નાણાંકીય ઉઘરાણીમાં બ્રેઝા કારના કાચ ફોડી નાંખતા ટંકારા તાલુકા પંચાયતના સદસ્ય

- text


લજાઈ ચોકડી નજીક બનેલી ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાઇ

ટંકારા : રાજકોટ – મોરબી હાઇવે ઉપર લજાઈ ચોકડી નજીક નાણાકીય લેતી દેતીની ઉઘરાણી કરી ટંકારા તાલુકા પંચાયતના સદસ્ય અને પાસ આગેવાને નસીતપર ગામના જેસીબી, હિટાચીના ધંધાર્થીની ગાડીના આગળ – પાછળના કાચમાં કુહાડના ઘા ઝીકી જાનથી પતાવી દેવાની ધમકી આપતા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના નસીતપર ગામે રહેતા અને જેસીબી હિટાચી અને અર્થમુવરનો વ્યવસાય કરતા પ્રકાશભાઈ રમેશભાઈ કુંડારિયાએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.19ના રોજ સાંજના સમયે તેઓ મોરબીથી પરત આવતા હતા ત્યારે લજાઈ ચોકડી નજીક ધરતીધન હોટલ સામે નર્સરીએ રોપ લેવા ઉભા હતા ત્યારે આરોપી પંકજભાઈ દયારામભાઈ મસોત અને અન્ય બે માણસોએ તેમની ગાડીના કાચ તોડી જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળા ગાળી કરી હતી.

વધુમાં પ્રકાશભાઈ ગાડી ઉભી રાખી નર્સરીએ ગયા ત્યારે પંકજ મસોત અને તેના બે સાગરીત આવ્યા હતા અને કહ્યું હતું કે તારી પાસે રૂપિયા 11 હજાર માંગુ છું એ ક્યારે આપવા છે તેમ કહી ગાડીના કાચમાં કુહાડી અને લાકડાના ધોકા ફટકારી પંકજ મસોતે પ્રકાશભાઈ તેમજ તેમના પિતાને હવે સામે આવ્યા તો મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

ઉલ્લેખનીય છે કે આરોપી પંકજ મસોત ટંકારા તાલુકા પંચાયતની લજાઈ બેઠક ઉપરથી ચૂંટાયેલા કોંગ્રેસના સદસ્ય છે અને અગાઉ પાટીદાર અનામત આંદોલન સમયે પણ સક્રિય સભ્ય રહી ચૂક્યા હોવાનું બહાર આવ્યું છે. હાલમાં ટંકારા પોલીસે આરોપી પંકજ મસોત વિરુદ્ધ આઇપીસી કલમ 427, 504, 506 (2) અને 114 સહિતની કલમો મુજબ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text