ઘોર બેદરકારી : રેલિંગ વગરના પુલ ઉપરથી ટ્રક નદીમાં ખાબક્યો

- text


ટંકારા – ઘ્રોલ હાઇવે ઉપર બનેલી ઘટના : પુલ ઉપર રેલિંગ જ ન હોવાથી વારંવાર વાહનો નીચે ખાબકતા લોકોમાં રોષ

મોરબી : ટંકારા – ધ્રોલ હાઇવે ઉપર લતીપર નજીક આવેલા રેલિંગ વગરના પુલ ઉપર ગતરાત્રે એક ભારેખમ ટ્રક નીચે નદીમાં ખાબક્યો હતો. જો કે આ પુલ ઉપર બન્ને બાજુએ સલામતીની રેલિંગ જ ન હોવાથી લોકો દ્વારા અવાર-નવાર બનતા અકસ્માતના બનાવ રોકવા રેલિંગ નાખવા રજુઆત કરવામાં આવી છતાં તંત્રએ પગલાં ન ભરતા આવા અકસ્માત રોજિંદા બન્યા છે. જો કે, ગઈકાલે સર્જાયેલ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા અને લતીપર વચ્ચે આવેલા પુલ ઉપર બંને સાઈડ તરફ વાહન ચાલકોની સલામતી માટે ઘણા સમયથી રેલિંગ જ નથી. પુલ ઉપર રેલિંગ ન હોવાથી અહીંથી અનેક વાહનો નીચે નદીમાં પડે છે. બે દિવસ પહેલા જ એક રીક્ષા પુલ ઉપરથી નીચે નદીમાં ખાબકી હતી. ત્યારે ગતરાત્રે આ પુલ ઉપર પસાર થઈ રહેલા ટ્રકના ચાલકે કોઈ કારણોસર કાબુ ગુમાવતા ટ્રક પુલ ઉપરથી નીચે નદીમાં ખાબક્યો હતો.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે લતીપર પાસેનો આ પુલ રેલિંગના અભાવે જોખમી બની ગયો છે.ખાસ તો રાત્રે પસાર થતી વખતે પુલ નીચે પડી જવાની પૂરેપૂરી શકયતા રહે છે. આ બાબતે અનેક રજુઆત કરવામાં આવી હતી તેમ છતાં કોઈ પગલાં લેવાયા નથી. ત્યારે વધુ એક ઘટના બનતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને લોકોએ સંબધિત તંત્ર સમક્ષ આ પુલ ઉપર તાત્કાલિક ધોરણે રેલિંગ મુકવાની માંગ કરી છે.

- text