મોરબી-માળીયા હાઈવે પર સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 108ની ટીમોની ઉત્કૃષ્ટ કામગીરી

- text


મોરબીઃ ગઈકાલે તારીખ 8 મેના રોજ મોરબી-માળીયા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કારનું ટાયર ફાટતાં કાર ડિવાઈડર કુદીને સામેથી આવતા વાહનો સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા અને અંદાજે 11 લોકોને ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ મોરબી જિલ્લાની વિવિધ સેન્ટરોની 108ની ટીમ તાત્કાલિક દોડતી થઈ હતી અને ઈજાગ્રસ્તોને સમયસર સારવાર પહોંચાડી હતી.

અકસ્માતની ઘટનાની સૌપ્રથમ જાણ મહેન્દ્રનગર અને જેતપર મચ્છુની 108ની ટીમને થઈ હતી જેથી બન્ને ટીમોને ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. ત્યારબાદ ઘટના ગંભીર હોવાથી માળીયા અને મોરબી શહેરની એક-એક એમ્બ્યુલન્સને ઘટના સ્થળે રવાના કરાઈ હતી. તમામ 108ની ટીમ દ્વારા ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે લઈ જવામાં આવ્યા હતા અને સમયસર સારવાર આપવામાં આવી હતી.

- text

આ કામગીરીમાં મહેન્દ્રનગર 108 એમ્બ્યુલન્સના ઈએમટી શૈલેષભાઈ તથા પાયલોટ હનીફભાઈએ કામગીરી બજાવી હતી. જેતપર મચ્છુ ઈએમટીના સુનિલભાઈ અને પાયલોટ ધર્મેન્દ્રભાઈએ સેવા બજાવી હતી. જ્યારે માળીયા 108ના ઈએમટી દિપેશભાઈ તથા પાયલોટ દાઉદભાઈ અને મોરબી સિવિલ હોસ્પિટલના 108ના ઈએમટી આશિષભાઈ તથા પાયલોટ જીતુભાઈએ ઉત્કૃષ્ટ કામગીરી બજાવીને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે પહોંચાડ્યા હતા. આ ઉપરાંત 108ના જિલ્લા સુપરવાઈઝર નિખિલભાઈ સિવિલ હોસ્પિટલ ખાતે હાજર થઈ ગયા હતા.

- text