પ્રેમની સજા મોત ! પ્રેમ સંબંધની જાણ થતા યુવતીની માતા-મામાએ યુવાનને મોતને ઘાટ ઉતારી નાખ્યો

- text


181માં ડ્રાઇવર તરીકે નોકરી કરતા યુવાન સાથે મોટર સાયકલ ભટકાડી અપહરણ કરાયું : અપહરણ બાદ વાડીએ લઈ જઈ ઢોર માર મારતા સારવારમાં યુવાને દમ તોડ્યો
મહેન્દ્રનગર નજીક બનેલા બનાવમાં યુવતીના માતા અને બે મામાઓ વિરુદ્ધ આકરી કલમો મુજબ ગુન્હો દાખલ

મોરબી : મોરબી શહેરમાં અભયમ 181માં ડ્રાઇવર તરીકે નોકરી કરતા યુવાનને યુવતી સાથે પ્રેમ સંબંધની યુવતીના પરિવારને જાણ થઈ જતા યુવાનના મોટર સાયકલ સાથે મોટર સાયકલ અથડાવી યુવતીના બે મામા અને માતાએ અપહરણ કરી ઢોર માર મારતા યુવાનનું કમકમાટીભર્યું મૃત્યુ નિપજતા ચકચાર મચી જવા પામી છે. હાલમાં યુવાનની માતાની ફરિયાદને આધારે સીટી બી-ડિવિઝન પોલીસે મહિલા સહિત ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંઘી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ ચકચારી બનાવની જાણવાં મળતી વિગતો મુજબ મોરબીમાં મહેન્દ્રનગર વિસ્તારમાં શીતળા માતાજીના મંદિર પાસે રહેતા અને અભયમ 181માં નોકરી કરતા ભરતભાઈ કરશનદાસ કુબાવતના પુત્ર મિતેષ કુબાવત પણ 181 માં નોકરી કરતો હોય ગઈકાલે નોકરી પૂર્ણ કરી પોતાના કૌટુંબિક ભત્રીજા સાથે બુલેટ મોટર સાયકલ લઈને ઘર બહાર નીકળતા મિલન કટલેરી નજીક મોટર સાયકલ ઉપર ધસી આવેલા પરેશ બાલુભાઈ વિડજા નામના શખ્સે પોતાનું મોટર સાયકલ મિતેષ કુબાવતના બુલેટ સાથે જાણી જોઈને અથડાવી અકસ્માત સર્જતાં મિતેષ પટકાઈ ગયો હતો અને પળવારમાં જ એક આઈ-10 કાર આવી હતી જેમાં બેઠેલા ધર્મેશ બાલુભાઈ વિડજા ધોકો લઈને ઉતર્યો હતો અને બન્ને એ મિતેશને ઢોર મારમારી કારમાં અપહરણ કર્યું હોવાનું મિતેષના પરિવારજનોને તેમના કૌટુંબિક ભત્રીજાએ જણાવ્યું હતું.

- text

બીજી તરફ આ બનાવની જાણ મિતેષના પરિવારજનોને થતા તેમને તુરત જ મિતેષની શોધખોળ શરૂ કરી હતી પરંતુ મિતેષનો પત્તો લાગ્યો ન હતો. દરમિયાન સાંજના સમયે મિતેષના પરિવારને કોઈ ચંદુભાઈ પટેલે ફોન કરીને જણાવ્યું હતું કે તમારો પુત્ર મહેન્દ્રનગર નજીક આવેલા સીએનજી પમ્પ પાસે ઈજાગ્રસ્ત હાલતમાં પડ્યો છે. જેથી કુબાવત પરિવાર તુરત જ ઉપરોક્ત સ્થળે પહોંચી જતા મિતેષે .પરિવારના લોકોને પોતાની સાથે ઘટેલ ઘટના વર્ણવી કહ્યું હતું કે તેને હેત્વી નામની છોકરી સાથે પ્રેમ હોય આ પ્રેમ સંબંધની જાણ તેના પરિવારજનોને થઈ જતા હેત્વીની માતા અને બન્ને મામાઓએ ઘટનાને અંજામ આપી અપહરણ કરી માર મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાનું મિતેષે જણાવતા તેના પરિવારે પ્રથમ મોરબીની આયુષ હોસ્પિટલ બાદ રાજકોટ ગિરિરાજ હોસ્પિટલ ખાતે મિતેષને ખસેડતા મિતેષનુ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

આ ચકચારી બનાવની જાણ થતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ હોસ્પિટલે દોડી ગઈ હતી અને મિતેષના માતા ગીતાબેન ભરતભાઈ કુબાવતની ફરિયાદને આધારે મિતેષના બુલેટ સાથે અકસ્માત સર્જી બાદમાં આઈ-10 ગાડીમાં અપહરણ કરી મરણતોલ માર મારવા સબબ યુવતીની માતા મીનાબેન બાલુબાઈ વિડજા, મામા પરેશ બાલુભાઈ વિડજા અને ધર્મેશ બાલુભાઈ વિડજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ 323,325,365,302, 114 અને જીપી એક્ટની કલમ 135 મુજબ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text