માળીયા (મી.)માં રેશનકાર્ડની કામગીરીમાં લોલમલોલ

- text


મામલતદાર કચેરીમાં સતત જવાબદાર કર્મચારી ગેરહાજર રહેતાં હોવાનો અરજદારોનો આરોપ

માળીયા (મી.): માળીયા મીયાણા તાલુકામાં રેશનકાર્ડની કામગીરીમાં ધાંધિયા ચાલતાં હોવાની અરજદારોએ ફરિયાદ કરી છે. અરજદારોના જણાવ્યા પ્રમાણે કચેરીમાં કર્મચારીઓ સતત ગેરહાજર રહેતાં હોવાથી અરજદારોને ધરમના ધક્કા થઈ રહ્યા છે. ત્યારે આ અંગે અરજદારોએ કલેક્ટરને પત્ર લખીને રજૂઆત કરી છે.

અરજદારોનું કલેક્ટરને જણાવ્યું છે કે, માળીયા (મી.) તાલુકામાં રેશનકાર્ડ વિભાગમાં દરરોજ મોટી સંખ્યામાં અરજદારો આવી રહ્યા છે. ઘણા અરજદારો દુર દુરના ગામડાઓમાંથી આવતા હોય છે. પરંતુ કચેરીમાં જવાબદાર કર્મચારી સતત ગેરહાજર હોય છે. અઠવાડિયામાં એકાદ દિવસ જ હાજરી આપે છે. જેના કારણે લોકોને ધરમના ધક્કા થાય છે. આવી લાલિયાવાડીના કારણે લોકોના સમય અને રૂપિયાનો વ્યય થઈ રહ્યો છે. ગઈકાલે 25 ઓગસ્ટના રોજ 15 જેટલા અરજદારોને મામલતદાર કચેરીમા જવાબદાર અધિકારી ગેરહાજર હોવાના કારણે ધક્કો થયો હતો. આ અંગે પુરવઠા નાયબ મામલતદારને પુછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે, મામલતદાર ચૂંટણીના કામેથી મોરબી છે. ત્યારે આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી કલેક્ટરને રજૂઆત કરાઈ છે.

- text

- text