મોરબી પાલિકા સંચાલીત નંદીઘરમાં પાણીના અભાવે ગૌવંશના ટપોટપ મોત

- text


મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર નંદીઘર સંચાલનમાં નિષ્ફ્ળ ; ગૌવંશ નિભાવ માટે ગોડાઉન તૈયાર ન થતા ચોમાસામાં નિભાવ મુશ્કેલ

મોરબી : મોરબી શહેરમાં રસ્તે રઝળતા ગૌવંશને ઢોર ડબ્બે પુરવા અગાઉના ચીફ ઓફિસરે દૂરંદેશી ભર્યો નિર્ણય કરી અહીંના પંચાસર રોડ ઉપર સુવિધાયુક્ત નંદીઘર નિર્માણ કર્યા બાદ નવનિયુક્ત ચીફ ઓફિસર દ્વારા આ બાબતે દરકાર ન લેવાતા હાલમાં દરરોજ ત્રણથી ચાર નંદી પાણીના અભાવે તરફડીને મૃત્યુ પામતા હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે.

મોરબી શહેરના નાગરીકોને રસ્તે રઝળતા પશુઓના ત્રાસમાંથી મુક્તિ અપાવવા તત્કાલીન ચીફ ઓફિસર દ્વારા ઢોર પકડ ઝુંબેશ શરૂ કરીએ અહીંના પંચાસર રોડ ઉપર વિશાળ જગ્યામાં નિર્માણ કરાયેલ નંદીઘરમાં પૂરતો ઘાસચારો અને પાણીની વ્યવસ્થા કરી ગૌવંશને રાખવા આયોજન કરાયું હતું. પરંતુ નવા ચીફ ઓફિસર આવતા જ ગૌવંશ પ્રત્યે દરકાર લેવાનું બંધ કરી દેવાતા હાલમાં નંદીઘરમાં ભગવાન શિવનું વાહન એવા નંદી તરસે મરી રહ્યા છે.હાલમાં પાલિકા સંચાલિત આ નંદીઘરમાં 2200 નંદી આશ્રય લઇ રહ્યા છે.

- text

વધુમાં મોરબી પાલિકા સંચાલિત નંદીઘરમાં છેલ્લા ઘણા સમયથી પાણીની કટોકટી સર્જાવાની સાથે અહીં રાખવામાં આવતા નંદીઓ માટે ધોમધખતા તાપમાં છાંયડા માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી બપોરના સમયે નંદીઓ માટે ખુબ જ કાળઝાળ સાબિત થઈ રહ્યો છે. હાલમાં દરરોજના 8થી 10 ટેન્કરને બદલે માત્ર ત્રણથી ચાર ટેન્કર પાણી આવી રહ્યું હોય રાત્રીના સમયે ગૌવંશને તરસ લાગે તો પણ સવાર સુધી તરસ્યું રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

આ સંજોગોમાં મોરબીમાં નવા ચીફ ઓફિસરના રાજમાં પ્રજાની સાથે સાથે અબોલ જીવોને પણ કાળઝાળ ગરમીમાં તરસ્યું રહેવાનો સમય આવતા મોરબી પાલિકામાં ચૂંટાયેલા ગૌપ્રેમી ભાજપના બહુમત સભ્યોની શાખ દાવ પર લાગી છે.

- text