બોર્ડર પર જવાનો સાથે મોરબીની કોલેજ દ્વારા દિવાળીની ઉજવણી કરાઈ

- text


મોરબીની પી.જી.પટેલ કોલેજના સંચાલકો અને છાત્રો દ્વારા સતત પાંચમા વર્ષે કચ્છ સરહદે આવેલી બોર્ડર ફરજ બજાવતા જવાનોને રૂબરૂ મીઠાઈ અર્પણ કરી તેમની સાથે દિવાળી મનાવી

મોરબી : મોરબી જિલ્લામાં કોમર્સ અને મેનેજમેન્ટ ક્ષેત્રે અગ્રણી અને અગ્રેસર એવી પી.જી પટેલ કોલેજ દ્વારા છેલ્લા 5 વર્ષથી દિવાળીના મહાપર્વની ઉજવણી કચ્છ ખાતે આવેલી ભારત-પાકિસ્તાન સરહદ પર તેનાત સૈનિકોને મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરીને અનોખી રીતે કરવામાં આવે છે.

પી.જી પટેલ કોલેજના પ્રમુખ દેવકરણભાઈની પ્રેરણાથી આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટની રાહબરી હેઠળ આ વર્ષે પણ દિવાળીના મહાપર્વની ‘અસ્મિતા પર્વ’ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે દિવાળીના દિવસે પણ પોતાના પરિવારથી દૂર રહીને આપણા વીર જવાનો દેશના સીમાડાની રક્ષા કાજે દિવસ-રાત તૈનાત હોય છે. તેમને પારિવારિક હૂંફ અને લાગણીનો અનુભવ થાય, તેમજ તેમના પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાના ભાગરૂપે શુદ્ધ ઘીના અડદીયા અને નમકીન દિવાળીના દિવસે જ કચ્છ ખાતે આવેલ ભારત-પાકિસ્તાન સરહદે ફરજ બજાવતા આપણા વીર જવાનોને હાથો-હાથ અર્પણ કરવામાં આવ્યા હતા.

આ ભગીરથ કાર્યમાં દર વર્ષની જેમ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સિંહ ફાળો રહ્યો હતો , સાથે સાથે કોલેજ સ્ટાફ, મોરબીના ઉદ્યોગપતિ, મિત્ર વર્તુળ તેમજ અન્ય કોઈ પણ માધ્યમથી મદદ કરનાર તમામ લોકોનો કોલેજ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- text

- text