માળિયા તાલુકાના ખાખરેચી ગામે સાર્વજનિક હાઈસ્કૂલમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી

- text


ગુરુગાદી પૂજન, વક્તૃત્વ સ્પર્ધા, વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાયા 

માળીયા(મી.): માળીયા તાલુકાના ખાખરેચી ગામે સાર્વજનિક હાઈસ્કૂલમાં ગુરુપૂર્ણિમા ઉજવણી કરવામાં આવી હતી. આ પર્વે ગુરુગાદી પૂજન, વકૃત્વ સ્પર્ધા તેમજ વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાયા હતા.

આજના પવિત્ર દિવસે ભારતીય સંસ્કૃતિની પરંપરા અને વિદ્યાર્થીઓમાં સંસ્કારનું સિંચન થાય તે માટે શાળાના આચાર્ય, તમામ સ્ટાફગણ અને વિદ્યાર્થીઓએ પ્રતીક સ્વરૂપની ગુરુગાદીનું પૂજન પુષ્પો અર્પણ કરી ગુરુવંદના કરી હતી. શાળાના આચાર્ય તથા તમામ સ્ટાફગણે ગુરુ શિષ્યના ઉત્તમ ઉદાહરણો, આપણા જીવનમાં ગુરુનું મહત્વ જેવા પ્રસંગોનું વર્ણન કરીને ગુરુનો મહિમા સમજાવ્યો હતો.

તેમજ ગુરુપૂર્ણિમા નિમિત્તે આપણા જીવનના ઘડતરમાં ગુરુનું મહત્વ એ વિષય પર વકૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધામાં 16 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈને ગુરુ વિશેના પોતાના વિચારો રજૂ કર્યા હતા.

આ કાર્યક્રમની સાથે સાથે પર્યાવરણ પ્રત્યેની જાગૃતતા માટે છોડમાં રણછોડ એ પંક્તિને સાર્થક કરીને શાળાના સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ દ્વારા શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ વૃક્ષોનું મહત્વ અને જતન સમજે એ માટે 100 જેટલા વૃક્ષો વિદ્યાર્થીઓને ઘરે રોપવા માટે આપવામાં આવ્યા હતા. આમ સાર્વજનિક હાઈસ્કૂલ ખાખરેચીમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુગાદી પૂજન, વકતૃત્વ સ્પર્ધા અને વૃક્ષારોપણ જેવા ત્રિવિધ કાર્યક્રમ કરીને ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

- text

- text