ટ્રાફિક પ્રશ્નના ઉકેલ અને માર્ગ અકસ્માતો ઘટાડવા ખાસ એક્શન પ્લાન બનાવાશે : નવનિયુક્ત SP રાહુલ ત્રિપાઠી

- text


“પોલીસ પ્રજાનો મિત્ર છે”એ સૂત્રને સાર્થક કરાશે : મોરબી અપડેટ સાથે વિવિધ મુદ્દે નવા એસ.પી. રાહુલ ત્રિપાઠીની ખાસ વાતચીત

મોરબી : મોરબીના નવનિયુક્ત જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી સાથે ‘મોરબી અપડેટ’એ આજે ખાસ મુલાકાત લીધી છે. ત્યારે વર્ષ 2013ની કેડરના આઇ.પી.એસ. ઓફિસર રાહુલ ત્રિપાઠીએ જિલ્લાના વિવિધ મુદ્દાઓ અને પ્રશ્નો અંગે વિગતવાર જવાબ આપી મોરબીવાસીઓ માટે તેઓ ખરાં દિલથી કાર્યરત હોવાની પ્રતીતિ કરાવી છે. સાથો-સાથ છેલ્લા એક માસના કાર્યકાળ દરમિયાન જિલ્લામાં ફેટલ અકસ્માતોના બનાવો વધુ પ્રમાણમાં બનતા હોય માર્ગ અને મકાન વિભાગ, નેશનલ હાઇવે ઓથોરિટી અને પોલીસ વિભાગ સાથે મળીને અકસ્માતો નિવારવા એક્શન પ્લાન ઘડી કાઢનાર હોવાનું ઉમેર્યું છે.

વર્ષ 2013ની બેચના ગુજરાત કેડરના IPS ઓફિસર રાહુલ ત્રિપાઠીએ જામનગર શહેરમાં ASP તરીકે કારકિર્દી શરુ કર્યા બાદ પ્રમોશન મેળવી અમદાવાદ શહેરમાં DCP તરીકે અને બાદમાં ગીર સોમનાથમાં SP તરીકે ફરજ નિભાવ્યા બાદ મોરબીમાં જિલ્લા પોલીસવડા તરીકે નિમણુંક થતા છેલ્લા એક મહિનાથી તેઓ મોરબીની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિથી વાકેફ બન્યા છે. ખાસ કરીને જિલ્લામાં અકસ્માતના બનાવો અટકાવવાની જરૂર હોવાની વાત ઉપર ભાર મૂકતા તેઓ ઉમેરે છે કે, શહેરની વસ્તીના પ્રમાણમાં અકસ્માતનો દર ઘણો વધુ છે. વિશેષમાં, ફેટલ એક્સિડન્ટ રોકવાની બાબતને પ્રાયોરિટી આપવા માર્ગ અને મકાન વિભાગ, નેશનલ હાઇવે ટીમ અને પોલીસ પ્રશાસન એમ ત્રણેય વિભાગ સાથે મળી પ્લાન કરવામાં આવશે. જેની ટૂંક સમયમાં અમલવારી કરવામાં આવશે.

મોરબીમાં ટ્રાફિકની સમસ્યા રોજિંદી બની છે ત્યારે જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીએ ટ્રાફિકના પ્રશ્ન અંગે અધિકારીઓ સાથે ચર્ચા થઇ હોવાનું અને કલેક્ટર કચેરી તથા RTO (રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ) સાથે બેઠક કરી પ્રશ્નના ઉકેલ માટે ત્રણ-ચાર મુદ્દાઓ અમલમાં મુકવાની વિચારણા હોવાનું જણાવ્યું છે. જેમાં પ્રથમ તો મોરબીના કેટલાક વિસ્તારોને ‘નો-વ્હિકલ ઝોન’ જાહેર કરવા, કેટલાક વિસ્તારોમાં ફરીથી વનવે તરીકે જાહેર કરી જે વિસ્તારમાં પાર્કિંગની વ્યવસ્થા નથી, તેવા વિસ્તારોને અલાયદા ઓળખી કાઢી લોકોમાં વ્યવસ્થિત ટ્રાફિક સેન્સ કેળવાઈ તેવા પગલાં ભરવામાં આવશે.

