મોરબીમાં શુક્રવારે પેન્શન યોજના અને પડતર પ્રશ્નોને લઈને શિક્ષકોના ધરણા

- text


સમગ્ર ગુજરાતમાં 50 હજારથી વધુ શિક્ષકો ધરણામાં જોડાશે

મોરબી : ગુજરાત રાજ્યમાં નવી પેન્શન યોજનાને સ્થાને જૂની પેન્શન યોજના તથા અન્ય પડતર પ્રશ્ન અંગે શુક્રવારના રોજ રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા કરવામાં આવશે.જેમાં 50 હજારથી વધુ શિક્ષક કર્મચારીઓ જોડાશે.રાષ્ટ્રીય સંયુક્ત મોરચો લાંબા સમયથી નવી પેન્શન યોજના બંધ કરી જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા બાબતે રાજ્ય સરકાર સમક્ષ અનેક વખત રજુઆત કરી ચુક્યા છે.આમ છતાં કોઈ પ્રતિસાદ ન મળતા શુક્રવારે ધરણા કરશે.

રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના સંયોજક ભીખાભાઇ પટેલના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય સંયુક્ત મોરચો ગુજરાત રાજ્યમાં નવી પેન્શન યોજનાને સ્થાને જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા, નગર તથા મહાનગરપાલિકાના શિક્ષકો માટે 4200 ગ્રેડ પે, HTAT ઓ.પી. થયેલા મુખ્ય શિક્ષકોના પ્રશ્ન,સરકારી તથા ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક તથા આચાર્ય સંવર્ગના પાંચ વર્ષની સળંગ નોકરી ,ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બદલીનો લાભ આપવા,માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પગાર પંચના બાકી ત્રણ હપ્તા, કેન્દ્રના ધોરણે જાન્યુઆરી 2022થી ત્રણ ટકા મોંધવારી તથા કેન્દ્રના ધોરણે સાતમા પગારપંચ મુજબ ઘરભાડુ, અન્ય ભથ્થા જાહેર કરવા આગામી તા.6ને શુક્રવારના રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે બપોરે 3 થી 6 કલાકે સમગ્ર ગુજરાતના શિક્ષક કર્મચારીઓ સંયુક્ત રીતે 50,000 થી વધુ સંખ્યામાં ધરણા કરશે.

રાષ્ટ્રીય સંયુક્ત મોરચામાં જોડાયેલ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના સરકારી તથા ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, આચાર્ય સંવર્ગ, ઉચ્ચ શિક્ષા સંવર્ગ (અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ) ભારતીય મજદૂર સંઘ ગુજરાત, જી.ઈ.બી ઍમ્પ્લોયર્સ વેલફેર એસોસિએશન ગુજરાત, સ્ટેટ ટ્રાવેલ્સ ગુજરાત (ભારતીય મજદૂર સંઘ), ગુજરાત રાજ્ય સિનિયર સિટીઝન્સ એન્ડ પૅન્શનર્સ એસોસિએશન (ભારતીય મજદૂર સંઘ) તથા અન્ય સંગઠનો જોડાશે.

આ અગાઉ ગત તા.8મી એપ્રિલના રોજ ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં જિલ્લા મથકે રેલી, ધરણા તથા આવેદનપત્ર આપવાનો પ્રથમ તબક્કાનો આંદોલનાત્મક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમગ્ર ગુજરાતમાંથી એક લાખથી વધુ શિક્ષક કર્મચારીઓ જોડાયા હતા. મુખ્યમંત્રીને સંબોધીને લખેલ પત્રમાં 1લી મે ગુજરાત સ્થાપના દિવસે કર્મચારી હિતમાં નવી પેન્શન યોજના રદ કરી જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા વિનંતી કરવામાં આવી હતી. સરકારદ્વારા આ અંગે યોગ્ય પ્રતિસાદ ન મળતાં આ ધરણા યોજાશે. રાષ્ટ્રીય સંયુક્ત મોરચો લાંબા સમયથી નવી પેન્શન યોજના બંધ કરી જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા બાબતે રાજ્ય સરકાર સમક્ષ અનેક વખત રજુઆત કરી ચુક્યા છે.

બંધારણની સાતમી અનુસૂચિ હેઠળ રાજ્યના વિષયોમાં 42મા સ્થાને- રાજ્ય દ્વારા ચૂકવવામાં આવતા પેન્શન અથવા એકીકૃત ભંડોળમાંથી ચૂકવવામાં આવતા પેન્શનએ રાજ્ય સરકારનો વિષય છે, તેવો ઉલ્લેખ કરાયો છે. કેન્દ્ર સરકાર આમાં હસ્તક્ષેપ કરી શકે નહીં.આથી તા.22 ડિસેમ્બર 2003ના રોજ જારી કરાયેલ નવી પેન્શન યોજનાના કેન્દ્ર સરકારના ઠરાવમાં રાજ્ય સરકાર દ્વારા નવી પેન્શન યોજના ફરજિયાત પણે સ્વીકારવા જણાવ્યું નથી. આ વ્યવસ્થાને વૈકલ્પિક રાખવામાં આવી છે. જૂની પેન્શન યોજનાની સામે નવી પેન્શન યોજનામાં કર્મચારીઓને નજીવું પેન્શન મળે છે તે નિર્વિવાદ બાબત છે. નિવૃત્તિ બાદ પેન્શનની નજીવી રકમમાં જીવનનિર્વાહ થઈ શકે તેમ નથી.

ભારતભરમાં વિવિધ રાજ્યમાં જૂની પેન્શન યોજના લાગુ છે તથા ઘણા રાજ્ય કર્મચારી હિતમાં નવી પેન્શન યોજના દૂર કરી જૂની પેન્શન યોજનાનો પુનઃ અમલ કરી રહ્યા છે. ગુજરાત કરતાં રાજસ્થાન, છત્તીસગઢ નાણાંકીય રીતે ઓછા સમૃદ્ધ હોવા છતાં, રાજ્ય સરકાર દ્વારા જૂની પેન્શન યોજનાને પુનઃ લાગુ કરવામાં આવી છે.

- text

રાષ્ટ્રીય સંયુક્ત મોરચા ગુજરાત દ્વારા યોજિત તા.6ને શુક્રવારના રોજ ધરણાંને સફળ બનાવવા પ્રાંત સંગઠન,જિલ્લા એકમ,તાલુકા એકમ, મંડળ એકમ તથા જૂથ શાળાઓ સુધી ઑનલાઇન-ઑફલાઇન બેઠકો કરી સંપર્ક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અન્વયે મોટી સંખ્યામાં શિક્ષક કર્મચારીઓ આ ધરણામાં જોડાશે. લાંબા સમયથી કરવામાં આવેલ આ માંગણીઓ ન સ્વીકારાતાં કર્મચારીઓના પરિવારમાં પણ આક્રોશની લાગણી છે.

ગુજરાતના વિકાસમાં કર્મચારીઓનો વિશેષ ફાળો રહ્યો છે. સંગઠનને આશા છે કે ગુજરાતની લોકપ્રિય સરકાર કર્મઠ કર્મચારીઓના કામની કદર કરી નિવૃત્ત થયેલ તથા નિવૃત્ત થતા કર્મચારીઓના જીવનમાં સુરક્ષા લાવવા માટે યોગ્ય નિર્ણય કરશે. આમ છતા સરકાર દ્વારા શિક્ષક તથા સમાજ હિતમાં જૂની પેન્શન યોજના લાગુ નહીં કરવામાં આવે તો રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા વધુ જલદ આંદોલનાત્મક કાર્યક્રમ આપવા રણનીતિ ઘડવામાં આવશે.

- text