માળીયા હાઇવે પર રોંગ સાઈડમાં આવતા ડમ્પરની અડફેટે કાર સવાર યુવકનું મોત 

- text


માળીયા: માળિયા-અમદાવાદ હાઈવે પર ડમ્પર ચાલકે બેફામ રીતે રોંગ સાઈડમાં ડમ્પર ચલાવી કારને અડફેટે લેતા અકસ્માતમાં કાર ચાલક યુવકનું મોત નીપજ્યું છે. ડમ્પર ચાલકે બેફામ રીતે ચલાવી સામેથી આવતી કાર સાથે અથડાવી અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં કાર સવાર ગાંધીધામના યુવાનનું કરુણ મોત નીપજ્યું છે. આ અકસ્માત મામલે માળીયા પોલીસે ફરાર ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

ગાંધીધામના રહેવાસી નીમીશભાઈ મોહનભાઈ રાજગોરે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેઓના ભાઈ ગુંજનભાઈ રાજગોર વડોદરા જઈ રહ્યા હતા તે દરમિયાન અમદાવાદ-માળીયા હાઈવે પર માંણાબા ગામ નજીક ડમ્પર જીજે-12-બીટી-5942ના ચાલકે પોતાનું ડમ્પર માંણાબા ગામના પાટિયા નજીક પુલ પર રોંગ સાઈડમાંથી બેફામ રીતે ચલાવીને નીકળ્યો હતો ત્યારે ફરિયાદીના ભાઈની ઇકો સ્પોર્ટ્સ કાર જીજે-12-ડીજી-4308 સાથે અથડાવી અકસ્માત સર્જ્યો હતો. જે અકસ્માતમાં ગુંજનભાઈ મોહનભાઈ રાજગોર (ઉ.વ.36) વાળાને ગંભીર ઈજા પહોંચતા તેઓનું મોત થયું હતું અને અકસ્માત બાદ ડમ્પર મૂકી ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો.

માળીયા પોલીસે આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ આઈપીસી કલમ 304, 304 (અ) અને 279 મુજબ અકસ્માતનો ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

- text