વગેરેનું સર્ટીફીકેશન મેળવવા માટેની અરજી જિલ્લા કક્ષાની મીડિયા સર્ટીફીકેશન એન્ડ મોનીટરીંગ કમીટીના સભ્ય સચિવ અને સહાયક માહિતી નિયામકશ્રી મોરબીને કરવાની રહેશે.


વિવિધ માધ્યમોએ પ્રસારણ કરેલ વિગતોની સીડી રજૂ કરવી પડશે

મોરબી : મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એન.કે.મુછાર એ તેમને મળેલ અધિકારની રૂએ મોરબી જિલ્લામાં ચૂંટણીની આદર્શ આચાર સંહિતનો ભંગ ન થાય તે માટે જાહેરનામુ બહાર પાડેલ છે.આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે સ્થાનિક કેબલ ટીવી નેટવર્ક, ટીવી ચેનલ, સિનેમાગૃહો, AM તથા FM રેડીયો, દુરદર્શન કેન્દ્ર, આકાશવાણી કેન્દ્ર, વિવિધ ભારતી પ્રસારણ વગેરે દ્વારા ઈલેકટ્રોનીક પ્રસાર માધ્યમોમાં ચૂંટણી પ્રક્રિયા પૂરી થતાં સુધીના સમયગાળા દરમિયાન પ્રત્યેક દિવસે સવારના ૦૬:૦૦ કલાકથી બીજા દિવસના સવારના ૦૬:૦૦ કલાક સુધીમાં કરવામાં આવેલ પ્રસારણની પ્રત્યેક સીડી બીજા દિવસે સવારના ૧૦:૩૦ કલાક સુધીમાં જિલ્લા કક્ષાનીમીડિયા સર્ટીફીકેશન એન્ડ મોનીટરીંગ કમીટીના સભ્ય સચિવ અને સહાયક માહિતી નિયામકશ્રી-મોરબીની કચેરી, રૂમ નં.૨૨૫-૨૨૮, જિલ્લા સેવા સદન, સો ઓરડી, મોરબી ખાતે રૂબરૂ પહોંચાડવી અને સીડી પહોચાડયા બદલ પહોંચ મેળવી રેકોર્ડમાં જાળવવી. જરૂરિયાતના પ્રસંગે ૨૪ કલાક પુરા થતાં પહેલા પણ કરવામાં આવેલ પ્રસારણની સીડી માંગવામાં આવે તો રજુ કરવી પડશે.


મોરબી જિલ્લામાં ચૂંટણીની આદર્શ આચાર સંહિતનો ભંગ થાય તેવા ગ્રુપ – બલ્ક એસ.એમ.એસ. પર પ્રતિબંધ

મોરબી : મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એન.કે.મુછાર એ તેમને મળેલ અધિકારની રૂએ મોરબી જિલ્લામાં ચૂંટણીની આદર્શ આચાર સંહિતનો ભંગ થાય તેવી ગ્રુપ બલ્ક એસ.એમ.એસ. પર પ્રતિબંધ મુકયો છે. આ હુકમમાં વધુમાં જણાવ્યા પ્રમાણે ભુતકાળની ચૂંટણીઓમાં કેટલાક વાંધાજનક એસ.એમ.એસ (ટૂકા સંદેશ સેવા) તથા સોશ્યલ મીડિયાનો દુરઉપયોગ કેટલાક લોકો દ્વારા કરવામાં આવેલ તેવુ અનુભવ પરથી જણાયેલ છે. અને તેવી જ પરિસ્થિતિ આગામી મોરબી જિલ્લાની જિલ્લાની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં સ્થાપિત હિતો ધરાવતા ઇસમો દ્વારા કરવામાં ન આવે અને ચૂંટણીના કાયદાની જોગવાઇઓ, આદર્શ આચાર સંહિતા તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલ આદેશો/સુચનાઓનો ભંગ ન થાય તે માટે મુકત, ન્યાયી અને શાંતિપુર્ણ ચૂંટણીને દુષિત કરતી પ્રવૃત્તિઓ તાત્કાલીક અટકાવવાની અત્યંત આવશ્યકતા છે. જેને ધ્યાને લઇ મોરબી જિલ્લા, મોરબી શહેર અને મોરબી તાલુકા સહિતના જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી મોબાઇલ સર્વિસ આપતી કંપનીઓ જેવી કે, વોડાફોન, બી.એસ.એન.એલ (સેલ વન), રીલાયન્સ,ટાટા મોબાઇલ, એરટેલ,આઇડીયા,વીડીઓકોન,યુનીનોર વિગેરે જેવી કંપનીઓએ મોરબી શહેર સહિત સમ્રગ મોરબી જિલ્લાના વિસ્તારમાં કાયદાનો ભંગ થાય તેવા તેમજ ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનો ભંગ થાય તેવા તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલ આદેશો/સુચનાઓનો ભંગ થાય તેવા અને મુકત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં શાંતિપૂર્ણ ચૂંટણી પ્રકિયાને દુષિત કરે તેવા ગૃપ/બલ્ક એસ.એમ.એસ. પ્રસારીત કરશે કે કરવા દેશે નહી. તથા રાજકીય પ્રકાર તથા સ્વરૂપના ગ્રુપ/બલ્ક એસ.એમ.એસ મતદાન પુર્ણ થવાના ૪૮ કલાક પહેલા એટલે કે, તા.૨૯/૧૧/૨૦૨૨ થી ૦૧/૧૨/૨૦૨૨ સુધી સંપૂર્ણપણે તેના પ્રસારણને પ્રતિબંધીત કરવાના રહેશે.


