શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીજીનો ટંકારા અને મોરબી સાથે અનેરો નાતો હતો..

- text


દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીજી દેવલોક પામ્યા : સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ એવા ટંકારા અવારનવાર આવતા, મોરબી સાથેના પણ અનેક સંભારણા : મંત્રી બ્રિજેશ મેરજાએ શ્રદ્ધાંજલિ પાઠવી

મોરબી: જ્યોતિરમઠ બદ્રીનાથ અને દ્વારકાના શારદાપીઠના શંકરાચાર્ય એવા સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીનું આજે નિધન થયું છે. 99 વર્ષની વયે સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીએ અંતિમ શ્વાસ લીધા છે. મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લાના પરમહંસી ગંગા આશ્રમમાં આજે બપોરે 3 વાગ્યાની આસપાસ તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. જાણવા મળતી માહિતી મુજબ સ્વામી સરપાનંદ સરસ્વતી છેલ્લા લાંબા સમયથી બીમાર હતા. ત્યારે આજરોજ તેઓએ દેવલોક ગમન કરતા સંત સમાજ અને અનુયાયીઓમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.

સ્વરૂપાનંદ સરસ્વતીનો ટંકારા સાથે ગાઢ નાતો હતો. તેઓ અવારનવાર ટંકારાની મુલાકાત લેતા હતા. આર્ય સમાજ અને ગુરુકુળ મહર્ષિ દયાનંદ સરસ્વતીના જન્મ સ્થળની મુલાકાત સમયે પણ તેઓ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. વેદ અને શાસ્ત્રના પ્રચારક મહર્ષિ દયાનંદ સરસ્વતીથી તેઓ ખૂબ જ પ્રભાવિત હતા ગત મુલાકાત વખતે તેઓ ટંકારા ગામ ધણી શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે પણ પધાર્યા હતા અને તેઓએ એક વાક્ય ઉચાર્યું હતું કે, ‘તમે તો અહીં માને પણ સાથે રાખીને બેઠા છો, લક્ષ્મીનારાયણ મંદિરે આવ્યા બાદ તમારે ઠાકર અહીંયા જ બિરાજમાન છે તેથી દ્વારકા આવવાની જરૂર નથી.’ આ ઉપરાંત તેઓ મોરબી સ્ટેટમાં પણ પધારતા હતા અને દર્શનનો લાભ આપતા હતા. આ ઉપરાંત ટંકારાના ધ્રુવકુમારસિંહ જાડેજા સાથે પણ તેઓને અંગત અને નજીકના સંબંધો હતા. આમ મોરબી સાથે પણ તેઓના અનેક સંભારણા અહીં જીવંત છે. મોરબીના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી બ્રિજેશ મેરજાએ સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીના અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યકત કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

- text

સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીને આવતીકાલે સોમવારે સાંજે 5 વાગ્યે પરમહંસી ગંગા આશ્રમમાં સમાધિ આપવામાં આવશે. સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી દ્વારકા અને જ્યોતિરમઠના શંકરાચાર્ય હતા. તેઓનો જન્મ મધ્યપ્રદેશના શિવની જિલ્લાના જબલપુરની પાસે દિધોરી ગામમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેઓનું સાંસારિક નામ પોથીરામ ઉપાધ્યાય હતું. તેઓએ 9 વર્ષની ઉંમરે જ ઘર છોડીને ધર્મનો રસ્તો અપનાવ્યો હતો. વર્ષ 1942ના સમયમાં તેઓ માત્ર 19 વર્ષના હત્યા ત્યારે ક્રાંતિકારી સાધુ તરીકે જાણીતા બન્યા હતા. જે તે સમયે અંગ્રેજોના શાસનમાંથી આઝાદ થવાની લડાઈમાં શંકરાચાર્યજીએ યોગદાન આપ્યું હતું. ભારત છોડો આંદોલન વખતે તેઓ વારાણસીમાં 9 મહિના અને મધ્યપ્રદેશની જેલમાં 6 મહિના સુધી કેદ પણ રહ્યા હતા. આમ સ્વરૂપાનંદ સરસ્વતીજીએ ધર્મ ભક્તિની સાથે સાથે રાષ્ટ્ર ભક્તિમાં પણ પોતાનું જીવન સમર્પિત કર્યું હતું.

- text