દીકરો – દીકરી એક સમાન : મોરબી જિલ્લામાં દીકરીઓના જન્મદરમાં વધારો

- text


વર્ષ 2019-20 અને વર્ષ 2020-21માં જિલ્લાના તમામ તાલુકામાં સ્ત્રી જન્મદરમાં વૃદ્ધિ : ટંકારા અને માળીયા તાલુકો મોખરે

મોરબી : બેટી બચાવો, બેટી પઢાઓ, દીકરો – દીકરી એક સમાન જેવા ભીત સુત્રો અને સરકારી કચેરીઓમાં બોલતા શબ્દો મોરબી જિલ્લાના લોકોને સ્પર્શી ગયા હોય તેવા શુભ સંકેતો વચ્ચે મોરબી જિલ્લામાં છેલ્લા ચારેક વર્ષમાં સ્ત્રી જન્મદરમાં સતત સુધારો થઇ રહ્યો છે અને સારા પરિણામો જોવા મળતા મોરબી જિલ્લો ગુજરાત વિધાનસભામાં પણ ચર્ચામાં રહ્યો છે. ગુજરાત વિધાનસભામાં આરોગ્ય મંત્રીએ આપેલા પ્રત્યુત્તરમાં સમગ્ર રાજ્યમાં સ્ત્રી જન્મદરમાં મોરબી જિલ્લો સમતોલ હોવાથી અવ્વલ રહ્યાનું જાહેર કર્યું હતું.

ગુજરાત વિધાનસભામાં આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યના 33 જિલ્લાઓમાંથી માત્ર મોરબી જિલ્લામાં મહિલા-પુરુષ વચ્ચેનો રેશિયો સમતોલ જોવા મળ્યો છે. આ અંગે મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ.કતીરાએ જણાવ્યું હતું કે, વર્ષ 2021ના આંકડાઓ જાહેર થયા નથી પરંતુ વર્ષ 2019 અને વર્ષ 2020માં મોરબી જિલ્લામાં સ્ત્રી જન્મદરનું પ્રમાણ સમતોલ નજીક જોવા મળ્યું છે અને ખાસ કરીને માળીયા તેમજ ટંકારા તાલુકામાં તો પુરુષ બાળકોની સંખ્યાની તુલનાએ સ્ત્રી જન્મદર ઉંચો જોવા મળ્યો છે.

- text

વર્ષ 2019ના આંકડા જોઈએ તો મોરબી જિલ્લામાં હળવદ તાલુકામાં દર 1000 પુરુષે 966 સ્ત્રી, માળીયા તાલુકામાં 1005,મોરબી તાલુકામાં 892, ટંકારા તાલુકામાં 891 અને વાંકાનેર તાલુકામાં 881 મળી જિલ્લામાં સરેરાશ 1000 પુરુષોએ 901.50 સ્ત્રી જન્મદર રહ્યો હતો. જયારે વર્ષ 2020માં હળવદ તાલુકામાં દર 1000 પુરુષે 939 સ્ત્રી, માળીયા તાલુકામાં 997,મોરબી તાલુકામાં 901, ટંકારા તાલુકામાં 1003 અને વાંકાનેર તાલુકામાં 981 મળી જિલ્લામાં સરેરાશ 1000 પુરુષોએ 928.17 સ્ત્રી જન્મદર રહ્યો હતો.

આજના સમયમાં બેટી બચાવો બેટી પઢાવો સૂત્ર ખરેખર મોરબી જિલ્લામાં ચરિતાર્થ થઈ રહ્યું છે અને હવે તો માતાપિતાની અંતિમ વિધિ સમયે પણ પુત્રી પુત્ર કરતા સવાઈ સાબિત થતી હોવાના અનેક કિસ્સાઓ મોરબી જિલ્લામાં જોવા મળી રહ્યા છે ત્યારે સરકાર અને સ્વૈચ્છીક સંસ્થાઓની જનજાગૃતિની સતત કામગીરીને કારણે મોરબી જિલ્લામાં સ્ત્રી જન્મદરમાં વૃદ્ધિ થઈ હોવાનું સ્પષ્ટ બન્યું છે.

- text