મોરબીમાં વાતાવરણમાં પલટો : વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ

- text


વાંકાનેરના કોટડાનાયાણી ગામે વરસાદ વીજળી પડતા ભારે નુકશાન, હળવદ, ટંકારા, માળીયા અને વાંકાનેરમાં પણ સારો એવો વરસાદ પડ્યાના અહેવાલ મળ્યા 

મોરબી : મોરબીમાં લાંબા આરસા બાદ આજે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતા વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. મોરબીમાં છેલ્લા થોડા દિવસોથી ભારે ગરમી અને ઉકળાટ વચ્ચે આજે ધોધમાર વરસાદ પડતાં થોડી રાહત થઈ હતી. વાંકાનેરના કોટડાનાયાણી ગામે મકાન પર વીજળી પડતા ભારે નુકશાન થયું હતું.

મોરબીમાં આજે સાંજે પાંચ વાગ્યે ભાદરેવે અષાઢી માહોલ સર્જાયો હોય એમ ધોધમાર વરસાદ પડતા ઠેરઠેર પાણી ભરાયા હતા. મોરબી શહેર અને વાંકાનેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડ્યો હતો અને હાલ વરસાદ એકરસ થઈને ધોધમાર વરસતો હોવાથી ઠેરઠેર પાણી ભરાયા હતા. વરસાદ અને વીજળીના કડાકા ભડાકાને પગલે ઘણા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.જ્યારે વાંકાનેરમાં વરસાદ સાથે વીજળી પડી હોવાના અહેવાલ મળ્યા છે. જેમાં વાંકાનેરના કોટડાનાયાણી ગામે રહેતા રવીરાજસિંહ જાડેજાના મકાનની છત પર વીજળી પડતા ભારે નુકશાન થયું હતું. જેમાં ઇલેક્ટ્રિક વસ્તુઓ બળી ગઈ હતી. આ અંગે વીજ તંત્રને જાણ કરવા છતાં કોઈ જવાબ નહીં મળ્યાનો આક્ષેપ થયો છે.

મોરબી જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં હાલ વરસાદ ચાલુ હોવાના અહેવાલ મળ્યા છે. અમારા પ્રતિનિધિઓ પાસેથી મળતી વિગતો મુજબ હળવદમાં વરસાદ સાથે વીજળી પડી હતી. જ્યારે વાંકાનેરમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને માળીયા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો હોવાના અહેવાલ મળે છે. જ્યારે ટંકારામાં હવે રહી રહીને ધોધમાર વરસાદ ચાલુ થયો છે. જિલ્લામાં લાંબા સમય બાદ વરસાદ પડતાં ઠેરઠેર પાણી ભરાયા છે.

- text

- text