ચૂંટણી મતદાન વિસ્તારમાં આવેલ સરકારી આરામગૃહોના ઉપયોગ પર નિયંત્રણ કરતું જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું

મોરબી : મોરબી જિલ્લાની વિધાનસભાની સામાન્ય ચૂંટણી ને ધ્યાને લઇ ચૂંટણી મતદાન વિસ્તારમાં આવેલ સરકારી, અર્ધસરકારી આરામગૃહો, ડાકબંગલાઓ, વિશ્રામગૃહો તથા સરકારી રહેણાંકનો તેની સાથે જોડાયેલ આંગણું, કમ્પાઉન્ડ સહિત કોઈ રાજકીય પક્ષના હોદેદારો, ચૂંટણી લડતા ઉમેદવારો તેમના ચૂંટણી એજન્ટોએ રાજકીય હેતુસર કે ચૂંટણી વિષયક કે ચૂંટણી પ્રચાર-પ્રસારના હેતુસર ઉપયોગ કરવા પર નિયંત્રણ મુકતું જાહેરનામુ મોરબી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.કે.મુછાર દ્વારા બહાર પડાયું છે. જાહેરનામા અનુસાર પેટાચૂંટણી મતદાન વિસ્તારમાં આવેલ વિશ્રામગૃહ, અતિથિગૃહ ડાકબંગલાના સ્થળે રાજકીય પક્ષોના સભ્યોની પ્રાસંગીક મીટીંગ પણ યોજવા ૫૨, આવા આવાસના કમ્પાઉન્ડમાં રાજકીય ચૂંટણી હેતુ માટે ઉપયોગમાં લેવાના વાહનો પાર્કીંગ કરવા પર, ચૂંટણી પ્રચાર હેતુ માટે આવતા કોઈપણ મહાનુભાવોને મતદાન પૂરું થવાના ૪૮ કલાક પહેલા વિશ્રામગૃહ અતિથિગૃહ વગેરેમાં રહેવા માટે રૂમ ફાળવવા પર પરંતુ જે રાજકીય પદાધિકારીઓને ઝેડ કક્ષાની કે રાજયના કાયદાની જોગવાઈ અનુસાર સમાન કે તેથી વધુ કક્ષાની સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવેલ હોય તેમને વિશ્રામગૃહ/અતિથિગૃહમાં રહેવા માટે રૂમ ફાળવી શકાશે સિવાય કે આવો રૂમ ચૂંટણી ફરજ પર નિમાયેલ અધિકારી/નિરિક્ષકને અગાઉથી ફાળવવામાં આવેલ ન હોય. પરંતુ આવી ઝેડ સ્કેલની સીકયુરીટી ધરાવતા વિશ્રામગૃહ/અતિથિગૃહમાં રહે તે દરમિયાન કોઈપણ પ્રકારની રાજકીય પ્રવૃતિ હાથ ધરી શકાશે નહીં.


- text