મોરબીના સીરામીક ઉદ્યોગને લઈ જિલ્લા પોલીસવડાએ ઉમેર્યું છે કે, સીરામીક ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતા શ્રમજીવીઓની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પોલીસ વિભાગને પ્રોપર ડેટાબેઝ ઉપલબ્ધ થયે એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવશે. જેથી, કોઈપણ શ્રમિક ગુન્હાખોરીમાં સંડોવાયેલ છે કે કેમ, તે અંગેની માહિતી સરળતાથી મળી જશે. ઉપરાંત, શ્રમિકોના નાના-મોટા પ્રશ્નોને લઈને પણ આગામી દિવસોમાં લેબર ડિપાર્ટમેન્ટની ટીમને સાથે રાખી ફેક્ટરીઓમાં વિઝીટ કરવામાં આવશે. અને ત્યાં જ તાકીદે પ્રશ્નો હલ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

- text

ખાસ કરીને જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીએ હાલમાં સોશિયલ મીડિયાના દુરુપયોગને લઈ જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ વિભાગના સોશિયલ મીડિયાના ઓફિશિયલ હેન્ડલ પરથી આ બાબતે અવારનવાર ચેતવણી આપવામાં આવતી હોય છે. યુવાનોએ સોશિયલ મીડિયાનો દુરપયોગ કરવાનું ટાળવું જોઈએ. કારણ કે આવી ગુનાખોરીઓને લઈને પણ વોચ રાખવામાં આવતી હોય છે. સ્ટેટ લેવલે પણ મોનીટરીંગ ચાલતું હોય છે. આથી, કોઈ અસામાજિક પોસ્ટ કે મેસેજ ધ્યાનમાં આવશે તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

ઉપરાંત, સોશિયલ મીડિયામાં મહિલાઓની ખુબ જ સતામણી થતી હોવાના કિસ્સાઓ વધ્યા છે ત્યારે જો કોઈ સોશિયલ મીડિયા પર હેરાનગતિનો ભોગ બન્યા હોય, પર્સનલી કે ફાઇનાન્શીયલી ચીટિંગ થયું હોય, તો એના માટે અલગથી સાયબર સેલ કાર્યરત છે. કોઈપણ બાબત જાહેરમાં કહેવામાં બદનામીની કે અન્ય બીક લાગતી હોય તો સાયબર યુનિટના અધિકારીઓ કે ખુદ જિલ્લા પોલીસવડાને રૂબરૂ ફરિયાદ કરવા શહેર અને જિલ્લાના લોકોને આગળ આવવા આહવાન કરી આવી તમામ બાબતો ગુપ્ત રાખવાની સાથે તત્કાલ પગલાં ભરવાની તેમને ખાતરી આપી છે.

મોરબીની પ્રજા માટે જિલ્લા પોલીસવડા ત્રિપાઠીએ ખાસ સંદેશો પાઠવી તમામ નાગરિકોને ટ્રાફિક નિયમન અંગે જાગૃતિ કેળવી અકસ્માતનું જોખમ ટાળવા અનુરોધ કરી સીટ બેલ્ટ બાંધવાની આદત કેળવી, રોંગ સાઈડ ટર્ન લેવા ટાળી, રોંગ સાઈડ વાહનો ન ચલાવી, બાઈક કે સ્કૂટી પર નજીકના અંતરે જતા હોય તો પણ હેલ્મેટ પહેરવાની ટેવ કેળવવા જેવી નાની-નાની બાબતો પોતાના જીવની સલામતી અને અન્ય રાહદારીઓ અને વાહનચાલકોની સુરક્ષા માટે ધ્યાનમાં રાખવી જોઈએ તેમ જણાવ્યું છે.

મોરબીમાં વિવિધ સ્થળે લોકભાગીદારીથી CCTV કેમેરા મુકવામાં આવ્યા છે. જેમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત મુકવામાં આવેલા મોટાભાગના CCTV કેમેરા સુચારુ રીતે ચાલે છે. જયારે અમુક CCTV કેમેરા બંધ છે, જે ચાલુ કરાવવા સંદર્ભે અગાઉ લોકલ લેવલે મિટિંગ લેવાય ગઈ છે. આગામી દિવસોમાં પણ બેઠક બોલાવવામાં આવશે. તેમજ દુકાનદારોના CCTV કેમેરાની મદદથી ગુના ઉકેલવામાં સહાય મળતી હોય છે. જેથી, દુકાનદારો CCTV કેમેરા લગાવે અને તે ચાલુ રાખે તેવો અનુરોધ કરી હોટલ સંચાલકોને દરેક પ્રવાસીઓના આઈ.ડી. ચેક કરવામાં આવે, નામા-સરનામાં સહિતની જરૂરી વિગતોની નોંધણી કરવામાં આવે તેવું ભારપૂર્વક જણાવ્યું છે.

ઇન્ટરવ્યૂના અંતમાં નવનિયુક્ત જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીએ ‘પોલીસ પ્રજાનો મિત્ર છે’ આ કહેવત સાર્થક કરવામાં આવશે, તેવી મોરબીવાસીઓને વિશ્વાસ સાથે ખાતરી આપી છે. તેમજ પોલીસ વિભાગના સૂત્ર ‘સેવા, સુરક્ષા અને શાંતિ’ને અનુસરી મોરબી પોલીસ પ્રજા માટે સતત ખડેપગે છે, તેવી હૈયાધારણા સાથે જનતા પણ ગુના ઉકેલવામાં પોલીસને સહાયરૂપ બને તેવો અનુરોધ કર્યો છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

- text