હળવદના યુવાનની હત્યાનો ભેદ ઉકેલી નાખતી સુરેન્દ્રનગર પોલીસ

- text


લગ્નેતર સંબંધનો કરૂણ અંજામ : ભાઈની હાજરીમાં પ્રેમિકા સાથે બોલાચાલી કરતા ભાઈ-બહેનને મળી પ્રેમીને પતાવી દીધો : હળવદ બ્રેકીંગના સમાચારથી મૃતકની ઓળખ મળી

13 તારીખે દુધરેજ નજીક કેનાલમાં લાશ મળ્યા બાદ તેર જ દિવસમાં રહસ્યમય હત્યાનો ભેદ ઉકેલી હરિદ્વારથી આરોપીને પકડી લીધા

હળવદ : રક્ષાબંધનના દિવસે લાપતા બનેલા હળવદના યુવાનની ગત તા.13 ઓગસ્ટના રોજ સુરેન્દ્રનગરના દુધરેજ નજીક કેનાલમાંથી લાશ મળી આવ્યા બાદ બૉલીવુડની થ્રિલર ફિલ્મ સ્ટોરીને ટક્કર મારે તેવા હત્યાના બનાવનો સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસે પડકારજનક કેસમાં અલગ-અલગ કડીઓ જોડી તેર જ દિવસમાં ભેદ ઉકેલી નાખી હત્યાને અંજામ આપનાર ભાઈ અને બહેનને હરિદ્વારથી ઝડપી લીધા હતા.

સનસનીખેજ અને પોલીસ માટે પડકાર જનક આ હત્યાના બનાવ અંગેની વિગત જોઈએ તો ગત તા.11ના રોજ રક્ષાબંધનના દિવસે હળવદ શહેરના ભવાનીનગરમાં રહેતા સોમાભાઈ મેરૂભાઇ મકવાણા ઉ.40 લાપતા બન્યા હતા. બીજી તરફ સુરેન્દ્રનગરના દુધરેજ નજીક કેનાલમાંથી તા.13ના રોજ કોથળામાં નાખેલી લાશ મળી આવતા આ અજાણી વ્યક્તિની ઓળખ મેળવવા સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસે તપાસ કરતા કોઈ સફળતા ન મળી હતી. જો કે તેમના પરિવારે મૃતક સોમાભાઈ મેરૂભાઇ મકવાણા લાપતા બનવા અંગે પોલીસમાં કોઈ જાણ કરી ન હતી. પરંતુ સોમાભાઈ ગુમ હોવા અંગે તેમના મિત્ર ભરતભાઈએ હળવદ બ્રેકીંગ ન્યુઝમાં સમાચાર પ્રસિદ્ધ કરાવતા આ બાબત સુરેન્દ્રનગર પોલીસના ધ્યાને આવી હતી.

અહીંથી જ સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસને પ્રથમ નક્કર કડી રૂપે મૃતક વ્યક્તિની ઓળખ મળી જતા ફોરેન્સિક પીએમમાં લાશ સોમાભાઈ મેરૂભાઇ મકવાણા ઉ.40ની જ હોવાનું ફલિત થતા સુરેન્દ્રનગર પોલીસ હળવદ દોડી આવી જે કોથળામાં લાશ મળી હતી તે ટ્રેડિંગ કંપની સુધી પહોંચી એક પછી એક કડીઓ જોડવા લાગતા મૃતક સોમાભાઈ મેરૂભાઇ મકવાણાને લતા નામની હળવદમાં જ રહેતી મહિલા સાથે લગ્નેતર સંબંધ હોવાનું ખુલ્યું હતું.

- text

બીજી તરફ હત્યાને અંજામ આપી આરોપી લતા હળવદ છોડી ચાલી જતા પોલીસ ટીમે હ્યુમન અને ટેક્નિકલ સોર્સને કામે લગાડતા હત્યારાઓનો મોબાઈલ નંબર મળી આવતા લોકેશન ટ્રેસ કરતા પહેલા દિલ્હી અને બાદમાં હરિદ્વારનું લોકેશન મળ્યું હતું જેને પગલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા હરેશ દૂધાતના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી હિમાંશુ દોશી અને પીઆઇ મિતલબેન ચૌધરીના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ વી.એમ.ઝાલા, હેડ કોન્સ્ટેબલ ધનરાજસિંહ વાઘેલા, કોન્સ્ટેબલ દિનેશભાઇ સાવધરીયા, કિશનભાઇ ભરવાડ, વિજયસિંહ પરમાર અને ભરતદાન ગઢવીની ચુનંદા ટિમ ખાનગી ગાડીમાં હરિદ્વાર પહોંચી હતી.

જો કે, સુરેન્દ્રનગર પોલીસ માટે હરિદ્વાર અજાણ્યો ભૌગોલિક પ્રદેશ હોવા છતાં સતત મોબાઈલ લોકેશન ટ્રેસ કરી સ્થાનિક પોલીસના બે જવાનોને સાથે રાખી અંદાજે 400થી 450 જેટલા ઝુંપડા અને તમામ ઘાટ ઉપર આરોપીઓને શોધખોળ કર્યા બાદ એક ખુલ્લી જગ્યામાં આરોપી લતા અને હત્યાને અંજામ આપનાર તેના ભાઈ અશોક ગાંડાભાઈને દબોચી લીધા હતા.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સોમાભાઈ સાથે લગ્નેતર સંબંધો ધરાવતી લતાએ કબૂલાત આપી હતી કે, બનાવના દિવસે સોમભાઈ લતાના ઝૂંપડે આવ્યો ત્યારે ત્યાં લતાનો ભાઈ અશોક હાજર હતો અને અગાઉ અશોકે સોમાભાઈને રોકડ રકમ અપાઈ હોય જે સોમાભાઈએ વાપરી નાખતા ત્રેણય વચ્ચે બોલાચાલી થઈ હતી અને અશોકે સોમાભાઈને ધોકો ફટકારી મોતને ઘાટ ઉતારી નાખી લાશને કોથળામાં પેક કરી શટલ રીક્ષામાં નાખી સુરેન્દ્રનગરના દુધરેજ નજીક કેનાલમાં ફેંકી ચાલતી પકડી હતી.

હત્યાને અંજામ આપ્યા બાદ આરોપીઓમાં અશોક બોટાદ જતો રહ્યો હતો અને લતા હળવદ જ રોકાયેલ હતી બાદમાં લતાએ એવું નાટક કરેલ કે સોમો અન્ય કોઈને લઈને ચાલ્યો ગયો છે. જો કે બાદમાં પરિવારજનોએ લતા ઉપર દબાણ લાવતા આખરે લતા તા.15 ઓગસ્ટના રોજ હળવદ છોડી સામખિયાળી ગયેલ જ્યાંથી અમદાવાદ અને બાદમાં અશોક લતા તેમજ બાળકો સહિતનો પરિવાર દિલ્હી અને દિલ્હીથી હરિદ્વાર નાસી ગયા હતા.

જો કે, હરિદ્વારમાં બન્ને આરોપીઓની ધરપકડ બાદ ઉપાધિ વધી ગઈ હતી કારણ કે, લતા સાથે રહેલા ચાર બાળકોને એકલા મૂકી શકાય તેમ ન હોય પોલીસને ખાનગી ગાડી ભાડે કરીને તમામને સતત 24 કલાક મુસાફરી કરાવી સુરેન્દ્રનગર સુધી લાવવામાં આવ્યા હતા.

- text