મોરબીના સીરામીક અને ઘડિયાળ ઉધોગમાં દિવાળીએ જ મંદી

- text


ઘડિયાળ ઉદ્યોગ માટે છેલ્લા 35 વર્ષમાં આ વર્ષની સૌથી વધુ નબળી દિવાળી, સીરામીકમાં શટડાઉન બાદ ટાઢોડું

મોરબી : કોરોનાની વિદાય બાદ પણ મોરબીમાં આ વખતે દિવાળીમાં મહત્વના ગણાતા સીરામીક અને ઘડિયાળ ઉધોગને ઘેરી મંદીએ ચપેટમાં લીધો છે. સીરામીક ઉધોગ માટે વૈશ્વિક મંદી સાથે ડોમેસ્ટિકની પણ ડિમાન્ડ તળિયે પહોંચી હોવાથી દિવાળી બગડી છે. જ્યારે ઘડિયાળ ઉધોગમાં હાલ પાંચ ટકા જ ડિમાન્ડ હોવાથી 35 વર્ષમાં આ દિવાળી ઘડિયાળ ઉધોગ માટે સૌથી વધુ નબળી પુરવાર થઇ છે.

મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ વિનોદભાઈ ભાડજાએ જણાવ્યું હતું કે, ઓગસ્ટ મહિનામાં સાતમ આઠમ વખતે ભયંકર મંદી અને ગોડાઉન હાઉસફુલ હોવાથી તેમજ ગેસના ભાવવધારા સહિતની આ બધી જ વિકટ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા સીરામીક ઉધોગે એક મહિનાનું વેકેશન રાખ્યું હતું. વેકેશન પૂરું થતા સીરામીક ઉધોગ શરૂ થતાં હવે દિવાળીના સમયે થોડી તેજી જોવા મળે એવી આશા હતી. પણ હાલ સમગ્ર વિશ્વમાં મંદી છે. એટલે એક્સપોર્ટ ઉપરાંત ડોમેસ્ટિકની પણ જરાય ડિમાન્ડ નથી. એટલે હાલ 70 ટકા જેવું ઓછું ટાઇલ્સનું ઉત્પાદન થાય છે અને 25 થી 30 ટકા જેવા કારખાના હજુ બંધ છે. એક મહિના વેકેશન બાદ ટાઇલ્સની જે ખરીદી નિકળવી જોઈએ એ બિલકુલ ન હોવાથી આ દિવાળી બગડી છે.

- text

મોરબીનો બીજો સૌથી મોટો ઘડિયાળ ઉધોગના પ્રમુખ શશાંકભાઈ દંગીએ જણાવ્યું હતું કે, વર્ષોથી મોરબી જ નહીં દેશની શાન ગણાતા આ કલોક ઉધોગની છેલ્લા 35 વર્ષમાં આ વખતે સૌથી વધુ ખરાબ દિવાળી હોય એવી કપરી પરિસ્થિતિ છે. આ હાલ દિવાળીના ટંકાણે વિવિધ સંસ્થાઓ, નેતાઓ તેમજ અન્ય ઉધોગો પોતાના કારીગરોને દિવાળીમાં ગિફ્ટ રૂપે સારી ઘડિયાળ કે, ઘડિયાળને લગતી ગિફ્ટ આર્ટિકલ ભેટમાં આપતા હોય છે એટલે દર દિવાળીએ ઘડિયાળ બજાર અને ગિફ્ટ આર્ટિકલમાં ભારે ખરીદી નીકળી છે. પણ આ વખતે દિવાળી નજીક હોવાથી છતાં આવી કોઈ ખરીદી જોવા મળતી નથી. માત્ર પાંચ ટકા જેવી જ ડિમાન્ડ નીકળી છે. જો કે દર વખતે ભરપૂર ખરીદી થતી હોય ઘડિયાળ ઉધોગનું દિવાળી સુધી પ્રોડકશન ચાલુ હોય છે. પણ આ વખતે મંદીને કારણે કોઈ ડિમાન્ડ જ ન હોવાથી 90 ટકા જેવા કારખાના આજથી બંધ થઈ ગયા છે. મોંઘવારી વધી છે તેનો માર આ ઉધોગ પર પડ્યો છે અને ઘડિયાળ આવશ્યક વસ્તુ ન હોવાથી લોકો ખરદીવાનું ટાળતા ડિમાન્ડ ન હોવાને કારણે આ ઉધોગ ભારે મંદીની ચપેટમાં આવી ગયો છે.

- text