હું ક્યારેય ગદારી નહિ કરું : કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ લલિત કાગથરા

- text


ભવ્ય રેલી બાદ યોજાયેલી સભામાં કોંગ્રેસના આગેવાનોએ કાર્યકરોને આગામી ચૂંટણીમાં એક થઈને કામે લાગી જવા હાકલ કરી : ભાજપ સરકાર પર કર્યા પ્રહારો

મોરબી : મોરબીમાં આજે કોંગ્રેસ પ્રદેશ કાર્યકારી પ્રમુખ બનવા બદલ લલિતભાઈ કગથરાને સત્કારવા માટે જિલ્લા કોંગ્રેસ દ્વારા ભવ્ય શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં રામધન આશ્રમ ખાતેથી તેમની ભવ્ય રેલી નીકળ્યા બાદ રવાપર રોડ ઉપર આવેલ દ્રારકેશ પાર્ટી પ્લોટ ખાતે પહોંચીને સભા-સંમેલનમાં ફેરવાય હતી. જેમાં કોઈના નામ લીધા વગર અગાઉ કોંગ્રેસ સાથે ગદારી કરીને ભાજપમાં જોડનાર ઉપર સીધું નિશાન તાકીને લલિતભાઈ કહ્યું હતું કે, અમુક કોંગ્રેસમાંથી ચૂંટાઈને પ્રજા અને પક્ષ સાથે ગદારી કરી છે. પણ હું ભવિષ્યમાં આવી ગદારી ક્યારેય નહીં કરું.

લલિતભાઈ સભામાં ઉપસ્થિત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ અને અન્ય ધારાસભ્યો તેમજ વિશાળ કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે, હું ગદારી ક્યારેય સહન નથી કરી શકતો એટલે જે પક્ષે મને બધું આપ્યું એની સાથે કોઈ કાળે ગદારી નહિ કરું અને કોંગ્રેસ સાથે આજીવન વફાદાર રહીશ. તેમજ તેમને મોંઘવારી,ભ્રષ્ટાચાર અને ગુનાખોરી મુદ્દે ભાજપ સરકારને આડે હાથ લઈને આકરા પ્રહારો કર્યા હતા. ખાસ કરીને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પુરી તાકાતથી લડશે અને ભાજપને જડબાતોડ જવાબ આપશે.

વધુમાં તેઓએ વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક કાર્યકરોને અત્યારથી કામે લાગી જવા અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની હાકલ કરી હતી. તેમજ આગામી દિવસોમાં સૌરાષ્ટ્રમાં ગામે ગામ ફરીને ખેડૂતો અને મોંઘવારી વિશે લોકોને જાગૃત કરીને સરકારને ખુલ્લી પાડશે. જ્યારે સીરામીક ઉધોગના વેકેશન વિશે કહ્યું હતું કે, ગેસના ભાવ, એક્સપોર્ટની નીતિ અને જીએસટીને કારણે સીરામીક ઉધોગની દશા કફોડી થઈ ગઈ છે. જેને કારણે વેકેશન કરવું પડે છે. ઉધોગકારો સરકાર સામે ખૂલીને અવાજ ઉઠાવી શકતા નથી. કારણ કે એમને આઈટીના દરોડા, ગેસના ભાવ વધવા સહિતનો ડર લાગતો ઉધોગકારો ચૂપ રહેતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

કોંગ્રેસની ભવ્ય કાર રેલી બાદ યોજાયેલી સભામાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ લલિત કગથરાએ તેમના સત્કાર બદલ મોરબી જિલ્લા કોંગ્રેસ અને સૌ કોંગ્રેસી કાર્યકરો નો આભાર વ્યક્ત કરી પોતાની આગવી શૈલીમાં પ્રવચન કર્યું હતું. બાદમાં કોંગ્રેસના અન્ય ધારાસભ્યો અને હોદેદારોએ પણ આગામી ચૂંટણીમાં કોંગ્રેસને મજબૂત કરવા કામે લાગી જવાની હાકલ કરી હતી. મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલે પણ જુસ્સાદાર પ્રવચન કરી કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો.

- text

આ તકે કોંગ્રેસ ધારાસભ્યમાં લલિતભાઈ વસોયા, કિરીટ પટેલ, પ્રતાપ દુઘાત, પૂર્વ પ્રદેશ પ્રમુખ પરેશ ઘાનાણી, કાર્યકારી પ્રમુખ ઋત્વિજ મકવાણા, સૌરાષ્ટ્ર કોંગ્રેશન પ્રભારી શર્મા,મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી મનોજ પનારા, મોરબી તાલુકા પ્રમુખ કે.ડી. પડસુમ્બીયા, શહેર પ્રમુખ રાજુભાઈ કવર સહિતના જિલ્લાના દરેક તાલુકા મથકોના કોંગ્રેસના આગેવાનો-કાર્યકરો અને હોદેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

- text