હાલ સ્થિતિ કંટ્રોલમાં, ભારે વરસાદના પગલે જરૂર પડે તો સ્થળાંતર માટે 225 આશ્રયસ્થાનો નક્કી કરાયા : કલેકટર

- text


એસડીઆરએફની ટીમ પણ સ્ટેન્ડ બાય : મચ્છુ-3 ડેમ 85 ટકા ભરાયો હોય ગમે ત્યારે પાટિયા ખુલવા પડે એમ હોય મોરબી, માળિયાના 20 ગામોને એલર્ટ કરાયા

મોરબી : મોરબી જિલ્લામાં ગતરાત્રિથી ભારે વરસાદ પડી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા હજુ પણ મોરબી જિલ્લામાં વધુ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે આ ભારે વરસાદની આગાહી વચ્ચે જિલ્લા વહીવટી તંત્રની રાહત અને બચાવની આગોતરી તૈયારી અંગે જિલ્લા કલેકટરે મોરબી અપડેટને જણાવ્યું હતું કે હાલ પરિસ્થિતિ નિયત્રણ હેઠળ છે અને ભારે વરસાદના પગલે પુર જેવી પરિસ્થિતિ સર્જાઈ તો તેના માટે તંત્ર સાબદુ હોવાનું જણાવ્યું હતું.

જિલ્લા કલેકટર જે.બી.પટેલે મોરબી અપડેટને જણાવ્યું હતું કે, આજે મંગળવારે બપોર સુધીમાં મોરબીમાં બે ઈંચ જેવો વરસાદ પડી ગયો છે. હજુ બે દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. સતત વરસાદથી ભરતનગર, આમરણ સાઈડ અને મોટી વાવડી સહિતના ગામોના રસ્તા બંધ થઈ ગયા છે. હાલ એ રસ્તા ચાલુ કરવાના પ્રયાસો ચાલુ છે. જ્યારે મોરબીનો મચ્છુ-3 ડેમ 85 ટકા ભરાઈ ગયો છે અને 1700 ક્યુસેક પાણીની હાલ આવક છે ત્યારે આ ડેમના પાટિયા ગમે ત્યારે ખોલવા પડે એમ હોય હેઠવાસના મોરબી માળીયાના 20 ગામોને એલર્ટ કરાયા છે.

- text

કલેકટરે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ મોરબી જિલ્લામાં એકેય જગ્યાએ ગંભીર પરિસ્થિતિ કે પુર જેવી સ્થિતિ નથી. એટલે પરિસ્થિતિ અંન્ડર કંટ્રોલ છે. જોકે માળીયામાં પુરની વધુ ગભીર પરિસ્થિતિ સર્જાતી હોવાથી ત્યાંના હેઠવાસના લોકોને જરૂરી સૂચના અને ત્યાં પણ તંત્રને એલર્ટ મોડ ઉપર રાખવામાં આવ્યું છે. જો કે શહેરમાં ઠેરઠેર પાણી ભરાવાની ફરિયાદ વિશે તેમણે કહ્યું હતું કે, એના માટે અમારી ટીમ કામ કરી રહી છે. નગર પાલિકાને પણ એલર્ટ રેહવા અને પાણી નિકાલ માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

મોરબી જિલ્લામાં હાલ સ્થળાંતરની કોઈ જરૂર નથી. પણ ભારે વરસાદના પગલે એની જરૂર પડે તો સ્થળાંતરીત લોકો માટે જિલ્લામાં સ્થાનાંતર માટેના 225 આશ્રય સ્થાનો નક્કી કરાયા છે અને સરકારે ફાળવેલી એસડીઆરએફની ટીમ પણ મોરબીમાં સ્ટેન્ડ બાય છે.

- text