સિરામિક વેકેશન: યુનિટ બંધ કરવાની સાથે એક મહિનો ડિસ્પેચ (લોડીંગ) પણ બંધ રખાશે

- text


એક મહિના માટે 10 ઓગસ્ટથી ફેકટરી બંધ અને 15 ઓગસ્ટથી ડિસ્પેચ પણ બંધ : મોરબી સીરામીક એસો.ના વીટ્રીફાઇડ, વોલ, ફ્લોર અને સેનેટરી વિભાગની જનરલ મીટીંગમાં લેવાયેલો નિર્ણય

મોરબી : વૈશ્વિક સ્તરે ચાઈનાના હંફાવનાર અને દેશમાં 90 ટકા જેટલી સીરામીક ટાઇલ્સનું ઉત્પાદન કરતા મોરબી સીરામીક ઉધોગે માર્કેટમાં મંદી અને અન્ય કારણોસર પ્રથમ વખત એક મહિનાનું વેકેશન રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે. જેમાં 10 ઓગસ્ટથી વીટ્રીફાઇડ, વોલ, ફ્લોર અને સેનેટરીની અંદાજીત 800 જેટલી ફેકટરીઓ 10 ઓગસ્ટથી એક મહિનો બંધ રહેશે. સીરામીક યુનિટ બંધની સાથે 15 ઓગસ્ટથી એક મહિનો ડિસ્પેચ (લોડીંગ) પણ બંધ રખાશે.

મોરબી સીરામીક એસોસિએશનની ચાર પાંખમાં વીટ્રીફાઇડ ટાઇલ્સ એસો.ના પ્રમુખ એમ.આર.કુડારિયા, ફ્લોર ટાઇલ્સ એસોસિએશનના પ્રમુખ વિનોદ ભાડજા, વોલ ટાઇલ્સ એસોસિએશનના પ્રમુખ હરેશ બોપલીયા, સેનેટરીવેર એસોસિએશનના પ્રમુખ કિરીટભાઈના નેતૃત્વમાં આ ચારેય ટાઇલ્સ વિભાગોના ઉધોગકારોની મહત્વની બેઠક તાજેતરમાં યોજાઈ હતી. જેમાં હાલની સોરમીક ઉધોગની પરિસ્થિતિમાં સ્ટોક કિલિયરન્સ અને વેપારમાં લિકીવડીટી બેલેન્સ કરવા માટે મોરબીના વીટ્રીફાઇડ, વોલ, ફ્લોર અને સેનેટરીની અંદાજીત 800 જેટલી ફેકટરીઓ 10 ઓગસ્ટથી એક મહિનો સુધી બંધ રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જો કે 10 ઓગસ્ટ આ તમામ ફેકટરીઓમાં પ્રોડક્શન બંધ થયા બાદ ત.15થી એક મહિનો સુધી ડિસ્પેચ (લોડીંગ) પણ બંધ રખાશે.

- text

મીટીંગમાં હવેથી દર વર્ષે સીરામીક ઉધોગમાં એક મહિનો ફરજિયાત વેકેશન રાખવાનો નિર્ણય પણ જાહેર કર્યો છે. હકીકતમાં હાલ મોરબીના સીરામીક ઉધોગની દશા કફોડી છે. એક્સપોર્ટ અને ડોમેસ્ટિક ડીમાંડ સાવ તળિયે પહોંચી ગઈ છે. પરિણામે 24 કલાક ઉત્પાદન ધરાવતા આ ઉધોગમાં માલનો સ્ટોક ખૂબ જ વધી ગયો છે. મોટાભાગના કારખાનાના ગોડાઉન ફૂલ થઈ ગયા છે. આ ઉધોગ છેલ્લા એકાદ વર્ષથી ગેસના ભાવથી ખૂબ જ મુશ્કેલીમાં હતો. હવે ડિમાન્ડ ઘટી જવાથી શટડાઉનનો નિર્ણય લેવાયો છે. જેની અસર સિરામિક સાથે જોડાયેલા હજારો મજૂરોને પણ થશે.

- text